મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૯)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ (૨૯)

મીરાં

પ્રીત પૂરવની
પ્રીત પૂરવની રે શું કરું, ઓ રાણાજી!
મારી પ્રીત પૂરવની રે શું કરું?
હો મેવાડા રાણા! મનડું લોભાણું તેને શું કરું?          રાણાજી

રામજી ભજું તો મારું હૈયું ઠંડું થાય;
ભોજનિયાં ન ભાવે, નયને નિંદલડી ન આય.          રાણાજી

કંઠે માળા દોવડી, મારે શીલવ્રત શણગાર;
કેમ કરી વીસરું રામને, મારા ભવભવનો ભરથાર.          રાણાજી

પેઈઆ બાસક ભેજિયા ને દિયા મીરાંને હાથ;
હાર ગળામાં નાખિયો ને મહેલ ભયો ઉજાસ.          રાણાજી

વિખના પ્યાલા ભેજિયા ને દો મીરાંને હાથ;
કરી ચરણામૃત પી ગયાં, મારા રામતણે વિશ્વાસ.          રાણાજી

વિષના પ્યાલા પી ગયાં ને ભજન કરે રાઠોડ;
તારી મારી નહિ મરું, મને રાખણવાળો ઓર.          રાણાજી

રાઠોડાંની દીકરી ને સીસોદાંને સાથ;
લઈ જાતી વૈકુંઠડે, મારી પ્રથમ ન માની બાત.          રાણાજી

મીરાં દાસી રામકી ને રામ ગરીબનવાજ;
મીરાંકી લજ્યા રાખજો, મારી બાંહ ગ્રહ્યાની લાજ.          રાણાજી