મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૦)
પદ (૩૦)
મીરાં
જેને મારા પ્રભુજીની ભક્તિ
જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે
તેને ઘેર શીદ જઈએ?
જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે,
તેને ઘેર શીદ જઈએ?
સસરો અમારો અગ્નિનો ભડકો,
સાસુ સદાની શૂળી રે;
એની પ્રત્યે મારું કંઈ ના ચાલે રે,
એને આંગણિયે નાખું પૂળી રે.
જેઠાણી અમારી ભમરાનું જાળું,
દરાણી તો દિલમાં દાઝાં રે;
નાની નણંદ તો મોં મચકોડે
તેણે ભ્રમ ગયો છે મારો ભાગી રે.
પાડોસણ અમારી તો ઓછામાં અદકી,
તે બળતામાં નાખે છે વારિ રે.
મારા ઘર પછવાડે શિદ પડી છે?
બાઈ તું તો જીતી ને હું હારી રે.
ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું
તેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે;
દાસી મીરાં લાલ ગિરિધર,
મારા આંગણિયામાં થૈથૈ નાચું રે.