મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૩)
પદ (૩૩)
મીરાં
ઘેલાં અમે થયાં
ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ! મારે ઘેલામાં ગુણ લાધ્યો.
આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું મન માયામાં બાધું;
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ. ઘેલાં
ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્મલ કીધાં નાથે;
પૂરવ જનમની પ્રીત હતી ત્યારે, હરિએ ઝાલ્યાં હાથે. ઘેલાં
ઘેલાંની વાતો ઘેલાં જાણે, ને દુર્જનિયાં શું જાણે?
જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે. ઘેલાં
ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતનાં શરણાં લીધાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં. ઘેલાં