મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૫)
પદ (૨૫)
ગરવાને માથે
રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો.
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે મોરલીને માથે નાગ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે કૂવાને માથે કોસ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે બેટાને માથે બાપ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે નરને માથે નાર જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે ગોપીને માથે કાન જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે ધરતી માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે તેતરને માથે બાજ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.