મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૬)
પદ (૨૬)
સંતાકુકડી
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો!
રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!
તમે થાશો જો નદીએ નાળું હું ધોબીડો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટૂલો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!
તમે થશો જો રણની રોઝડી, હું સૂડલિયો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું જળ-માછલડી થઈશ જો!
તમે થાશો જો જળ-માછલડી, હું માછીડો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું આકાશ-વીજળી થઈશ જો!
તમે થાશો જો આકાશ-વીજળી, હું મેહુલિયો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો!
તમે થશો જો બળીને ઢગલો, હું ભભૂતિયો થઈશ જો!