મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૪)
પદ (૩૪)
ઊભા રો’, રંગ રસિયા!
સોના ઈંઢોણી રૂપા બેડલું રે
નાગર, ઊભા રો’, રંગ રસિયા
પાણીડાં ગઈ’તી તળાવ રે,
નાગર, ઊભા રો’, રંગ રસિયા
કાંઠે તે કાન ઘોડાં ખેલવે રે – નાગર
કાન મુને ઘડુલો ચડાવ્ય રે – નાગર
તારો ઘડો તે ગોરી, તો ચડે રે – નાગર
તુંજો મારા ઘરડાની નાર રે – નાગર
ફટ રે ગોઝારા ફટ પાપિયા રે – નાગર
તું છો મારો માડીજાયો વીર રે – નાગર
અરડી મરડીને ઘડો મેં ચડ્યો રે – નાગર
તૂટી મારા કમખાની કસ રે – નાગર
ભાઈ રે દરજીડા, વીરા, વીનવું રે – નાગર
ટાંક્ય મારા કમખાની કસ રે – નાગર
કસે તે ટાંક્ય ઘમર ઘૂઘરી રે – નાગર
હૈયે તે લખ્ય ઝીણા મોર રે – નાગર
જાતાં વાગે તે ઘમર ઘૂઘરી રે – નાગર
વળતાં ઝીંગોરે નીલા મોર રે – નાગર