મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૨.રઘુનાથ દાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦૨.રઘુનાથ દાસ

રઘુનાથદાસ (૧૯મી સદી પૂર્વાર્ધ)
પુષ્ટીમાર્ગીય આ વૈષ્ણવ કવિએ પદો ઉપરાંત ધ્રુવાખ્યાન, રુક્મિણીવિવાહ કૃતિઓ રચી છે.

૧ પદ

શ્યામને સંદેશો
ઓધવજી સંદેશો કહેજો શ્યામને, મારા સમ જો મૂકી મનનો મેલ જો;
કાનુડો કપટી આવડો કેમ થયો, છળ કરીને છેતરીયે નહીં છેલ જો.          ઓ૦

આટલા દિવસ રે આવું નવ જાણતી, ધરથી ન જાણ્યા ધૂતારાના ઢંગ જો;
પાણીડાં પીને રે ઘર શું પૂછિયે, બાળપણામાં કીધો એ શું સંગ જો.          ઓ૦

અણતેડ્યાં જાતાં રે નંદને આંગણે, વણ કરાવ્યાં કરતાં ઘરનાં કામ જો;
એવે રે મિષે જઈ મળતાં માવને, પલકે પલકે કરતી હું પરણામ જો.          ઓ૦

દીવડિયા મિષે રે દૂરથકી આવતી, વડો કરીને વળતી વારંવાર જો;
મોહનનાં મુખનાં રે લેતી મીઠડાં, જશોદા મુજને કહેતાં નિર્લજ નાર જો.          ઓ૦

માડીથી છાના રે મેવા લાવતાં, વાટકીમાં દોતાં ગૌરી ગાય જો;
દૂધ ને દહીંયે રે હરિને સિંચતાં, મેં જાણ્યું જે જીવન મોટા થાય જો.          ઓ૦

વેરીડાં કીધાં રે વ્રજનાં લોકને, વાલા કીધા ગોપી ગિરિધરલાલ જો;
ફૂલડિયે પાંખડિયે હું નહિ ડૂબતી, કેમ વિસાર્યું વિઠ્ઠલજીએ વ્હાલ જો.          ઓ૦


જમાડી જમતાં રે જીવન પ્રાણને, પવન કરીને પોઢાડતી પર્યંક જો;
એવાં રે સુખડાં તો સુને વહી ગયાં, વેરી વિધાતાએ અવળા લખીયા અંક જો.ઓ૦
આભૂષણ ધરતાં રે હરિને અતિઘણાં, મોર મુગટ ને કુંડળ ઝળકે કાન જો;
રાજની રીતિએ મોહન માલતાં, નિત્ય નિત્ય નિરખી જોતી નવલે વાન જો. ઓ૦

વાસીદું વાળતાં ધરતી માતનું, રખે રજ ઊડે રસિયાને અંગ જો;
આંખલડીઆગળથી હરિ નવ મૂકતી, શા માટે હરિ તજ્યો અમારો સંગ જો.ઓ૦

દુ:ખડાની વાતો રે ક્યાં જઈ દાખવું, કહિયે છીયે પણ કહ્યું ન માને કોઈ જો;
કૂવાની છાંયડી તે કૂવામાં શમે, તસ્કરની મા કોઠીમાં પેશી રોય જો.          ઓ૦

અમારા અવગુણ રે, હરિના ગુણ ઘણા, જોઈ નવ કરિયે વડા સંઘાતે વેર જો;
રઘુનાથના સ્વામીને કહેજો એટલું, મળવા આવો મનમાં રાખી મેહેર જો          ઓ૦