મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૬.દેવારામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧૬.દેવારામ

દેવારામ
પૂરણ સ્વામીના ભક્ત. યોગની પરિભાષામાં પદરચના
૧ પદ

મનવા, જપી લે!
આઠ પો’ર ને રેન દિવસ તમે રટણા રટજો ઘડી ઘડી,
મનવા! જપી લે હરિ! હરિ!

સાચું નામ સાહેબજીનું સમરું ને
ઉન કિરતારે મારી કાયા ઘડી,
ગવરીના નંદ ગણેશને સમરું તો
રિદ્ધિ-સિદ્ધિની વાલે કોઠી ભરી –
રે મનવા જપી લે હરિ! હરિ!

પાંચ તતવરા બન્યા પિસારા ને
સુન-ગઢ સુરતા જાય ચડી,
નૂરતીમેં સૂરતી, સૂરતીમેં રમ લે તો
પૂરણ પાયા તેની ખબર પડી –
રે મનવા જપી લે હરિ! હરિ!

જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં;
તા બિચ હોજ ભરી;
ઉલટાં નીર શિખર પર ચડિયાં;
અમર લોકમાં લાગી ઝડી –
રે મનવા જપી લે હરિ! હરિ!

ઇંગલા રે પિંગલા સેવા સાધની
સુખમણા નાડી તોરી સેજે ખડી;
ત્રિકુટી-મ્હેલમેં હુઆ ઉજવાલા,
જલમલ જલમલ જ્યોત જલી –
રે મનવા જપી લે હરિ! હરિ!

રામગુરુ સ્વામી અમને પૂરણ મળિયા,
અમને બતાવી અમર જડી;
સદ્ગુરુ ચરણુંમાં બોલ્યા દેવારામ,
ખોલ દિયો સાધુ! તેરી કરમ-કડી.
રે મનવા જપી લે હરિ! હરિ!