મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૮.કૃષ્ણાબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧૮.કૃષ્ણાબાઈ

 કૃષ્ણાબાઈ
આ નાગર કવયિત્રીએ કેટલાંક પદોની તથા ‘સીતાજીની કાંચળી’ નામની કૃતિઓ રચી છે.

‘સીતાજીની કાંચળી’ -માંથી

(રામ-સીતા સંવાદ)
શ્રી રામજી કેરે ચરણે નમીને, સીતા કાંચળી પ્રીતે રે;
શ્રી રામ લક્ષ્મણનું વંદન કરીને, ગાઉં છું નૌતમ
હો રમતાં રઢ લાગી રાણીને.

દશરથસુતે આજ્ઞા પાળી, ઘર તજી ચાલ્યા વંન રે;
લક્ષ્મણ બંધવ જોડે લીધો, સ્નેહ ગાવું ધંન ધંન. હો રમતાં૦

પંચવટીમાં નિવાસ કરીને, આનંદ બહુ ઉપજાવે રે;
દિન પ્રત્યે ચોપટ બહુ ખેલે, જાનકીને મન ભાવે. હો રમતાં૦

પર્ણકુટીમાં સરોવર પાસે, જ્યાં ખેલે સીતારામ રે;
કનકતણો કરંગ દીઠો એક, આવ્યો તેણે ઠામ. હો રમતાં૦

સોનાનાં શીંગ ને ત્વચા કનકની, નાભિયે કસ્તુરી બેહેકે રે;
ડમરો ચરતાં દીઠો જાનકીએ, નાચે નૌતમ લેહેકે. હો રમતાં૦

સીતા—તે દેખિ સીતાને રઢ લાગી, રામ, એ મૃગ મારી લાવો રે;
આપણે જ્યારે અજોધ્યા જઈશું, કાંચલડી શિવડાવો. હો રમતાં૦
રામ—સરોવર-તીરે મૃગલો ઊભો, દીસંતો ઘણો રુડો રે;
ઘેલી સીતા, ઘેલું શું બોલો, મૃગ છે હૈયાનો કૂડો; હો રમતાં૦

બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે, સોનાનો નથી નિપજાવ્યો રે;
નથી દીઠો નથી શ્રવણે સાંભળ્યો, કોઈક કારમો આવ્યો. હો રમતાં૦

સીતા—પ્રત્યક્ષ પારખું મારા પિયુજી, સાચો હશે તો સહાશે રે;
કૂટ-કપટથી આવ્યો હશે તો, હમણાં ફીટી જાશે.          હો રમતાં૦

રામ—સાચો હોય તેને ક્યમ હણીએ, ક્યાં ગયું તમારું જ્ઞાન રે;
પોતાના સ્વારથને માટે, લ્યો છો પશુના પ્રાણ.          હો રમતાં૦

સીતા—સીતા કહે સાંભળો રઘુનંદન, વિદ્યા તમારી કાચી રે;
ઉજાતો મારી લાવો મૃગને, તો જાણું વિદ્યા સાચી.          હો રમતાં૦

રામ—બીજાં વિદ્યાનાં કામ ઘણાં છે, શાખા પત્ર ફળ ફૂલ રે;
પોતાનો સ્વારથ સરતો હોય તો, પાપ ન કરિયે મૂળ.          હો રમતાં૦

સીતા—સીતા કહે એક મૃગને હણતાં, શાનું બેસે કર્મ રે;
મહારાજાને મૃગયા રમવી, ખરો ક્ષત્રીનો ધર્મ.          હો રમતાં૦

રામ—મૃગયા માટે અમે નથી આવ્યા, અમને શાની આશ રે,
જ્યાં જેવે આશ્રમે રહેવું, ત્યાં તેવો અભ્યાસ.          હો રમતાં૦

સીતા—સાધુપણાં જ્યારે એવાં આદર્યાં, ધનુષબાણ શાને ઝાલો રે;
સાધુ થઈને રહો એકાંતે, ધર્મ પોતાનો પાળો.          હો રમતાં૦
રામ—રામ કહે એ રાજપુત્રને, લખિયાં છે એંધાણ રે;
કદાપિ કોઈ બળિયો દુ:ખ દે તો, તેના લેવા પ્રાણ.          હો રમતાં૦

સીતા—શૂર્પનખા ભગિની રાવણની, તેનો શો હતો વાંક રે;
વણ-અપરાધે તે અબળાનાં, છેદ્યાં કર્ણ ને નાક.          હો રમતાં૦

રામ—શૂર્પનખા કહે મુજને પરણો, તે મારે મન નવ ભાવે ર;
એક થકી અમે વાજ આવ્યા તો, બીજીને કોણ લાવે?          હો રમતાં૦

સીતા—સંસારમાં જ્યારે રહેવું કંથજી, કાયર થયે ક્યમ ચાલે રે;
સંસારનો લા’વો મારા કંથજી, નારી માગે તે આલે.          હો રમતાં૦

રામ—ઘેર બેઠાં માગો તે આલું, કાયર ન થાઉં ક્યમ રે;
વનમાં આવીને લેવાં રૂસણાં, નહીં સતીનો ધર્મ.          હો રમતાં૦

સીતા—એવો કમખો મેં નથી પેર્યો, કોટિ ઉપાયે કંથ રે;
જાત ભલી ને ભાત અનોપમ, ઉજ્જવલ અંગ અનંત.          હો રમતાં૦

રામ—એથી રૂડો કમખો શીવડાવું, સોનાના તાર નંખાવું રે;
વારૂ ફૂલ ઉપર વેલ ફરતી, વચ્ચે મોતી ટંકાવું.          હો રમતાં૦

સીતા—નિપજાવી જે વસ્તુ નીપજે, તેમાં તે શી વડાઈ રે;
અણનિપજી ને અમૂલખ જેની, જગમાં દિશે જુગતાઈ.          હો રમતાં૦

રામ—એવા સ્વાદ હતા જ્યારે તમને, શીદ આવ્યાં છો સાથે રે;
ઘેર બેઠાં નવ રહીએ રે ઘેલી, ઓઢત પહેરત ખાતે.          હો રમતાં૦
સીતા—પતિવ્રત મારું વ્રત પાળવું, પ્રિય વિના કેમ રહેવાય રે;
એક ઘડી નવ દેખું તો, બ્રહ્માંડ વહીને જાય.          હો રમતાં૦

રામ—પતિવ્રતા જે હોય પ્રેમદા, પિયુનું માને વચંન રે;
મુખે ન માગે હૈયામાં દાઝે, ધીરજ રાખે મંન.          હો રમતાં૦

સીતા—દેખ્યા પાખે શાનું દાઝે, નજર પડે મોહ લાગ્યો રે;
થોડું કામ ને આળસ કરવું, હજી નથી ગયો આઘો.          હો રમતાં૦

રામ—અવસર કાંઈ ઓળખતી નથી, જેવો વેષ તેવું રમવું. રે;
આપણે રાજ્યની સિદ્ધિ તજીને, આજે વનમાં ભમવું.          હો રમતાં૦

સીતા—દુ:ખના દિવસ કાલે વહી જશે, વહાણે પામશો રાજ્ય રે;
સવેળાનું સંઘર્યું હોય તો, અવસરે આવે કાજ.          હો રમતાં૦

રામ—રાજ્ય બેસીશું ત્યારે મળશે, જેવી જોઈએ તેવી જાત રે;
ચૌદ વરસમાં ભમવું તો, રાત આડી શી વાત.          હો રમતાં૦

સીતા—સીતા કહે, શા માટે ન માગું, તમ સરખો પિયુ જ્યારે રે;
લક્ષ્મણ સરખા દિયરજી મારે, લાડ કરું પછી ક્યારે?          હો રમતાં૦

રામ—રામ કહે, તને એં શી લલુતા, અબળાનો અવતાર રે;
વનમાં રહીને જે લોભ કરવો, ન હોય એ ધર્મ લાગર.          હો રમતાં૦

સીતા—સીતા કહે, સાંભળો મારા પિયુજી, ઝાઝું કહે શું થાય રે;
જે સ્રીને નહિ માન પિયુનું, તે વાયે લીધી જાય.          હો રમતાં૦

રામ—રામ કહે, તું વહાલી ન હોય તો, શિવનું ધનુષ શાને ભાંજું રે;
ફરશુરામ સાથે જુધ કરીને, અયોધ્યામાં ગાજું.          હો રમતાં૦

સીતા—મનસા વાચાએ વહાલી હઊં તો, કહ્યું કરો મુજ કંથ રે;
ઘડી અબઘડી જો વિલંભ કરશો તો, પ્રાણનો આણિશ અંત. હો રમતાં૦

રામ—રામ કહે, હૈયે નવ હારો, આટલો દા રમી જઈશ રે;
તમને જ્યારે તેડી લાવ્યો, જે કહેશો તે સહીશ.          હો રમતાં૦

સીતા—એ સોગઠડે હવે કાલે રમાશે, હું નહિ ઢાલું પાસા રે;
ઘડી અધઘડીનો વિલંબ કરશો તો, કાંઈક જોશો તમાસા.         હો રમતાં૦

પાસા પછાડીને ધરણીધર ઊઠ્યા, ભાઈને ભળાવી નારી રે;
‘લક્ષ્મણ બાપ, તું મઢીએ રે’જે, મૃગને લાવું મારી’.          હો રમતાં૦