મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨.શાલિભદ્ર સૂરિ-ભરતેશ્વર-બાહુબલિરાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨.શાલિભદ્ર સૂરિ-ભરતેશ્વર - બાહુબલિરાસ

રાજગચ્છના જૈન સાધુ. એમની ૨૦૩ કડીઓની એક કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ ઈ. ૧૧૮૫મઉં રચાયેલી, ગુજરાતીનાં લક્ષણો ધરાવતી પહેલી દીર્ઘ કૃતિ ગણાય છે. એમણે ૬૩ કડીનો બુદ્ધિરાસ (અપર નામ શાલિભદ્ર રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ રાસ) પણ લખ્યો છે.

ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી [ચક્રવર્તી-પદ ઇચ્છતા બે ભાઈઓ ભરત અને બાહુબલિ વચ્ચે યુદ્ધનાં આહ્વાનો, બંને સેનાઓ અને પછી બંને વચ્ચેના દ્વંદ્વયુદ્ધનું ડિંગળ પ્રકારના વર્ણઘોષોથી થયેલું આલેખન તથા છેલ્લે પશ્તાત્તાપપૂર્વક બંને ભાઈઓના ઉપશમ અને દીક્ષાનું નિરૂપણ આ કાવ્યને લાક્ષણિક ઠેરવે છે. આ કાવ્યનો કેટલોક ભાગ અહીં સારાનુવાદ સાથે લીધો છે. પાઠ અને સાર બળવંત જાની સંપાદિત ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી]

ભરત-બાહુબલિ વચ્ચે દ્વંદ્વ-યુદ્ધ

વચનઝૂઝિ ભડ ભરહુ ન જિણઈ, દષ્ટિઝૂઝિ હારિઉં કુણ અ ણઈ દંડિઝુઝિ ઝડ ઝંપીય પડઈ, બાહુ-પાસિ પડિઉ તડફડઈ ૧૮૪ (સાર: વાગ્યુદ્ધમાં વીર ભરત જીત્યો નહિ. દૃષ્ટિયુદ્ધમાં કોઈ ન હાર્યું. દંડયુદ્ધમાં તે (ભરત) ફરીને ધડ દઈને પડ્યો. બાહુબલિ પાસે પડેલો તે તરફડવા લાગ્યો. ૧૮૪)

ગૂડાસમુ ધરણિ-મઝારિ, ગિઉ બાહુબલિ મુષ્ટિ-પ્રહારિ ભરહ સબલ તઈ તીણઈ ધાઈ, કંઠ-સમાણઉ ભૂમિહિં જાઈ ૧૮૫ (ભરતના) મુષ્ટિપ્રહારથી બાહુબલિ ધરતીમાં ગોઠણસુધી ખૂંપી ગયો. તે સમયે તેના (બાહુબલિના) ઘાથી બળવાન ભરત ભૂમિમાં કંઠ સુધી ઘૂસી ગયો. ૧૮૫)

કુપીઉ ભરહ છ ખંડહ ધણી, ચક્ર પઠાવઈ ભાઈ-ભણી પાખલિ ફિરી સુ વલીઉ જામ, કરિ બાહુબલિ ધરિઉં તામ ૧૮૬ ((ત્યારે) છ ખંડોનો ધણી ભરત ગુસ્સે થયો. એણે ભાઈ પર ચક્ર છોડ્યું જ્યારે ચોતરફ ફરી (ચક્ર) પાછું વળ્યું ત્યારે બાહુબલિએ તેને હાથમાં પકડી લીધું. ૧૮૬)

બોલઈ બાહુબલિ બલવંત, લોહખંડિ તઉં ગરવીઉ હંત ચક્ર-સરીસઉ ચૂનઉ કરઉં, સયલહં ગોત્રહ કુણ સંહરઉં ૧૮૭ (બળવાન બાહુબલિ બોલ્યો- "લોખંડના ટુકડાથી અરે તને ગર્વ થયો છે! હું પણ ચકની જેમ ચૂરો કરી નાખું, આખા ગોત્ર-કુળનો સંહાર કરી નાખું." ૧૮૭)

તુ ભરહેસર ચિંતઈશ ચિંતિ, મઈ પુણ લોપીય ભાઈય ભીતિ જાણઉં ચક્ર ન ગોત્રી હણઈ, મામ મહારી હિવ કુળ ગિણઈ ૧૮૮ (ભરતેશ્વર મનમાં વિચારવા લાગ્યો – "મેં ભાઈની મર્યાદા (?) લોપી છે. ચક્ર સગોત્રને મારતું નથી, એ જાણું છું. હવે કોણ મારી મર્યાદા (?) રાખશે?" ૧૮૮)

તુ બોલઈ બાહુબલિ રાય(ઉ), ભાઈય મનિ મ મ ધરસિ વિસાઉ તઈ જીતઉં મઈ હારિઉં ભાઈ, અમ્હ શરણ રિસહેસર-પાય ૧૮૯ (ત્યારે બાહુબલિ રાજા બોલ્યો - "ભાઈ મનમાં દુ:ખ ન લગાડિશ. ભાઈ, તું જીત્યો, હું હાર્યો. ઋષભેશ્વરના ચરણ આપણું શરણ છે. ૧૮૯)

બાહુબલિનું આત્મમંથન

તઉ તિહિં એ ચિંતઈ રાઉ, ચડિઉ સંવેગિઈ બાહુબલે દૂહવિઉ એ મઈ વડુ ભાય, અવિમાંસિઈ અવિવેકવંતિ ૧૯૦ (ત્યારે સંવેગે (વૈરાગ્ય) ચડેલો બાહુબલિ રાજા વિચારવા લાગ્યો - "મેં અવિચારી ને અવિવેકભર્યું (વર્તન) કરીને મોટાભાઈને દુભવ્યા છે. ૧૯૦)


ધિગ ધિગ એ એય સંસાર, ધિગ ધિગ રાણિમ રાજરિદ્ધિ એવડુ એ જીવસંહાર, કીધઉ કુણ વિરોધવસ્સિ ૧૯૧ (આ સંસારને ધિક્કાર હો! રાજત્વ અને રાજસમૃદ્ધિને ધિક્કાર હો! ક્યા વિરોધને વશવર્તી મેં આવો (મોટો) જીવસંહાર કર્યો?) ૧૯૧

કીજઈ એ કહિ કુણ કાજિ, જઉ પુણ બંધવ આવરઈ કાજ ન એ ઈણઈ રાજિ, ઘરિ પુરિ નયરિ ન મંદિરિહિ ૧૯૨ (જેનાથી ભાઈ વિપત્તિમાં આવે, (?) એવું કાર્ય કહો, શા માટે કરવું? આ રાજ, ઘર, પુર, નગર કે મંદિર - (કશાનું) મારે કામ નથી.) ૧૯૨

સિરિ-વરિ એ લોચ કરેઇ, કાસગિ રહીઉ બાહુબલે અંસૂઉ એ અંખિ ભરેઈ, તસ પય પણમએ ભરહ ભડો ૧૯૩ (બાહુબલિએ માથા પરના વાળનો લોચ કર્યો (ખેંચી નાખ્યા) ને કાઉસગ્ગમાં રહ્યો.આંખમાં આંસુ ભરીને વીર ભરત તેને પગે પડ્યો.) ૧૯૩

ભરતનો પસ્તાવો બાંધવ એ કાંઈ ન બોલ, એ અવિમાંસિઉં મઈ કીઉં એ મેલ્હિ મ એ ભાઈ નિટોલ, ઈણિ ભવિ હું હિવ એકલુ એ ૧૯૪ (ભાઈ, કાંઈ બોલીશ નહિ. મેં અવિચારીપણે આ કર્યું હતું. ભાઈ, મને ખરેખર તજીશ નહિ. આ ભવમાં હવે હું એકલો છું. ૧૯૪)

કીજઈ એ આજુ પસાઉ, છંડિ- ન- છંડિ ન છયલ છલો હીયડઇ એ મ ધરિ વિસાઉ, ભાઈય અમ્હે વિરાંસીયા એ ૧૯૫ (આજે પ્રસાદ કરો. હે દક્ષ (ભાઈ), છળ (થયું છે એમ વિચારવું) છોડી દો, છોડી દો. હૃદયમાં વિષાદ ન ધરો. ભાઈ, અમે પણ વિશ્વાસમાં છેતરાયા છીએ. ૧૯૫)

બાહુબલિનો સંસારત્યાગ માનઈ એ નવિ મુનિરાઉ, મૌન ન મેલ્હઈ મન્નવીય મુક્કઈ એ નહુ નીય માણ, વરસ દિવસ નિરસણ રહીય ૧૯૬ (મુનિરાજ માન્યા નહિ. મનાવ્યા છતાં મૌન મૂક્યું નહિ. પોતાનું માન પણ છોડ્યું નહિ. વરસ દિવસ સુધી ઉપવાસી રહ્યા.) ૧૯૬

બંભી-સુંદરિ બેઉ, આવીય બંધવ બુઝવઈ એ ઊતરિ એ માણગયંદ, તુ કેવલિસિરિ અણસરઈ એ ૧૯૭ (બ્રાહ્મી અને સુંદરી - બેઉએ આવી ભાઈને જ્ઞાન આપ્યું. અભિમાનરૂપી ગજેન્દ્રથી નીચે ઊતરશો તો કેવલશ્રી તમને પ્રાપ્ત થશે (અનુસરશે). ૧૯૭

ઊપનું એ કેવલ-નાણ, તુ વિહરઈ રિસહેસ સિઉં આવીઉ એ ભરહ નરિંદ, સિઉં પરગહિ અવઝાપુરિ એ ૧૯૮ (તેમને (બાહુબલિ)ને કેવળ-જ્ઞાન ઉત્પન્ન થયું. તે ઋષભેશ્વર સાથે વિહરવા લાગ્યા. રાજા ભરત પોતાના પરિવાર સાથે અયોધ્યાપુરી આવ્યા.) ૧૯૮

હરિષીયા એ હીઇ સુરિંદ, આપણપઇ ઉચ્છવ કરઇ એ વાજઈ એ તાલ કંસાલ, પડહ પખાઉજ ગમગમઈ એ ૧૯૯ (હૃદયમાં હર્ષ પામેલા ઈન્દ્રે પોતે ઉત્સવ કર્યો. તાલ અને કંસાલ વાગે છે. ઢોલ ને પખવાજ ‘ગમગમ’ અવાજ કરે છે.) ૧૯૯

આવઈ એ આયુધસાલ, ચક્ક-રયણ તઉ રંગભરે સંખ ન એ જસ કેકાણ, ગયઘડ રહવર રાણિમઈ ૨૦૦ (ત્યારે એ રંગભર્યું ચકરત્ન આયુધશાલામાં આવ્યું. ત્યાં (ભરતના) રાજત્વમાં અશ્વો, ગજોના સમૂહ અને ઉત્તમ રથો અસંખ્ય હતા.) ૨૦૦


દસ દિસિ એ વરતઇ આણ, ભડ ભરહેસર ગહગહઇ એ રાયહ એ ગચ્છ સિણગાર, વયરસેણ-સૂરિ પાટધરો– ૨૦૧ (હર્ષથી ઉત્સાહિત વીર ભરતેશ્વરની આણ દશે દિશામાં વર્તાઈ. રાજગચ્છના શણગારરૂપ વજાસેનસૂરિના પટ્ટશિષ્ય-– ૨૦૧)

–ગુણગણહં એ તણુ ભંડાર, સાલિભદ્ર સૂરિ જાણીઈ એ કીધઉં એ તીણી ચરિતુ, ભરહનરેસર રાઉ છંદિ એ ૨૦૨ (– ગુણના સમૂહના ભંડારરૂપ શાલિભદ્રસૂરિને જાણો.એણે રાસછંદમાં ભરત રાજાનું ચરિત્ર લખ્યું. ૨૦૨)

જો પઢઈ એ વસુહા વદીત, સો નરો નિતુ નવ નિહિ લહઈ એ સંવત એ બાર(૧૨) કએતાલિ(૪૧) ફાગુણ પંચમિઇ એઉ કીઉ એ ૨૦૩ (જે મનુષ્ય (આ ચરિત) વાંચશે, તે પૃથ્વીમાં પ્રસિદ્ધ થશે અને નિત્ય નવનિધિ મેળવશે. સંવત ૧૨૪૧ ફાગણ પંચમીએ આ (ચરિત) લખ્યું છે.) ૨૦૩