મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૨.લાલદાસ
૪૨.લાલદાસ
અખાના પહેલા શિષ્ય ગણાયેલા આ કવિનાં પદોમાં જ્ઞાનમાર્ગ અને પ્રેમલક્ષણાનો સમન્વય અનુભવાય છે.
૧ પદ
વાલાજી, વેણ વાગી, વેણ વાગી રે,
હો વંસી વાગી;
વૃંદાવન વિસામાની મોરલી વાગી.
ધન મોરલી વાગી, ઘટ ભીતરમાં લાગી,
સુણતાં ઝબકીને જાગી. –વેણ
શ્રવણ મોહ્યાં, મારાં નેણ જ મોહ્યાં,
સખી, સુરત શામળાસેં લાગી. –વેણ
કામધંધાની હું તો સુધબુધ ભૂલી,
સખી, લોકની લજ્જા ત્યાગી. –વેણ
દરશન કરવા રાણી રાધાજી ચાલ્યાં,
સખી, સામો મળ્યા શામળો સોહાગી. –વેણ
પિયુ સંગ મળિયા, મારાં કારજ સરિયાં,
સખી, સહુ કહે એ બડભાગી. –વેણ
લાલદાસે ગાયા જેણે મોહન પાયા,
સખી, મન કિયો વેહ વેરાગી –વેણ