મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૪.રત્નો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૪.રત્નો

રત્નો (ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ):
રત્ના ભાવસારને નામે જાણીતા આ કવિ પ્રેમલક્ષણાભક્તિના પદકવિ હતા. ‘મહિના’ નામે લખેલી આ કવિની બારમાસી, એમની વિશિષ્ટ કવિશક્તિથી અલગ તરી આવે છે. એમણે ‘દાણલીલા’ નામની એક નાની કૃતિ પણ રચી છે.

મહિના

કારતક રસની કુંપળી, નયણાંમાં ઝળકાય;
અંગ સમારે રાધિકા, મનમથ રહ્યો શોભાય.

કારતકે કંથ મેલી ગયા, સાંભળ સૈયર વાત;
ગોકુળનીરે ગોવાલણી, ઘસવા લાગી રે હાથ.

વાયદા ઉપર વધતા ગયા, દિવસ ગણતાં રે માસ;
અમો રે વિશ્વાસે વળગી રહ્યાં, મોહન મળવાની આશ.

સગાં રે સહોદર છે ઘણાં, નાથ વિના રે શી નાર;
બળ રે કરી નવ બોલિયે, મસ્તક નહિ રે મોરાર.

અમો રે મળતાં શું મથી ગયાં, બાકી રાખ્યું ન કાંય;
કહેવા સરખું રહ્યું નહીં, જાણે જાદવરાય.

પૂર્વની પ્રીત સંભારિયે, જાણી પોતાની દાસ;
રત્નાના સ્વામી રે શામળા, પૂરો અબળાની આશ.

ઓધવજી રે સંદેશડો, કહેજો મથુરા મોઝાર,
જેરે દહાડાના ગયા નાથજી, ઝૂરે વ્રજની નાર.          ઓધવજી રે૦

માગશર મન મેગળ થયો, ઉપર નહીં ભરથાર;
મધુપુરમાં વાસો વસ્યો, અંકુશને દેનાર.

માગશર મહિનો આવિયો, નાવ્યા નંદકુમાર;
સંભારતાં સાંસો પડે, આંખે આંસુની ધાર.

આશા ઉમેદે અવતર્યા, અબળાનો અવતાર;
કહોને અમે કેમ કીજિયે, મેલી ગયા રે મોરાર.

પ્રથમ તો મધુકર મોકલ્યો, વ્હાલે કાવ્યો છે જોગ;
આપણ અબળાને એ ઘટે, જો જો કરમના ભોગ.

ઘરમાં તે હળવી હું પડી,બાહાર નવ રે બોલાય;
કૂવા તે કેરી છાંયડી, કૂવામાં રે સમાય.

મળતાં મોટમ નવ રાખિયે, આવો શ્રી ભગવાન;
રત્નાના સ્વામી રે શામળા, દોને દરશન દાન.          ઓધવજી રે૦

પોષે તો પરવશ પડી, વ્રહ વ્યાપ્યો અતિ અંગ;
ઓસડ-ગુણ લાગ્યો નહીં, ડશિયો શ્યામ-ભુજંગ

પોષે તે પહેલા પૂરમાં, જોબન બાળેરે વેશ;
પૂરણ પાપ તેનાં મળ્યાં, જેનો પિયુ પરદેશ.

આછી પટોળી રે ઓઢવા, શિયાળાની રે ટાઢ;
પાંચ પહોરની રાતડી, વ્હાલે કીધી છે રાઢ.

સાંજ સંજોગે સૌ મળ્યાં, જુવે વાલાની વાટ;
વિસાર્યા કેમ વિસરે, ઊભા જમુનાને ઘાટ,

ઘણું રે ગાઢું કરી રાખિયે, હૈડું નવ રહે હાથ;
પ્રીત કરી કેમ પરહર્યા, નાવ્યા નગણા રે નાથ.

બળતી બોલું છું હું હે, રખે રાખતા રીશ;
રત્નાના સ્વામી રે શામળા પાયે નમું છું શીશ.          ઓધવજી રે૦

મહા મહિને ન માહરું, આકુળ વ્યાકુળ થાય;
રુવે વિજોગણ રાધિકા, એકે ન સૂઝે ઉપાય.

હજી હરિ શેં નવ આવિયા, આવ્યો મક્કર માસ;
ભાગ્ય વિના કેમ પામિયે, વ્હાલાજીનો વોલાસ?

કુબજા સરખી કામિની, આવી હરિને રે હાથ;
આપ કાળા ને એ કૂબડી, ભલી ભજિ છે રે ભાત.


સરખા સરખી રે સાહેલડી, જમુના નહાવારે જાય;
પૂજીને માગે રે પ્રેમદા, મળજો જાદવરાય.

એક દુ:ખે અમો દાઝિયે, બીજું કૂબજાનું શૂળ;
નિર્ગુણ જોગ વળી લખે, દાઝ્યા ઉપર લૂણ.

દયા રે દામોદર દિલ ધરી, ભેટો શ્રી ભગવાન;
રત્નાના સ્વામી રે શામળા, ક્યારે મળશો રે કહાન.          ઓધવજી રે૦

ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;
હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયોલાલ.

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ;
અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ;
કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

અબિલ ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ;
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

તરૂવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસુડાં વન,
અમો અબળાને એ ઘટ્યું, મરવું મુંઝાઈ મન.


વેરી વિધાતાએ લખ્યો, વ્હાલાતણો રે વિજોગ;
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.          ઓધવજી રે૦

ચૈત્રે ચુતા સંચરી, ઊભી જમુનાને તીર;
પંથ ન્યાળતી પ્રેમદા, રડતાં ભીંજે ચીર.

ચૈતર માસનો ચાંદલો, રૂડી નિર્મળ રાત;
સ્વપનામાં સ્વામી રમી ગયા, હદે થઈ રળિયાત.

જાગીને જોતાં દિસે નહીં, ફાળ પડી છે પેટ;
બોલાવ્યા બોલે નહીં, નાશી પેઠા રે નેટ.

કોમળ કર ધરી દીવડો, ચતુરા ન્યાળે ચોપાસ;
ખોળતાં ખૂટી રે રાતડી, ન મળ્યા શ્રી અવિનાશ.

પાછલી રાત પરોઢિયું, ઊઠી પ્રાત:કાળ;
જોશીડા જોશ સંભાળજે, આ શું આળપંપાળ.

સુખ સ્વપનાનું સાંભરે, ભીતર ભડકા રે થાય;
રત્નાના સ્વામી રે શામળા, આવી મળે તો ઓલાય.           ઓધવજી રે૦

વૈશાખ આવ્યો રે સખી, વહી ગયા ખટમાસ;
હજી સંદેશો નાવિયો, કાગળની શી આશ.

વૈશાખે વાયા રે વાયરા, પાક્યાં દાડમ દ્રાખ;
પાકી તે રાયણ આંબલી, ગળી આંબાની સાખ.

લુકનાં લેહેરાં લાગે ઘણાં, બહાર નવ નિસરાય;
ધરતી તખે ને રવી તપે, કોમળ મુખ કરમાંય.

ફૂલડાંની સેજ સારિયે, બેહેકે ચંપો ને જાય;
વ્હાલાજી કેરે વીંઝણે, કેને ઢોળું રે વાય.

માંગ સમારૂં રે મોતીએ, સેંથે ભરૂં રે સિંદૂર;
નાથજી લ્હાવો લીજિયે, જોબન જાય ભરપૂર.

ગ્રીષ્મ ઋતુ અતિ દોહેલી, વ્હાલા વિચારો મન;
રત્નાના સ્વામી રે શામળા, સોંપ્યું તન, મન, ધન.           ઓધવજી રે૦

જેઠે જોડી સોગઠી, પાસા લીધા હાથ;
જાણ્યું પડશે પાધરા, અવળા પડિયા, નાથ!

જેઠ લગી જોઈ વાટડી, કોઈ આવે ને જાય;
કાગળ કટકો મળ્યો નહીં, લખવા જાદવરાય.

મરવું તે મુખથી કેમ કહું, મરણ હરિને રે હાથ;
પ્રીતમગત મૃત્યુ થઈ રહી, જાણે વૈકુંઠનાથ.


સગપણ સાચું સૌ કહે, પ્રીત પીતળ ફોક;
એ રે ઉખાણો સાચો મળ્યો, ભલા હસાવ્ય લોક.

દોષ અમારાં અદૃષ્ટનો, વાલાજીનો શો વાંક;
સુખદુ:ખ સરજ્યું દેહને, મારી વિધાતાએ ટાંક.

ચતુર થઈ નવ ચૂકિયે જાણો અબળાનો ધર્મ;
રત્નાના સ્વામી ર શામળા, વળતી બેસશે કર્મ.          ઓધવજી રે૦

અસાડ આવ્યો હે સખી, કેમ કરિ કાઢું દન;
નાથ નમેરા થઈ રહ્યા, ક્દે પડ્યાં રે રતન.

અસાડો ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;
વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;
કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;
દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

લીલાં ચરણાં અવનીએ ધર્યાં, તરુવર ગેરગંભીર;
પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.


જોગીડા પણ પંથ પરહરી, બેઠા ઐક આસન;
રત્નાનો સ્વામી રે શામળા, આવો જગના જીવન.          ઓધવજી રે૦
*
શ્રાવણ માસે સજ થઈ, દરપણ ન્યાળે અંગ;
તતક્ષણ તે ધરણી ઢળી, જાણે ડસ્યો ભુજંગ.

શ્રાવણ માસ સોહામણો હિંડોળાના રે દંન;
હિંચે તે ગોરી રાધિકા, ઘણું રંગ્યા રે પાય.

ગૌરી પૂજે સાહેલડી, કરમાં પુષ્પની માળ;
બીજા રે કરમાં કંકાવટી, મુખે શ્રીગોપાળ.

ચાર પહોર જાગરણ કરે, ગૌરી ગરબા રે ગાય;
રાત થોડી ને રમત ઘણી, રખે વહાણું રે વાય.

શ્રાવણે પાક્યો આંબલો, કોને કરીએ ભેટ;
રત્નાના સ્વામી રે શામળા, આડો જમુનાનો બેટ.          ઓધવજી રે૦
*
ભાદરવે ભવન પંચમે, ખળકે હિંદોળાખાટ;
પુષ્પને પંખે પદ્મણી, જુવે વ્હાલાની વાટ.

ભાદરવો ભરપૂમાં, ભલું જણાયે જોર;
ગગન વિશે કરે કાટકા, નાવ્યા નંદકિશોર.

ઉત્તરદેશથી ઉલટ્યો, થયો ઘોર અંધાર;
વીજલડી ચમકાર કરે, નાવ્યા નંદકિશોર.

પંચ રંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ;
ચંપક વરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.

નદીએ નીર ભર્યાં ઘણાં, નવ દીસે ઉતાર;
વેરણ જમુના પૂરે ચઢી, પિયુડો પેલે રે પાર.

બાળ્ય બધું સુખ દેહનું, જેનો નાથ નઠોર;
રત્નાના સ્વામી રે શ્યામળા, બળતી બોલું છું જોર.          ઓધવજી રે૦
*
આસોએ આશા હતી, મળવાની મનમાંય;
ઓધવજી ભલે આવિયા, વીરા થાઓ વિદાય.

દુ:ખના રે દહાડા વહી ગયા, આવ્યો આસો રે માસ;
સૌ કો સપરમે દહાડલે, વસે પોતાને વાસ.

નવ રે દહાડા ગયાં નોરતાં, નાવ્યા દશરા રે માંય;
મોટો ઓછવ દીવાળીનો, આવી કરજો ઈહાંય,

સખી સાહેલી સૌ મળી, હરિને લેવાને જાય;
આણે મારગ હરિ આવશે, ઉલટ અંગ ન માય,


ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર;
નયણે તે કજળ સારિયાં, મળવા નંદકુમાર.

કોમળ કરમાં રે દીવડો, હઈડે હરખ અપાર;
હરિને નિહાળવા નીસરી, ઊભી આંગણાં બહાર.

મનના મનોરથ વહી ગયા, એકે સિધ્યું નહીં કાજ;
રત્નાના સ્વામી રે શામળા, દોહેલું કીધું છે રાજ.          ઓધવજી રે૦