મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૫.કાળિદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૫.કાળિદાસ

કાળિદાસ (ઈ. ૧૮મી સદી):
વસાવડના કાળિદાસ તરીકે જાણીતા આ આખ્યાનકાર કવિએ ‘પ્રહ્લાદ-આખ્યાન’, ‘સીતા-સ્વયંવર’ આદિ કૃતિઓ રચેલી છે. એમાં કથાવસ્તુનું તેમજ પાત્ર-સંવેદનનું વાક્છટાવાળું આલેખન તથા વિવિધ રાગ-ઢાળવાળી દેશીઓની રચના નોંધપાત્ર છે.

પ્રહ્લાદ-આખ્યાન -માંથી
"બાળા દેખાડ દેખાડ તરો વૈકુંઠપતિ, એમ હોકારે બકોરે બોલે મૂઢમતિ;
હું તો મનમાં ન રાખું કેની બીક રતિ, બાળા દેખાડ દેખાડ તારો વૈકુંઠપતિ.

હમણાં પ્રહાર કરીને તારા પ્રાણ હરું, ત્યારે હિરણ્યકશિપુ મારું નામ ખરું;
હું તો બ્રહ્માંડમાં ભય કોનો નવ્ય ધરું, બાળા દેખાડ દેખાડ તારો વૈકુંઠપતિ.

હું તો વેરીતણે છળે બળે માર્યો નવ મરું, વર બ્રહ્માએ આપ્યા તે અભિમાન ધરું;
તેણે સકળ ભુવનમાંહે ફૂલ્યો ફરું,           બાળા૦

મુને શું કરે તારો રામ રીશ કરી, મારી સન્મુખ ન શકે ધીર ધરી;
ગયો વૈકુંઠ નાશી મારે ત્રાસે કરી,          બાળા૦

વર બ્રહ્મા તણો મિથ્યા કરે કોણ વળી, જેથી પ્રગટી સૃષ્ટિ વિવિધ સઘળી;
મુને સહાય થયો છે તપમાં રે મળી.          બાળા૦

એવો દિવસ કયો જે દેખું દેવ હરિ, જુદ્ધ કરું તેની સાથે કર ખડ્ગ ધરી;
પહેલો એ મળે તો મેલું બીજી વાત પરી."          બાળા૦
એવું વચન સુણીને બોલ્યો બાળ મુખે, "રાજા બળ શાને કરો બેસી ર્હોની સુખે;
હું તો દુબળો થાઉં છું તમારે દુ:ખે, દાદા દેખાડું શું, રામ મારો રહ્યો છે વ્યાપી;
બાધી સૃષ્ટિ સુરાસુર એણે થાપી,          દાદા૦

મારો પ્રભુજી વસે છે ત્રૈલોક વિષે, એને ન જાણતા આપણથી દૂર રખે;
નથી બ્રહ્માંડ કોઈ મારા નાથ પખે.          દાદા૦

એ તો આત્મ-સ્વરૂપી સહુ માંહે વસે, જેમ દર્પણ માંહે પ્રતિબિંબ ધસે;
તેમ સઘડે ગોવિંદ અળગો ન ખસે.          દાદા૦

ત્યારે બોલિયો અસુર મન ક્રોધ તકે, "અલ્યા જાણ્યું અજાણ્યું કેટલું બકે;
એક આ સ્થંભથી ઠાકોર તારો પ્રગટી શકે?"          બાળા૦

એવું સુણી બાળક કર જોડી કહે, "મારા સ્વામીજી મહિમા તો સત્ય લહે,
હુંમાં તુંમાં સ્થંભ ખડ્ગ સહુમાં રહે"          દાદા૦

પછી પ્રહલાદ સંભારે વૈકુંઠધણી, નિરખી પ્રેમેશું જોયું ત્યાં સ્થંભ ભણી;
માંહે દીઠા નરસિંહ ત્રૈલોક ઘણી.          દાદા૦

દેખી સ્થંભને પ્રહ્લાદે પ્રણામ કર્યો, મન આનંદ અણી પ્રદક્ષિણા ફર્યો;
એવું દેખીને દાનવપતિ ક્રોધે ભર્યો,          બાળા૦

બાધો સ્થંભશું વછૂટે ઊઠ્યો ખડ્ગ ધરી, દાઢી મૂંછ પછાડી દોડી દોટ દઈ;
ફાટ્યો કડડડ સ્થંભ ધરા ધ્રૂજી રહી,          બાળા૦

દીઠો કારમો કેસરી નર પ્રગટ થયો, રૂપ નિહાળી દાનવપતિ દૂર ગયો;
ધરી ઢાલ ખડ્ગ આવી ઊભો રહ્યો, ‘જુઓ પિતાજી પ્રેમે મુજ વૈકુંઠપતિ.’ ૦૦૦