મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૫.લખીરામ/ લક્ષ્મીસાહેબ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭૫.લખીરામ/ લક્ષ્મીસાહેબ

લખીરામ/લક્ષ્મીસાહેબ (૧૮મી ઉત્તરાર્ધ)
રવિભાણ સંપ્રદાયના હરિજન કવિ. પદો-ભજનો રચ્યાં છે
૧ પદ

બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.
વરતાણી આનંદલીલા: મારી બાયું રે.
બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.

કોટિક ભાણ ઊગિયા દિલ ભીતર
ભોમ સઘળી ભાળી;
સૂન-મંડળમાં મારો શ્યામ બિરાજે,
ત્રિકોટીમેં લાગી મુંને તાળી: મારી બાયું રે.          – બેની મુંને૦
ઘડી ઘડીનાં ઘડિયાળાં વાગે
છત્રીશે રાગ શીની,
ઝળકત મો’લને ઝરૂખે જાળિયાં
ઝાલરી વાગી ઝીણી ઝીણી: મારી બાયું રે.          – બેની મુંને૦
બાવન બજારું ચોરાશી ચોવટા,
કંચન મોલ કીના,
ઈ મોલમાં મારો સતગુરુ બિરાજે,
દોય કર આસન દીના: મારી બાયું રે.          – બેની મુંને૦
સત નામનો સંતાર લીધો,
અને ગુણ તખત પર ગાયો;
કરમણ ચરણે લખીરામ બોલ્યા,
ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો: મારી બાયું રે. – બેની મુંને૦