મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૭.ગિરધર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૭.ગિરધર

ગિરધર(૧૮મી ઉત્તરાર્ધ–૧૯મી પૂર્વાર્ધ; જ.૧૭૮૭–અવ.૧૮૫૨)
પદો, આખ્યાનો, સ્તુતિઓ એમ બહોળું લેખન કરનાર આ કવિનું રામાયણ(‘ગિરધરકૃત રામાયણ’) ખૂબ લોકપ્રચલિત થયેલી, ૨૯૯ કડવાંની ૯૫૫૧ કડીની મહત્ત્વની કૃતિ છે.

રામાયણ -માંથી

(કૌશલ્યાની વેદના)

ત્યારે માતા કૌશલ્યાજી બોલિયાં હો વાલા રે;
તુંને નહિ જાવા દઉં વન, કુંવર કાલા રે.          ૧

ઘણી કોમળ છે તારી દેહડી, હો વાલા રે;
મારા લાડકવાયા તન, કુંવર કાલા રે.          ૨

તને ગુપ્ત રાખું મારી વાડીમાં, હો વાલા રે;
બીજું અવર ન જાણે જ્યમ, કુંવર કાલા રે.          ૩

મેં તો તુજ વિણ રહેવાયે નહિ, હો વાલા રે;
મુંને મૂકીને જાશો ક્યમ? કુંવર કાલા રે.          ૪

પાયે કંકર કંટક ખૂંચશે, હો વાલા રે;
નહિ ચલાયે વસમી વાટ, કુંવર કાલા રે.          ૫


વેઠવી શીત આતપ ને વૃષા, હો વાલા રે;
ક્યમ ઓળંગશો ગિરિઘાટ? કુંવર કાલા રે.          ૬
વ્યાઘ્ર સિંહ વનમાં ઘણા, હો વાલા રે;
સર્પ સૌહર ને વૃક રક્ષ, કુંવર કાલા રે.          ૭

રજનીચર સાથે જુદ્ધ થશે, હો વાલા રે;
કોણ કરશે તમારી પક્ષ? કુંવર કાલા રે.          ૮

વનમાં વલ્કલ ક્યમ પહેરશો? હો વાલા રે;
તજી વસ્ર આભૂષણ સાર, કુંવર કાલા રે.          ૯

અહીં જમતા ભોજન ભાવતાં, હો વાલા રે;
ક્યમ કરશો વનફળ આહાર? કુંવર કાલા રે.          ૧૦

તજી સજ્જા ભમરપલંગની, હો વાલા રે;
ક્યમ પોઢશો પૃથ્વી માંહ્ય? કુંવર કાલા રે.          ૧૧

તારે બાલપણામાં વન શું? હો વાલા રે;
મારું વચન માની રહો આંહ્ય, કુંવર કાલા રે.          ૧૨

મારે કિયા જનમનાં કરમ હશે? હો વાલા રે;
તે આવીને નડિયાં આજ, કુંવર કાલા રે.          ૧૩

તે દૈવ રંગમાં ભંગ કર્યો, હો વાલા રે;
કર્યું વન તજીને રાજ, કુંવર કાલા રે.          ૧૪

વાત સાંભળી વંન જવા તણી, હો વાલા રે;
વહેરે કરવત કાળજામાંહ્ય, કુંવર કાલા રે.          ૧૫

દવ લાગ્યો મારા અંગમાં, હો વાલા રે;
હવે નાસીને જઈએ ક્યાંય, કુંવર કાલા રે.          ૧૬

મારો પાપી પ્રાણ જતો નથી, હો વાલા રે;
હશે કોણ કરમના ભોગ, કુંવર કાલા રે.          ૧૭

એમ કહીને રૂએ રૂદેફાટ તે, હો વાલા રે;
ક્યમ સહેવાય પુત્રવિયોગ? કુંવર કાલા રે.          ૧૮