મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૯.ગેમલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૯.ગેમલ

ગેમલ (૧૯મી પૂર્વાર્ધ):
ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી એવી નામછાપ ધરાવતા આ પદકવિનાં પદો-ગરબીઓ મુખ્યત્વે કૃષ્ણભક્તિની રચનાઓ છે. થોડીક રચનાઓ ભક્તિઉપદેશની પણ છે. આ કવિનાં પદોની ભાષા સરળ ને પ્રાસાદિક છે. ખૂબ લોકપ્રિય નીવડેલું એમનું પદ ‘હરિને ભજતાં...’ ક્યાંક પ્રેમળદાસ એવી નામછાપની પણ મુદ્રિત થયેલું છે.
૧ પદ

હરિને ભજતાં...
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.          હરિને

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.          હરિને

વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે.          હરીને

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુખ હરિયાં રે.          હરીને