મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૨

અખાજી

 કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર.

જ્ઞાનવૈરાગ્યનો દેહ ધર્યો, માંહી જોગપણાને જીવ;
ભક્તિ આભૂષણ પહેરિયાં રે, એવો કોઈએક સેવક શિવ.

શીલરૂપી ખડિયો કર્યો, માંહી પ્રેમતણી રુશનાઈ;
કલમ બુદ્ધિ સંતની રે, ત્યાં તો અદ્વૈત આંક ભરાઈ.

સુરતનુરતની દોરી લીટી, માંહી વિવેક તણી ઓળ;
વિચારી અક્ષર ત્યાં લખ્યા રે, તેમાં ઉતારી પાટણપોળ.
સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય;
તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.

કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;
તોયે અક્ષર એકે ન ઊકલ્યો રે, સરવે થાક્યા છે જાણ સુજાણ.

અંધે તે અક્ષર વાંચિયા રે, બેહેરે સુણી વાત;
મુગે ચરચા બહુ કરી રે, તેની વેદ પૂરે છે સાખ.

જોગપણું જુગતે લહ્યું રે, મન મળી મંગળ ગાય;
વિચારી અક્ષર સૌ લખે રે, તોયે કાગળ કોરો કહેવાય.

અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાંહાં છે તેહનો વાસ;
કર જોડીને અખો કહે રે, એવા નિર્મળ હરિના દાસ.