મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૩

અખાજી

સગુરા બહુ મળે રે, તે નગુરો નિરંજન નાથ;
તે ઉપદેશ પાખે એકલો, તેનું હારદ નાવે હાથ.

જેણે વણનિર્મ્યું તે વિશ્વ નિર્મ્યું, વણમશાલે વીર;
અવનીદળ ક્યાંહાંથું કર્યું? અને ક્યાંહાંથું કહાડ્યું નીર?
તેજ તે તપતું કર્યું અને અનિલે કીધો અરૂપ;
આકાશ કીધું અટપટું, તે નગુરો કહાવે ભૂપ.

નગુરા વડે ગુરુઆ ગુરુ, બાંધે ગિરાના બંધ;
તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવવિહુણા અંધ.
તે સ્વે સગુરા, સગુરો કરે, જે કો મળે એવી આશ;
જેમ મૃગ મરાવ્યું મલપતાં, પાડી પશુને પાશ.

નગુરો નિ:શેષે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ;
તે મણિની પેરે ઝળહળે, તેને તેજ, પણ નહીં તાપ.

એ તો દિનકર વડે દિન પરઠીએ, નહીં તો દિવસ નહીં, નહીં રાત;
નિર્વાણી પદ નગુરા તણું, જ્યાંહાં મન વાણી નહીં, તાત!

રચના તે રચતે રુંધમાં, ભાઈ નભ ન આવે જેમ;
તે ગૂઢ રાખે ગોલકે, પોતે પપસરતું તેમ.

અધો ઊર્ધ્વ શું? શા થકું? જો જમલી નહીં કો જોડ;
તેમ નગુરો નિર્દાવે રહે, જ્યાંહાં ઘટ નહીં, નહીં મોડ.

સન્મુખ થઈને સમજતા, ભાઈ! વોળે આવે વાત;
પણ વાદે વળગણ વાધતી, ભાઈ! ધામ ન પામે ધાત.

નગુરો તે સ્વે નરહરિ, જ્યાંહાં દ્વૈત નહીં, નહીં એક;
જ્યમ છે ત્યમનું ત્યમ અખા, નેતિ નેતિ ને શેષ.