મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા કડવું ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૨

અખાજી

કવિજને આગે ગ્રંથ બહુ કર્યા,
વિધવિધ કેરા જુગતે વિસ્તર્યા;
ખટદર્શનના મત બહુ ઊચર્યા;
પૂર્વના જે કવીતા તે નવે બહોળા ધર્યા. ૧

ઊથલો:
  બહોળા ધર્યા સ્તુતિ કરીને, એવી ગ્રંથકારની રીત્યે છે;
કહ્યું: ‘સુર્ય આગળે ખદ્યોત કશો? - એવી બોલ્યાની નીત્ય છે ૨

‘જાહ્નવી આગળ જ્યમ વહેંકળો, સુરતરુ ને બદરી જથા;
પારિજાતક પાસ અરણી, મહાકવિ આગળ હું તથા. ૩

ગરુડ આગળ જથા કુરરી, સાગર આગળ જ્યમ કૂપ;
મેઘ આગળ જથા ઝાકળ. ક્યાં તેલ, ક્યાં તૂપ? ૪

બાવનાચંદન બેહેક આળ કશો શોભે કરીર?
કશું નીર નવાણનું, જ્યાં રસકૂપિકાનું નીર? ૫

પારસના પ્રતાપ આગળ અન્ય વિદ્યા કેહી માત્ર?
ક્યાં ક્ષુદ્ર દેવ ઉપાસના, ભાઈ, જેને કરે અખેપાત્ર? ૬

– એવાં કવિજન ગ્રંથ આદ્યે ગલિત વચન બોલતા હવા,
કહ્યુ: ‘કોપ ક્રોધ કરો રખે, હીંડું બાળકબુધ્યે બોલવા. ૭

તેણે ગ્રંથ પહેલું એમ જણાવ્યું; ‘અમો મગણ જગણ નથી જાણતા;
તુક ચોજ ને ઝડઝમક, અમો લહ્યા વિના નથી આણતા.’ ૮

- એમ ગલિતપણે ગરુઆ થયા, કરુણા ઉપજાવી કવિજને;’
હુંયે એટલું કહી સ્તવું, જો કવીતા જાણું હં મુજને: ૯

‘હું તો જ્યમ દારની પૂતળી, તે ચાળા કરે અપાર;
પણ કાષ્ઠમાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર.’ ૧૦

કહે અખો: સહુ કો સુણો, એમ સમઝો નિજ જંતને;
પરમપદને પામવા તમો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૧