મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૩૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૩૭

પ્રેમાનંદ

રાગ સામેરી

ઉત્તરાનાં વાયક સાંભળી અભિમન્યુ ત્યાં બોલ્યો વળી:
‘મારા સમ જો આંસુ ભરો, કાં જી આંખ રાતડી કરો?          ૧

નારી! તમો છો રે ક્ષત્રાણી, તો નવ ઘટે દીનતા-વાણી.
હાં રે રણથી જે ઓસરવું, મહિલા! તે-પે રૂડું મરવું.           ૨

તમે આજ્ઞા કરો એવું જાણી.’ ત્યારે બોલ્યાં ઉત્તરા રાણી:
‘સ્વામી! મન છે તો પધારો, જઈ શત્રુને સંહારો.          ૩

તમારી માતને ભાગ્યે ઊગરજો, શીશ શત્રુનાં તમે હરજો.
જી રે જોધપણે તમો જાજો, સ્વામી! થવાયે તેવા થાજો.          ૪

કંથજી! કુળને દીપાવજો, જશ ઉપારજી ઘેર આવજો.’
એવું કહીને પગે લાગી, પિયુ ચાલ્યો ને આશા ભાગી.          ૫

પ્રેમદા પૂંઠે રહી જોતી, ખરે આંસું જેવાં મોતી.
વહાલાજીનો વરાંસો નવ ખમાય, વળી જુએ તો વારુ થાય.          ૬

વલવલાટ ઘણોએક કરી, રોતી મંદિર ભણી પરવરી.
નયણે આંસુ મૂક્યાં રેડી, સખી ગયાં ઘર માંહે તેડી.          ૭

મળ્યાં સુભદ્રા ને પંચાલી, પગે લાગી મત્સ્યની બાલી.
જ્યારે અભિમન્યુ રણમાં ચાલ્યો, રથપ્રહારે મહીધર હાલ્યો.          ૮

ત્યારે પહેલી સેના આથડી, સામસામાં રહ્યાં દળ ચડી.
દુંદુભિનાદ બહુ ગડગડે, જેમ મેઘ આસડો ધડહડે.          ૯

વલણ

ધડહડે સેના મેઘ પેરે, ઘોષ જઈ લાગ્યો ગગન રે,
કૌરવને કંપાવતો રણ આવિયો અભિમંન રે.          ૧૦