મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૫૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૫૧

પ્રેમાનંદ

રાગ ધન્યાશ્રી
અર્જુન પુત્રને ટળવળે,
એથિ અદકું ત્રિકમ વલવલે.
દ્રુપદરાયે આશ્વાસના કરી:
‘રોયે કુંવર નહિ આવે ફરી.’          ૧


ઢાળ

‘ફરી ન આવે રુદન કીધે,’ એમ કહે વિશ્વાધાર;
પછે સાવધાન થઈ અર્જુન પૂછે ભીમને સમાચાર:          ૨

‘કેમ મૂઓ કુંવર અમારો? કુળ બોળ્યું કે તાર્યું?
નાસી મૂઓ કે સામો થઈને? આપણને લાંછન માર્યું?          ૩

ભીમ કહે: ‘ભત્રીજ ભડ્યો તે વાણીએ કહ્યું જાય નહીં;
કૌરવ-કુંજર મર્દિયા, ભાઈ! સૌભદ્રે મોટો સહી.          ૪

દસ સહસ્ર સંઘાતે માર્યો અયોધ્યાનો રાજંન,
સોળ સહસ્રની સાથે માર્યો લક્ષ્મણ-રાયનો તંન.          ૫

શલ્યસુત રુફમરથ માર્યો, વળી કર્ણસુત વૃષસેન;
કૌરવની સેના દીસે નાસતી, જેમ વ્યાઘ્ર-ભોએ ધેન.          ૬

સૈન્ય સવા અક્ષૌહિણી માર્યું, એણે રાઢ કીધી એવી,
જયદ્રથ આવ્યો કપટ કરીને, જે કૌરવનો બનેવી.          ૭

એણે અમને ખાળી રાખ્યા, પણ ગયો એકલો સુભટ,
સાતમે કોઠે બાણ સાંધી રહ્યા મહારથી ખટ.          ૮

સર્વે મળી અકળાવ્યો, પણ નવ જાણ્યું કેમ કીધો નાશ;
અમો ત્યાં જોવા ગયા તો કાલકેતુ દીઠો પાસ.’          ૯

એવું સાંભળી અર્જુન બોલ્યો, મુખે તે ખંખારિયો:
‘મસ્તક છેદ્યા વિના પડ્યો કે વેગળેથી મારિયો?          ૧૦

અનર્થ કીધો જયદ્રથે જે ખાળ્યા રણમાં તમો,
એ પાપીને મારવાની પ્રતિજ્ઞા કરું છું અમો:          ૧૧

કાલે સાંજ લગે જો એનું મસ્તક ન છેદું તાક,
તો મારા પૂર્વજ સહિત હું પડું કુંભીપાક;          ૧૨
જો એને માર્યા વિના સૂરજ અસ્તાંગત થાય,
તો કાષ્ઠ એકઠાં કરી ચિતામાં હોમું મારી કાય.’          ૧૩

એમ જ્યારે પ્રતિજ્ઞા કીધી ગ્રહી ગાંડીવ પાણ,
ત્યારે પાંડવે શંખનાદ કીધો, ઘાવ વળ્યા નિશાણ.          ૧૪

દુર્યોધનને નિશાચરે જઈ કહ્યો સમાચાર:
‘સ્વામી! પાર્થે પ્રતિજ્ઞા કીધી, તેનો કરો વિચાર.’          ૧૫

ચિંતા થઈ કૌરવપતિને, શકટવ્યૂહ તે રચિયો;
પછે સેના સર્વ મળીને જીવતો જયદ્રથ ડટિયો.          ૧૬

વહાણું વાતાં જુદ્ધ કીધું અર્જુને સંધ્યા સુધી,
જયદ્રથ તો જડ્યો નહીં, શ્રીકૃષ્ણે વિચાર્યું બુદ્ધિ.          ૧૭

ચક્ર સુદર્શન મૂક્યું અંતરિક્ષ, તેણે લોપ્યું અજવાળ;
દિવસ ચાર ઘટિકા રહ્યો, પણ કાંધો સંધ્યાકાળ.          ૧૮

પછે અર્જુને આયુધ છોડ્યાં, પડ્યો રથેથી ઊતરી;
બાણ ઘસીને અગ્નિ પાડ્યો, ભાંગ્યો રથ એકઠા કરી.          ૧૯

નમસ્કાર સર્વેને કીધો, રુએ પાંડવ ને મોરાર;
કૌરવે અનરથ કીધો જે જયદ્રથ કાઢ્યો બહાર.          ૨૦

એવે અંતરિક્ષમાંથી શ્રીકૃષ્ણે સુદર્શન અળગું કીધું;
અર્જુનને ત્યાં સાન કીધી, ધનુષ પાછું લીધું.          ૨૧

કાલચંદ્ર એક બાણ મૂક્યું અંતર આણી રીસ;
કુંડળ-મુગટ સહિત છેદ્યું જયદ્રથ કેરું શીશ.           ૨૨

અર્જુન પ્રત્યે બોલિયા સમરથ અશરણશર્ણ:
‘મસ્તક એનું હેઠું પડશે તો તારું પડશે ધર્ણ.’          ૨૩

પાર્થે મસ્તક ઉડાડિયું તે ગયું ગંગા માંહ્ય;
[ત્યાં] શ્રાદ્ધ સારતો પિતા તેનો, નામ બ્રેહદ્રથ રાય;          ૨૪

દીકરાનું મસ્તક દેખીને બાણ હૃદયા-શું વાગ્યું,
હાથે હેઠું મૂકતાં માંહે પડ્યું પોતાનું લાગ્યું.          ૨૫

વરદાન માગ્યું શિવ કને તે પિતાને આવી નડ્યું.
સંજય કેહ: સાંભળો, રાજા! પાંડવનું ઈંડું ચડ્યું;.          ૨૬

તે વારે પાંડવ વળ્યા પાછા, અંતે માર્યો દુર્યોધન;
કુંતાના કુંવર જીતિયા ને પામ્યા રાજ્યાસંન.          ૨૭
વૈશંપાયન બોલિયા: સુણ, જન્મેજય રાજાન!
અહીં થકી પૂરણ થયું અભિમન્યુનું આખ્યાન.          ૨૮

એકાવન કડવાં, રાગ સત્તર, ચાલ છે છત્રીસ;
પદબધ ચૌપેૈની સંખ્યા એક સહસ્ર ને પાંત્રીસ.          ૨૯

વડેદરાવાસી ચતુર્વિશી વિપ્ર પ્રેમાનંદ,
એકવીસ દિવસે કૃષ્ણકૃપાએ બાંધિયો પદબંધ.          ૩૦
કવતા કવિતા શ્રીકૃષ્ણજી, નિમિત્તમાત્ર તે હું ય;
આશરો અવિનાશનો, કવિજંન જોડે શું ય?          ૩૧

મહિમા મોટો શ્રીકૃષ્ણજીનો સાંભળો થઈને પવિત્ર:
મહાભારતે દ્રોણપર્વે અભિમન્યુનું ચરિત્ર.          ૩૨

સંવત સત્તર અઠ્ઠાવીસે શ્રાવણ સુદ દ્વિતીયાય;
તે દહાડે પૂરણ થયું અભિમન્યુ-ચરિત્ર મહિમાય.          ૩૩

વલણ

ચરિત્ર મોટું અભિમન્યુંનું કવ્યું છે પ્રેમે કરી.
ભટ પ્રેમાનંદ એમ ઓચરે: શ્રોતાજન બોલો શ્રીહરિ.          ૩૪

એ આખ્યાન જે સાંભળે, શીખે, ભણે ને ગાય,
શ્રીકૃષ્ણજીની ક્રિપાએ કરીને નિશ્ચે વૈકુંઠ જાય.          ૩૫