મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨
પદ ૨
ગંગાસતી
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેનાં બદલે નહિ વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમાળી
જેને મા’રાજ થયા મેરબાન રે –શીલવંત
ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે,
મન કર્મ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે –શીલવંત
ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે
જેને જાગી ગયો તુરીયાનો તાર રે
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આધાર રે –શીલવંત
ભાઈ રે! સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને
ત્યારે ઊતરશો ભવપાર રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેને વચનુંની સાથે વે’વાર રે –શીલવંત