મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૭
પદ ૭
ગંગાસતી
જુગતી તમે જાણી લેજો પાનબાઈ!
મેળવો વચનનો એક તાર;
વચનરૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમના માર... જુગતી ૧
ભાઈ રે! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે
મરજાદ લોપાઈ ભલે જાય;
ધરમ અનાદિનો જુગતીથી ખેલો.
જુગતીથી અલખ તો જણાય... જુગતી ૨
ભાઈ રે! જુગતીથી સેજે ગુરપદ જડે પાનબાઈ!
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહિ,
જુગતીથી જાણે તો પાર પોંચી જાય... જુગતી ૩
ભાઈ રે! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે’ સદાય
ગંગાસતી એમ બોલિયાં રે,
તેને તો નમે જગતમાં બધાંય... જુગતી ૪