મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જંબુસ્વામી રાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જંબુસ્વામી રાસ

યશોવિજય

(છેહ ન દેવા જંબુસ્વામીને વીનવતી એમની આઠ રાણીઓ)
દૃઢ નિશ્ચય જાણી કરી, હવઈ જંબૂની નારિ;
આઠઈ કર જોડી વદઈ, તૂં તરિઊ અમ્હ તારિ ||૭૯||

છાયા જિમ કાયા થકી, અલગી કદી ન હોઈ;
તિમ અમ્હે તુજથી કિમ રહું, અલગાં વાલિંભ જોઈ ||૮૦||

પાંચ સાષિ પ્રેમઈ દિઊ, હાથ ઉપરિ જે હાથ;
ભોગઈ જો પિઉ નવિ બન્યો, જોગઈ હો તુજ સાથ ||૮૧||

આઠઈ વહુઅર વીનવઈ રે, હવઈ પામી પ્રતિબોધ;
લારાં મ્હાંનઈ લીજિંઈ રે, થે છો વડવર જોધ;
મ્હાંકા વાલંભ છાંડ્યા કિઉં જવાસી,
આપણકા કિઊ છેડો હો,
અવરાંસ્યું રતિ જોડો હો,
છાંડ્યાં કિઉં જવાસી ||૮૨||

થે સિદ્ધ તો મ્હે સિદ્ધિ છાં રે, હર તો મૂરતિ આઠ;
થે અંબર મ્હે દિસિ ભલી રે, વાસ જો ચંદન કાઠ
||૮૩|| મ્હાંકા

થે ચાંદા મ્હે ચાંદણી રે, થે તરુઅરિ મ્હે વેલિ;
સૂકાં પણિ મુંકાં નહી રે, લાગી રહું રંગ રેલિ
||૮૪|| મ્હાંકા

થે વન તો મ્હે કેતકી રે, થે દીપક મ્હે જ્યોતિ;
થે યોગી મ્હે ભૂતિ છાં રે, અધિકારી તો દોતિ
||૮૫|| મ્હાંકા
થે આંબા મ્હે માંજરી રે, થે પંકજ મ્હે બાગ;
થે સૂરય મ્હે પદ્મિની રે, થે રસ તો મ્હે રંગ
||૮૬|| મ્હાંકા
થે ધરણીધર મ્હે ધરા રે, ષેત્ર ફળ્યા તો વાડિ;
થે પુણ્ય તો મ્હે વાસના રે, ભાગ્ય તો રેખા નલાડિ
||૮૭|| મ્હાંકા
થે સાયર તો મ્હે નદી રે, થે ઘન તો મ્હે વીજ;
શત શાખાઈં વિસ્તર્યા રે, થે વડ તો મ્હે બીજ
||૮૮|| મ્હાંકા
થે કંચન મ્હે વર્ણિકા રે, નંગ તો મુદ્રા સાર;
થે ચંપક મ્હે પાંખડી રે, મણિ આ જો થે હાર
||૮૯|| મ્હાંકા
જો પ્રસાદ તો વેદિકા રે, સૌધ તો ધ્વજ લહકંત;
દ્વીપ હુતાં જગતી હુસ્યાં રે, મેલ જ્યું રસના દંત
||૯૦|| મ્હાંકા
જો સંયમ તો ધારણા રે, જો રૂપી તો રૂપ;
સાકારઈં સાકારતા રે, અનુભવમાંહિ અનૂપ
||૯૧|| મ્હાંકા
અંતરયામી જાણસ્યઈ રે, અંતરંગ રસ ગોઠિ;
દૃષ્ટાંતઈ જે ભાષવું રે, હઈઈ તે આવઈ હોઠિ
||૯૨|| મ્હાંકા

સંયમ લેતાં સાથ રે, પ્રથમ દશાઈ સરાગ;
ધર્મ સંન્યાસિ પ્રકટ હુસ્યઈં રે, ઈમ તેહનો પણિ ત્યાગ
||૯૩|| મ્હાંકા
કેતા કહિઈં બોલડા રે, તુમ્હે છો ચતુર સુજાણ;
છેહ મ દેયો સાહબા રે, સુજસ વિલાસ પ્રમાણ
||૯૪|| મ્હાંકા