મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઢાલ ૧

યશોવિજય

દુહા
શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત;
કરસ્યૂં કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત.          ૧

એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-વિસ્તાર,
સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંત સહકાર.          ૨

મોટા નાના સાંભળો, મત કોઈ કરો ગુમાન;
ગર્વ કર્યો રયણાયરે, ટાળ્યો વાહણે નિદાન,          ૩

રત્નાકરે વાદ હુઆ કિમ માંહોમાંહે અપાર;
સાવધાન થઈ સાંભળો, તે સવિ કહું વિચાર.          ૪