મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૪

ત્રિકમસાહેબ

તરવેણીના..
તરવેણીના તીર જ ઉપર
છે રે મોતીડાંની હાર રે.
હંસ રે હરિજન સાધુજનને
એ રે મોતીડાંનો આહાર રે          – તરવેણીના૦
સુરતા સિંહાસન પ્રેમનાં પાથરણાં ને
અવલ ઓસીકડાં ઓછાડ રે,
તા પર મારો સતગુરુ બેઠા, એને
નીરખીને થઈ છું નિયાલ રે          – તરવેણીના૦

અખેમંડલમાં રાસ રચ્યો હે
થઈ રિયો થેઈ થેઈકાર રે,
રોમે રોમે રામરમતો રે દેખ્યો એ તો
અધ્ધર ખેલે નિરાધાર રે          – તરવેણીના૦

જમનાજીને કાંઠડલે કાંઈ
કિસન ભયા કિરતાર રે,
મોહનજીએ મોરલી વગાડી એ તો
મધુરી કરે છે મલાર રે          – તરવેણીના૦

ભવસાગરમાં બૂડતાં રે મારો
સતગુરુ તારણહાર રે,
ત્રિકમ સાહેબ ગેબી ગાવે
ખીમ ખલક કિરતાર રે          – તરવેણીના૦