મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૧
પદ ૧
ધીરો
૧. પ્રગટ ખેલ ખેલું રે...
પ્રગટ ખેલ ખેલું રે,
દેદાર તેન દેખાડું;
મૃત સંજીવન રે,
મહામંત્ર સહેજે શીખવાડું. પ્રગટ
વિના પાંખ ઊડી આસમાન પર,
ચર્ણ વિના મેરુ ચડું;
નવસેં નવાણું એક ઘર આણું,
સિંધુ કૂદી પાર પડું;
સાડા ત્રણ કરોડ રોમને રે,
રમત રૂડી રમાડું. પ્રગટ
પાવક વરસાવી પાષણ પલાળું,
સાત વૈકુંઠને તારું;
જલ મદ્યે જલંધર ધિકાવું,
મરે નહિ તેને મારું;
ચૌદને ચેતાવું રે,
પંદરે રહી પાર પાડું. પ્રગટ
કહો તો વિના અર્ક કરું અજવાળું,
મહાનિધિમાં માણું;
શિવ વિરંચિ વિષ્ણુ વિવેક.
ત્રણેને તાણી અહીં આણું;
એક સંગે આનંદ રે,
ભણેલાં બેને ભુલાવાડું. પ્રગટ
વિના બૂટીએ વૈદ્ય બનું ધન્વંતરિ,
કાયા કરું નીરોગી;
સતજુગ દ્વાપર ત્રેતા ને કલજુગ,
ચાર જુગના અમો જોગી;
ધીરા કર ધારણ રે,
સિંધુ ગઢમાં સંતાડું. પ્રગટ