મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૨
પદ ૧૨
બ્રહ્માનંદ
તારી આંખલડી અલબેલ, અતી અણીયાળી રે;
હું તો ગરક થઇ ગુલતાન, કે ભુધર ભાળીરે.
માથે લાલ કસુંબી પાઘ, તોરો લટકેરે;
છબી જોઈને સુંદર શામ, મન મારૂં અટકેરે.
રૂડી કેસર કેરી આડ, કે ભાલ વિરાજેરે;
જોઈ મુખની શોભા માત્ર, પુરણ શશી લાજેરે.
શોભે ઘુઘરડીનો ઘોર, કેડે કંદોરો રે;
ગળે મોતીડાની માળા, ચિતડું ચોરો રે.
શોભે સુથણલી સોરંગ, રૂપાળો રેટો રે;
વ્હાલા પેરીને પ્રાણ આધાર, ભાવે શું ભેટો રે.
વ્હાલા બ્રહ્માનંદના નાથ, આવી સુખ આપો રે;
મુને મ્હેર કરી મોરાર, પોતાની કરી થાપો રે.