મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૪

બ્રહ્માનંદ

રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;

રે અન્તર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;
એ હરિ સારુ માથું ઘોળ્યું,          રે શિર

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
ત્યાં મુખપાણી રાખી મરીએ,          રે શિર

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
તે શું જીવે ભૂંડું મુખ લઈને,          રે શિર
રે પેહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
જો ચડીએ તો કટકા થઈ પડીએ,          રે શિર

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ,          રે શિર