મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભવાનીદાસ પદ ૧
પદ ૧
તમને ગોરાં પીરાંની આણ,
સુડલા, સત બોલો! સત બોલો! સતબોલો!
સત બોલો રે નંઈ તો
મત બોલો રે મત બોલો!–સુડલા
અંબર વરસે ને અગાધ ગાજે,
દાદુર કરે રે કિલોળ,
કંઠ વિનાની એક કોયલ બોલે,
મધરા બોલે ઝીણા મોર.–
સુડલા, સત બોલો! સત બોલો!
ગુરુજીની રે’ણી ને સત પર વાસા,
સતના ઊગ્યા સૂર,
પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને
એનું સવા કરોડ્યનું મૂલ.–
સુડલા, સત બોલો! સત બોલો!
વણ રે વાદળ વરસાળો કહાવે,
ઘટાડામાં પ્રગટ્યા ભાણ,
કણસડ પાક્યાં એમાં બૌ ફળ લાગ્યાં,
એને વેડે કોઈ ચતુર સુજાણ.
સુડલા, સત બોલો! સત બોલો!
બાવન અખર જો કોઈ બૂઝે,
જે કોઈ ધરે એમાં ધ્યાન,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ
એનું એક અખરમાં નામ.
સુડલા, સત બોલો! સત બોલો!