મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૧
પદ ૧
ભાણસાહેબ
હંસો હાલવાને લાગ્યો
હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો;
તમે પોરા પ્રમાણે જાગો, હંસો હાલવાને લાગ્યો.
નિત નિત નિદ્રા નવ કરો નયણે, સૂતાને સાહેબ આઘો;
સુમરણ કરી લો સાચા ધણીનું, તમે મોજ મુક્તાફળ માગો. હંસો
જાગ્યા સોઈ નર સંસારમાં સીધ્યા, જેણે ઉજેડ મેલ્યો આઘો;
મારગ ધાયા તે બહોત સુખ પાયા, તેનો જરા મરણ ભે ભાંગ્યો. હંસો
જરા પહોંચી ત્યારે જમડા રે આવ્યા, દેહડી તણો દલ ભાંગ્યો;
કૂડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાનો લાગ્યો. હંસો
કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો;
સાચો નામ સાહેબકો જાણો, ભણે લુહાણો ભાણો. હંસો