મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૨

પ્રાણિયા! ભજી લેની કિરતાર
પ્રાણિયા! ભજી લેની કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.          (ટેક.)
ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર,
તે તો તજીને તું જઈશ એકલો, ખાઈશ જમનો માર રે.          પ્રાણિયા

ઊંચી મેડી ને અજબ ઝરુખા, ગોખ તણો નહિ પાર;
કોટિધ્વજ ને લક્ષપતિ એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે.          પ્રાણિયા

ઉપર ફરેરાં ફરફરે ને, હેઠે શ્રીફળ ચાર;
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે.          પ્રાણિયા

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર;
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે.          પ્રાણિયા

સ્મશાન જઈને ચેહ ખડકી ને માથે છે કાષ્ઠનો ભાર;
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે.          પ્રાણિયા

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર;
ભોજો ભગત કે’ દશ દી રોઈને, પછે વિસાર રે.          પ્રાણિયા