મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માસ ૪

ઉદયરત્ન

દુહા
નેમજી ના’વ્યા રે સખી! આવ્યો આસોઢો માસ;
આસાઢિ ધરિ આવસિ, મનમાં હુંતી આસ.          ૧

ચિહું દિસિ કોરણ ચઢિયાં રે, ગયણ ન સૂઝિ સૂરિ;
મગસિરના વાયા વાયરા, પાક્યાં અંબ સ-નૂર.          ૨

રજ ઊડી અંબર ચઢી, વાજિ વાઉલ જોર;
કાલી કાંઠલ દેખીને કંપી કાજલકોર.          ૩

ઉત્તર દિસથી રે ઉનહ્યો સજલઘટા ઘનઘોર;
ગર્જારવ ગયણે સુણી મોહ્યા ચાતકમોર.          ૪

બગ-રુષિ પાવસ બેઠા રે, મુનિજન રહિ એક ઠાંમ;
પંથી પંથ કો નવિ ચલિ, રાજા તજે સંગ્રામ.          ૫

ઝડી માંડીને વરસે રે મુસલધારિ મેહ;
જિમજિમ વીજ ઝબૂકિ રે તિમ તિમ દાઝિ દેહ;          ૬
પાણી પુહવી ન માઈ રે, ભરિયાં નદીનિવાણ;
ડુંગરિયા હરિયા હુઆ, ખેડુએ કર્યાં મંડાણ.          ૭

નીલાંબર ધરણી ધરિ, ઓપે નીલા અંકુર,
ખલહલ વાજે વોકલા, આવ્યાં નદીએ પૂર.          ૮

ફાગ
કસમસિ કામિની કામપીડી, ડસડસિ દંતસું દંત ભીડી;
કામના પૂરમાં તે તણાઈ, નાથ વિના કુંણ હાથ સાહિ?          ૯