મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૩
પ્રેમાનંદ
રાગ સારંગની ચોપાઈ
સેના ઉતારી સાગરપાર, વાનર-જોદ્ધા પદ્મ અઢાર.
સેનાપતિ કીધો નીલ કપિ, ક્રોધે વીર રહ્યા છે તપી. ૧
બોલ્યા વાનર કરી વીનતી, ‘જુદ્ધ-આજ્ઞા દીજે, રઘુપતિ!
નલ નીલ અંગદ સુગ્રીવ શૂર, કરવા સંગ્રામ ઘણા આતુર.’ ૨
લક્ષ્મણ કહે: ‘સુણો, શ્રીરંગ! જેમ લોકસાંકળે બાંધ્યા માતંગ,
તેમ તમારી મરજાદાસાંકળે કપિકુંજર બાંધ્યા છે બળે. ૩
છૂટ્યા હસ્તી વન ભાંજે જેમ, છૂટ્યા વાનર લંકા લેશે તેમ.
જુદ્ધઆજ્ઞા દીજે, રઘુરાય! વિજોગ સીતાજીનો જાય.’ ૪
સાંભળી લક્ષ્મણનો પ્રતિબોધ શ્રીરામને ચઢિયો ક્રોધ;
કીધો ધનુષ તણો ટંકાર, તેણે શબ્દે ધ્રૂજ્યો સંસાર. ૫
ડોલ્યા દિગ્ગજ, કંપ્યા દિક્પાલ, ખળભળિયાં સાતે પાતાળ,
ડોલ્યું રાવણનું સિંહાસન, ધજા-છત્ર બેહુ થયાં પતન. ૬
રાક્ષસીના થયા ગર્ભપાત, વરસ્યો રુધિર તણો વરસાત;
માન-શુકન લંકા માંહે થાય, રોષે ભરાયા શ્રીરઘુરાય. ૭
પ્લવંગ પ્રત્યે બોલ્યા શ્રીરામ: ‘ચોહપાસે ઘેરો લંકા ગામ.’
વચન રાઘવનાં સાંભળી, ઉતપત્યા વાનર સરવ હૂકળી. ૮
ચારે પોળ ઘેરી વાનરે, ચઢી બેઠા કોટ તણા કાંગરે.
સેના રાઘવ કેરી કોપી, ઉઠાડી રાવણની ચોકી. ૯
પડ્યા કાંગરા કનકને કોટ, કૂદે વાનરા મૂકે દોટ;
પછાડે પૂંછ, વજાડે ગાલ, રુએ રાક્ષસી, બીહે બાળ. ૧૦
જે હાથ ચઢે તેહને તોડે, છજાં-ઝરૂખા તોડી પાડે.
તરુવર બહુ નાખે પાષાણ, લંકા માંહે પડિયું ભંગાણ. ૧૧
નાસે લોક, કરે બુંબાણ, થયું સભામાં રાવણને જાણ;
ઊઠ્યો મંત્રી જોડી બે હસ્ત, રાવણ પ્રત્યે બોલ્યો પ્રહસ્ત. ૧૨
‘સ્વામી! કપિ આવ્યા સમગ્ર ચોહોપાસ ઘેર્યું લંકાનગ્ર;
સિંહના ઘર પર આવે શિયાળ, ત્યમ વાનર આવ્યા, ભૂપાળ!’ ૧૩
સાંભળી મંત્રી તણાં વચન, ક્રોધ કરી બોલ્યો રાજન:
‘કરો સેના મારી સાવધાન, ઉતારું માનવનાં અભિમાન. ૧૪
વલણ
અભિમાન ઉતારું રામ તણું ને વાળું વાનરનો ઘાણ રે;
દશસ્કંધ કોપે ચઢ્યો, પછે ગડગડિયાં નીસાણ રે. ૧૫