મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૨. દશાવતાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દશાવતાર

શિવાનંદ

જય જાદવરાયા, પ્રભુ જય માધવરાયા; (૨)
આરતી કરુણાનંદની, (૨) વ્યાપી નિજ માયા. જય દેવ          જય દેવ૦
પ્રથમે મચ્છ તણો અવતાર, માર્યો શંખાસુર પાપી; પ્રભુ૦ (૨)
ચતુરા નંદન નંદન, (૨) વેદ વિપ્રને આપી.          જય દેવ૦
બીજે સુર અસુર મથીયા, સાગર મથવાને કાજે; પ્રભુ૦ (૨)
ચૌદ રત્ન બહાર કાઢ્યાં, (૨) શ્રી કૂર્મ મહારાજે.          જય દેવ૦
ત્રીજે હરિણ્યાક્ષ દૈત્ય, દમતો પૃથ્વીને પાપી; પ્રભુ૦ (૨)
દાઢે ગ્રહીને લાવ્યા, (૨) અવની સ્થિર થાપી.          જય દેવ૦
ચોથે હરિણ્યાકશ્યપ વર પામ્યો, ત્રુઠયા બ્રહ્માદિક ભૂપ; પ્રભુ૦ (૨)
નખ થકી વિડાર્યો, (૨) નરહરે નરસિંહ રૂપ; પ્રભુ૦           જય દેવ૦
પંચમે બલી રાજા બલિયો, જે થકી સુરપતિ કાંપ્યો; પ્રભુ૦
વામન રૂપ ધર્યું મહારાજે, (૨) પાતાલે ચાંપ્યો.          જય દેવ૦
છઠ્ઠો ફરસુરામ અવતાર, ફરસી હાથમાં લીધી; પ્રભુ૦ (૨)
સહસ્નાજાુન મારીને, (૨) પૃથ્વી નક્ષત્રી કીધી.          જય દેવ૦
સપ્તમો રઘુવંશ અવતાર, આનન્દ કૌસલ્યા પામી; પ્રભુ૦ (૨)
પંચવટીમાં વસીયા (૨) રાઘવ સીતાના સ્વામી.          જય દેવ૦
અષ્ટમો મથુરામાં અવતાર, ગોકુલ આવ્યા ગૌચારી; પ્રભુ૦ (૨)
ગોપી ગોવાલને રાખ્યાં, (૨) કૃષ્ણ ગોવર્દ્ધન ધારી.          જય દેવ૦
નવમો બુદ્ધ તણો અવતાર, ભાર પૃથ્વી પર વ્યાપ્યો; પ્રભુ૦ (૨)
ધ્યાન ધરી બેઠા ધરણીધર, (૨) જોગ જાુક્તિથી સાધ્યો.          જય દેવ૦
દશમો કલંકી અવતાર, પૃથ્વી નિ:કલંકી કરશો; પ્રભુ૦ (૨)
મ્લેચ્છને મારીને, (૨) મહાદુ:ખ સેવકનાં હરશો.          જય દેવ૦
દશ અવતારની આરતી, જે કોઇ ગાશે; પ્રભુ૦ (૨)
ભણે શિવાનંદ સ્વામી, (૨) તે વૈકુંઠે જાશે.          જય દેવ૦ ૦૦૦