મનીષા જોષીની કવિતા/દરવાજો
આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત
છતાં એના હોવા માત્રથી
બે વિશ્વ વહેંચાઈ જાય છે, સાવ નોખાં નોખાં.
જાહેર અને ખાનગી
એ બે વિશ્વ વચ્ચે છે આ દરવાજો.
ક્યારેક અતિ સભ્ય અને શાલીન, બંધ,
તો ક્યારેક સાવ ખુલ્લો ફફાસ.
દરવાજાની પાછળ નથી કોઈ સાત ઓરડા
છતાં કાન દઈને સાંભળો તો...
નહીં, નહીં, રહેવા દો, કંઈક તો રહેવા દો
ગોપિત.
અહીં નથી કોઈ સાંકળ ખખડાવનાર કે નથી કોઈ ખોલનાર,
છતાં છે, આ દરવાજો
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને,
પણ આમથી ઉંબરો ઓળંગીને
અંદર પ્રવેશ કરવો કે પછી
તેમથી ઉંબરો ઓળંગીને
બહાર નીકળી જવું,
તેનો નિર્ણય કોઈ નથી લઈ શકતું.
આગળ પાછળ કશું જ ન હોવા છતાં
આ દરવાજો
અકળાવી નાખે છે લોકોને.
તેમ છતાં કોઈ તોડી નથી નાખતું આ દરવાજાને.
ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો,
આ દરવાજો છે હજી.