મનીષા જોષીની કવિતા/હિજરત
માલધારીઓ હિજરત કરી ગયા છે.
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો
અગ્નિ નારાજ થઈ જાય.
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે
દયામણી નજરે જોઈ રહ્યા છે
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ
આવશે કોઈ ભૂખ્યું જણ?
વૃક્ષો વચ્ચેથી સરસરાતી
હવાની એક લહેરખી આવી ચડી.
ઠરી જવા આવેલી ચૂલાની આગ
ફરી પ્રજ્વલિત થઈ.
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા
તૈયાર થઈ ગયાં.
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી
વળી વળીને જોઈ રહ્યા છે,
તેમના નેસડાનાં ઝાડને સળગતાં.
માલધારીઓ હવે બેઠા છે,
ત્રણ ઈંટ ચૂલાના આકારે ગોઠવી રાખી છે.
અગ્નિને પેટાવવા કાઠીઓ છે.
અગ્નિને હવા આપવા પૂઠું છે.
એમ તો મુઠ્ઠી ધાન પણ ક્યાં નથી,
પણ ભૂખ,
ભૂખ ક્યાં છે?