મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોના હોઠે
ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?