મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તમારા ઘર સુધી
તમારા ઘર સુધી પહોંચી ગયો’તો જોતજોતામાં
પછી એ જીવ પાછો ના ફર્યો ક્યારેય પોતામાં
સતત ઘરથી કબરના માર્ગ પર અટક્યા વગર ચાલ્યા
ગણે છે લોક એવા શખ્સને હોતા-નહોતામાં
હવે આ ભીડમાં પગ મૂકવાની પણ જગા ક્યાં છે?
અદબ વાળી વિચારો સર્વ ઊભા પોતપોતામાં
મને વાઢ્યો, પછી ચીર્યો, પછી ચૂસ્યો અને ફેંક્યો
તને યે રસ હજી છે કેમ કીડીબાઈ, છોતામાં?
હશે કૈં સંસ્મરણ એમાં અને તેથી જ સાચવતાં
અમસ્તો જીવ વળગ્યો ના રહે મેલા મસોતામાં
મનોહર, આ ગઝલ મત્લાથી મક્તામાં થશે પૂરી
‘દુબારા’ ના સહી, તું કાફિયાને ફેંક શ્રોતામાં