મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વૃક્ષો વૃક્ષો
પર્વત, ઝરણું, દૂર વળાંકે,
વન – ઉપવનમાં વૃક્ષો વૃક્ષો.
બિંબ ઊઠતાં આ દર્પણમાં,
હલે નયનમાં વૃક્ષો વૃક્ષો.
મને ભેટતાં રસ્તે રસ્તે,
મળ્યાં સ્વજનમાં વૃક્ષો વૃક્ષો.
આંખ બંધ જ્યાં કરી, ફરીથી–
સર્યાં સ્વપનમાં વૃક્ષો વૃક્ષો.
તડકાતી બપ્પોરે છાયા–
ધરે વિજનમાં વૃક્ષો વૃક્ષો.
ખોલ્યુ જૂનું ઘર : દ્વારો ને,
આ આંગણમાં વૃક્ષો વૃક્ષો.
શૈશવનાં સ્મરણો શાં મીઠાં,
ગમે જીવનમાં વૃક્ષો વૃક્ષો.