મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૪. ઓળખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. ઓળખ

બધું માધવની ધારણા બહારનું ગયું હતું. ઓળખીતાં પાળખીતાં કે સગાં-સહોદરને બાર બાર ગાઉ છેટાં રાખનારી બા, આજ કાં જાતને જાળવી નો હકી? : માધવ પૂછે તો ય કોને પૂછે? એ માને સમજણો થયો તેદૂનો ઓળખતો હતો. બન્ને એકએકનાં ભેરું બનીને રહ્યાં હતાં. હવે આખ્ખે આખ્ખી વાતમાંથી પોતે જ જવાબ ગોતવાનો હતો. સગ્ગો, એનો જણ્યો ઊઠીને જનેતાને કંઈ પૂછે તો એની જીભ જ નો તૂટી પડે? માની ઉપર એને વળી વળીને રીસ પણ ચડતી’તી. પાછો પોતાને ટોકતો : નથી જાણતો તારી માને? ડૂબી જાને, ઢાંકણીમાં ઢૂંહા લઈને. સવારથ ખાતર જ ચડે છેને, એની ઉપર તને રીસ? હરખ તને હતો, એમ એને ય ઓછો નો’તો. જાતને ટોકી ટોકીને થોડી જ ક્ષણમાં તેણે મનને કઠણ કરી લીધું : ના. આ બાએ તો બાર વરસનું એક તપ પૂરું કર્યું’તું. શું નઈ વેઠ્યું હોય એણે? : અને છેલ્લા પંદર દિ’થી આ કામ પાછળ એણે પળનો ય પૉરો નથી લીધો. ટાંટિયા વાળીને બેઠી નો’તી. ઓલ્યાં ઓતી મા. કોય સારે મોંઢે બોલાવે તોય ડાંસી નાખે. એની પાંહેથી યે રગરગીને કુંવળની બબ્બે ગાંસડી બાંધી લાવી. મુખીની વઉને આવળબાવળનાં ફૂલ ચડાવીને, સુંડલો એક ઘોડીની લાદ લઈ આવી. છાણ તો લાવવાની જરૂર જ નો’તી. કપાળેથી પરસેવો નીતારીને ઓશરીની કોરે બેસીને પાણી પીતાં પીતાં બોલી’તી : મોઢાં વતાવવાનું મન નો થાય, પણ શું કરિયેં? ઓતી ડોશી તો કુંવળ નંઈ, સોનાની સળિયું આપતી હોય એમ માથે હાથ રાખે : બોલતાં તો બોલી જવાયું, ડોશી માટે ય એનું હૈયું પાછું ઉદાર બની ગયું : આપ્યું તો ખરુ ને? સંધાના હાથ ટૂંકા થૈ ગ્યા છ, તયેં આણે મોઢું કટાણું કર્યા વિના આપ્યું. બિચારી ડોશીની ખેદ્યે પડી ગ્યું છ ગામ, નવરીનું, તીમાં... : માધવને કીધું : સાયકલ લૈને હાલ્ય, તળાવ કોર્ય તું. સુવાગિયાની વાડી દીમના, ન્યાં એન ગોરમટી નીકળે છે. હું હાલતી થાવ છ, સુંડલો ને કોશ લૈ. ખોદતી થાશ. બેન પાણી ભરીને આવે ત્યાં લગણ તું બેહજે : આજે માને ગળે વાણીના ઘળકા ઉપર ઘળકા જતા’તા, માધવે વિચાર્યું. પછી તો બેન પાણીશેરડેથી બેડે બેડે પાણી સારતી રહી ને માએ વાળ્યો કછોટો. ગારિયું ખૂંદતાં ખૂંદતાં એનું બોલવું શરૂ જ હતું : કોલેસમાં ગ્યા કેડ્યે નરી કોશ ગળી ગ્યો હો એમ, કડ્યેથી તો વાંકા જ નથી વળાતું, તારાથી. લે હાથમાં પાવડો ને ખરપીને ચડાવતો જા, મારા પગ ફરતું ગારિયું : ઃ બા, હું હવે થૈ ગ્યો બેઠાડુ, તને નો તાગી હકું... : માધવના આ શબ્દોથી એ વધુ પોરસાઈ : એમ વાત છે, બેહવા માંડ્યાંને, છાતીનાં પાટિયાં? : બેન બેડું ભરીને આવી ગઈ’તી. કહે : તારી રગેરગમાં ભેંશુંના ઘી હજી હડિયું દ્યે છ. ભાઈને શે’રમાં નર્યાં ટેબલમ્‌, પછી ક્યાંલી... : માની આંખમાં અભિયાન ઝબકી રહ્યું : પવણીને આવી તેદૂની તારે બાપે ઘી-દૂધ વિન્યાની નો’તી રાખી મને. કળશી દેરિયાં-જેઠિયાંમાં ય મારું રજેરજનું ધ્યાન રાખતા : ગાર્યથી ઊડેલા છાંટાએ હાથપગ જ નંઈ, મા-દીકારાનાં મોં-માથાંને ય ભરી દીધાં’તાં. ઃ બા, તું હવે ગારિયું ખૂંદતી બાર્ય આવ્ય ને બેય ઝટઝટ ધોવો હાથ-પગ. ભૂખ્યાં મારવાં છ તારે અમને! આ સૂરજમાં’રાજ સોતે હમણાં પડખું ફરશે : અને મા સામે જોઈને એનાથી મલકી જવાયું : જોને, તારાં દરહણ! : બેનની વાત ખોટી નો’તી. બા જો બાપાની વાતનો કેડો પકડશે તો, ખલ્લાસ. એને પાછી વાળવી એ કાંય ડાળખીમાંથી પાંદડું તોડવા જેટલું સરળ નો’તું. નંઈ તો, ગારાથી ખરડાયેલો દેહ જોઈ માધવને તો કે’વાનું ય મન થયેલું : માન્ય કે મારા બાપા અટાણે હાવ્યા હોય ઓચિન્તા, તો આપણા જ ઘરમાં ઈ તને નો ઓળખી હકે... : ને તરત, મા આનો શું જવાબ વાળે એ ય મનોમન ઊગી આવ્યું : ભૂલ્યો તું ગાંડિયા. સોળ સોળ શણગાર સજીને બેઠી હોઉં કે લથબથ ગારામાં, આંખ્યના પલકારામાં ઓળખી લ્યે : ઓછું હોય તો એમેય કહે : પાંસ્સો બાયુંના ઘેરામાંલી યે મને ગોતી કાઢે. : ઃ સુમિના સગપણનો જ અવસર હતો. હજી ભાયું–ભાગ નો’તા પડ્યા. ભાયુંનાં દીકરા-દીકરિયું ને રંગેચંગે વરાયેલાં, પણ સુમિનો નાનકડો પરસંગ જ્યાં ઢૂંકડો આવ્યો તયેં જ જુદાં રહોડાં કરવાનું બીજા ભાય-ભોજાયુંને સૂઝ્યું. પેટમાં દુઃખાવો તો બીજો જ હતો. પોતાની દીકરિયું કરતાં નાના ભાઈ મોહનની સુમિને અવ્વલ નંબરનું ઠેકાણું મળ્યું’તું. હરિપરના રાઘવજી દૂધાતને સો વીઘુંં ગાયકવાડી ભોં ને છોકરો અમદાવાદમાં રઈને ભણતો’તો. સુમિને સાત પાસ કરીને નિહાળ્યમાંથી ઉઠાડી લેવાને બદલે નાનાભાય ભટની સંસ્થામાં આંબલે ભણવા મેલી’તી. અમારી એકે છોકરીએ ગામનું પાદર નો મેલ્યું, પવણાવી નંઈ ત્યાં લગણ, ને આને આવાં તી શાં લાડ? મુદ્દે આ દુઃખાવો, એમાં મોટા ભાયું ને બાપ હાર્યે જીભાજોડી થઈ. દાદા મગસના તિતાલી, ને તારા બાપા સોતે રીંહનું બંબુડું. આવા વેણ તો જલમ્યા તીકોડ્યે કોય દિ’ નંઈ સાંભળ્યા હોય : હાળા, પેટભરા, તારું ને તારા બાયડી–છોકરાંનું અમે અટાણ લગી ગોદવ્યું ને ઉપર જાતાં મગસમારી કરછ? આપી દ્યો એને મહાણ–પધોર્યનું કટકું. મર નહોડાં તોડાવ્યા કરે : તારા બાપાથી નો રે’વાયું, ધીધું : આ તો અવળી ધાય નાખો છ. તમે ગોદવો છ? રાત દિ’ જોયા વિન્યા તમારાં હાથીપણાં કરીને’ર્યા, ઉભડ થઈને, હું ને મારી બાયડી. તો ય? વાંકા ચાહ, તો કે’ પદમાના! નો ખપે તમારી એક વેઢોય ભોં. રોટલા ઉપર ભભરાવીને ખાજ્યો બાપ–દીકર્યા, નિરાંતવાં કોઠે...ઃ માધવને એ વાળુ પછીની રાત યાદ છે, હજીયે. બાએ લાજમાંથી બાપાને ખૂબ કાલાવાલા કરેલા : તમે ભૈશાબ મૂકોને પડ. ગુડો ભમરાળા કજિયાને છેટો : બા ઉપર બાપાને ગરમી ખાતા બેમાંથી એકે ભાઈ–બેને ક્યારેય નો’તા દીઠા. ઈ રાતનો ગુસ્સો જુદી જ ભાતનો હતો : મરો તયેં તમે સંધા ડા’પણવાળીની તીમાં. હું આ હાલ્યો : ને ખભ્ભે ફાળિયાનો છેડો ઊછાળતાકને ડેલી બા’રો પગ મેલી દીધો’તો. ઘર મેલ્યાંને દખ વીહર્યાં, જેવું કર્યું બાપાએ. તેમ છતાં માના ભરોસાએ એક પળનોય ડૂકો નો’તો લીધો. એને ગળા લગી ખાતરી હતી : આજ નંઈ તો કાલ્ય, જરૂર આવશે એનો ધણી. એક સગાનાં લગનમાં એણે મને ચીતવી લીધી’તી. દાદાની મરજી નો’તી તો ય હઠ કરીને, હઠ તે કેવી? —તારા બાપને આંગણે તોરણ લાવ્યે પાર. એમ મને કે’વરાવેલું, મારી એક બેનપણી હાર્યે. ને ઈ કરી બતાવ્યું. માધવની આ વાત એણે સખિ–સૈયરને કે’તી હોય એમ કેટલીયે વાર કરી હશે : વાડીએ ભાથ લઈને જાવ તયેં છેલ્લો કોળિયો તો મારે હાથે જ લેવાનો. ગળાના સમ ખાઈને આગ્રહ કરવાનો : આ છેલ્લો એક કોળિયો નો લ્યે એને આંખ્ય સામે બળતી ભાળો, કાળી રાત્યે... : એમાં ય જો ભૂલી ગ્યાં તો થૈ’ર્યું. એંઠે મોઢે ઊભા થઈને દાતવડી હાથમાં લેતાંકને ચડી જાય ઊભી ઓળ્યે. વાળુ ટાણે જ ફળિયામાં ખાટલો ઢાળીને ઊંધા પડે. ખોળો પાથરીને મનાવું. મારાં તમારાં સોગન આપું ને... : કે’તાં કે’તાં માનું મોં રતુમડું થઈ ઊઠેઃ શું લેવા નંઈ આવે? મારા સાટુ અછોઅછો વાનાં કરતા. ઈ મને મધદરિયે ધક્કેલીને વયા જાય! હજી મને પોંખાનિયું કરાવી દેવાનું વેણ એને પાળવાનું છ. તું જોજેને, માધવ, તમારાં બેય ભાય–બેનનાં લગનના વાવડ સાંભળતાંવેંત ગામઢાળા નો વળે તો સંભારજે, હું શું કે’તી’તી? પછી તો દાદા અને ભાયું સોતે ઢીલાઢફ થઈ ગ્યેલા. ક્યાં જાય? પાછું પાંચમાં પૂછાવું હોય : બા કહેતી : મેં ય પંચ હરૂભરૂ ચોખવાળીને કઈ દીધેલું, મને મારા હકનું આપી દ્યો. અણહકનું એક તસુ યે મને નો ખપે : ગણી ગણીને આવી વાતો કરેલી, બાએ. બસ. તેદૂનું એણે પાછું વાળીને નથી જોયું. દાડિયાં–દપાડિયાં હારોહાર્ય ખોઈ વાળીને હાલી છે. ખળાં લીધાં છે. પૂળા વાળ્યા છે. ઓઘા ગોઠવ્યા છે. નાડાં–જોતર, બેલી ૨૫ટા, હળ–ગાડાં, ખીલા–ગમાણ્ય, ઢોરઢાંખર ને શેળાયાં. ખોરડાથી ખેતર વચ્ચે એનું જગત સમાઈ ગ્યું’તું. નંઈ કોઈની હાર્યે ખટાખટ. નંઈ લેવાદેવા. આંખ્યું મીંચીને કર્યે રાખ્યાં કામ. નવરાશ જ ક્યાં હતી આડુંઅવળું જોવા–જાવાની? અહુર–સવાર વાડી-ખેતર કરવાનાં હોય, પણ કોના દેન છે કે એની સામે આંખ્ય ઊંચકે? એકાદ–બેને રમરમતાં પથરા ઝીંકેલા તે આણી દીમના બઠ્ય જ નો’તી માંડી આટલાં વરસ વીત્યાં તો પણ. બેય ભાંડરડાં હાર્યે વાતવે વળે તો ય એના ટેભા–ટાંકા હાલતા હોય. બાપાની સાંભરણ્ય સિવાય ભાગ્યે જ બીજી વાત એના હોઠે ચડતી. સંભારતી ત્યારે એની આંખો ભરાઈ આવતી : મારો છેલ્લો કોળિયો ને સોગન પાળ્યા વિન્યા ઈ ચળુ કેમ કરતા હશે? : સુમિ ક્યારેક મીઠો છણકો કરી લેતી : બા, તું આમનામ ગાંડી થૈ જાવાની એક દિ’. નક્કી મારા બાપાને સંભારી સંભારીને, જોજે હું શું કે’તી’તી... એ ફિક્કું હસતી : કે’દિ નો’તી! : પછી શૂન્ય આંખે બેનની સામે મીટ માંડીને જોઈ રે’તી. માધવ કે’તો, ધીમેકથી : તને નંઈ સમજાય, સુમિ : ઃ હા. તું રયોને ગળઢું માવતર, તે– : ત્રણે હસીને મન વાળી લેતાં. સુમિનાં સાસુ દશેરાનો હારડો લઈને આવેલાં, હરિપરથી એની દેરાણીને લઈને. કે’કે : બેન, માધવ માટે અમે વોવ ગોતી રાખી છે. અમે એને દોતી લીધો છ તમે હા કો’તો....ઃ માધવની બા બોલી : એમાં મારે ક્યાં હા ના કરવાનો સુવાલ છે? તમે ને રાઘવજી દૂધાત કાંય એનાં માવતર નથી? : વેવાણ્ય રાજી થઈ. બીજે જ દિ’ માધવને તેડીને દેરાણીને ગામ ઊતર્યા. એના ભાઈની જ દીકરી. સાંજે આવી એણે સુમિને કીધું : બાને ગમે તો... : ઃ તને ગમી કે નંઈ, ઈ તો કે’? : કાનની બૂટી ઝાલીને કે’ : હું—અ. છે તો રાતીચટ્ટાક : માધવે આડાઅવળી કર્યા વગર સીધી જ ચલાવી : ઈ બધાંય આવ્વાનાં છે. પોડાબારશ ઊતર્યે, ધનતેરશે : વેવાણ્યે સલુકાઈથી કહેલું : તમારે એકલપંડ્યે એક ખરચમાં બેય ભાય–બેનનું ઊકલે. માધવને છોકરી ગમે તો. ગમશે જ. ભારે નમણી છે. ખાનદાન ખોવડું છે. આમે ય ઓથ થાય એવાં છે – મા ઓછી ઓછી થતાં બોલી’તી : તમારી ઓથમાં ઓછપ છે, બેન? : ઃ ધનતેરશને ક્યાં પેટમાં દુઃખે છે. આ આવી પૂગી હડી કાઢતી – : અને પછી તો ત્રણે જણ રાત–દિ’ કામમાં પરોવાઈ ગયાં. વાંસ સાથે ઠૂંઠકી સાવરણી બાંધી જાળાં ખંખેર્યાં. ભીંતોનાં ગાબડાં પૂર્યાં, નીસરણી ભીંતે ટેકવીને. મોવડ ને પછીતે, ઓરડા ને ઓશરીમાં ખુરપી–તવેથાથી પોડાં ઊખેડ્યાં ને ઓળીપાથી આંગળાંની છાપ પાડી, શેતરંજી પાથરી, જાણે. ગાર્યમાંથી કોતરીને પાણિયારે મેના–પોપટની જોડ્ય ઊડતી કરી. ઢોર બાંધવાના એક ઢાળિયામાંયે ધોળ-મટોડી કર્યાં. તુલસીક્યારાને ય નો ભૂલી બા. છાણાંના મોંઢવા ઉપર પણ લીંપણ થયું. પટારામાંથી, ગઈ કાલે જ આભલાં ટાંક્યાં હોય તેવાં, ટોડલિયાં ને ચાકળા–તોરણ પોટકામાંથી નીકળી અજવાળાં પાથરવા માંડ્યાં. નવાંનકોર ગોદડાં અને જાજમ...દાળચોખા વીણાયાં. ઘઉં ઝાટકી ભરડવા મોકલાયા. આંબલીથી વાસણ માંઝીને અભરાઈ ઉપર ઝળહળતાં કર્યાં. ઃ બા, હજી તો મે’માનું આપણું ઘર જોવા આવે છ. ત્યાં તો તું જાણે લગન આવ્યાં હોય એવો આદર કરી બેઠી છ : સુમિ લહેકાથી મજાક કરી લે છે. કોરા વાળમાં કાંસકીથી ગૂંચ કાઢતાં બા બેધ્યાનપણે બોલી : તારા બાપાને કે’વાપણું નો રે’વું જોવે. ગોબરું એને લગરીકે ય નો ગોઠે : બન્ને ભાઈબેને મરમમાં છાનું છાનું હસી લીધું. કોઈ કશું બોલ્યું નંઈ. ઝગારા મારતા નાનકડા બે ઓરડાવાળા ખોરડે મે’માન ઠલવાયાં. સુમિનાં કાકાજી—કાકીજી, કાકીજીનાં ભાય–ભોજાય ને એની છોકરી, એમ બીજાં બે ચાર. માધવે જોયું, બાના રાજીપાનો પાર નથી. સુમિએ છાને ખૂણે હળવેકથી પૂછ્યું : તને બા, આ નવું નો લાગ્યું? છોડી પણ આવી– ઃ અરે ગાંડી, મરને આવી. હવે ક્યાં એની નવાય છે? જે ઘરમાં આખ્ખું જીવતર વીતાવવાનું છે એમાં આંખ્ય તો ઠરવી જોવેને? : ઓશરીમાં બે ચાર ખાટલા ઢાળ્યા’તા. ધડકીયું ને ઉપર તકિયા. બીજા ઓરડામાં બાયું માટે જાજમ. ઓશરીમાં પડતા જાળિયામાંથી બાએ માધવને રસોડામાં ઇશારો કરી બોલાવ્યો. ભાઈબંધોના હાથમાં ચાની કીટલી-રકાબીઓ પકડાવી એ માલીપા ગયો. બાના હોઠ પરનું હસવું જાણે આખ્ખા મોં પર રેલા થઈને ઢોળાઈ રહ્યું’તું. કહે : છોડી નાકનકશે નમણી ને ગમી જાય એવી છે. સારું કર્યું આવી તે. મારેય જોવાય ગઈ. ઈ તો સમજ્યાં, પણ એની મા, છોયા જેવી... નો બોલતાં આવડે, નો ચાલતાં. ઊભા વાંહડા રોખી બાય હાર્યે પનારો પડ્યો લાગે છ, બિચારા, છોડીના બાપને! : ઃ તું ય બા. આવું સંભળાવ્વા તેં મારા હાથમાંથી કીટલી મેલાવી? : ઃ પણ ખોટું કૌં છઉં? તું જ કે’ : બાનું હસવું રોક્યું રોકાતું નો’તું. ઃ ઠીક, તું ઈ કે’, મારે કોને પણવાનું છે? છોડીને કે એની– : સાંભળતાં જ માએ અને સુમિએ ‘ફુહ’ દેતાંકને દાંત મોકળા કરી દીધા. સારું હતું કે બહાર પણ એટલા જ જોરથી વાતોના તડાકા ચાલતા’તા. એટલે કોઈએ કંઈ સાંભળ્યું નંઈ. સુમિએ રસોડાનું કામકાજ હાથમાં લેતાં માને કહ્યું : તું બેસ્ય તો ખરી બા, બાયું કને. એ બધીયુંને કેવું લાગે? ને મોઢું થોડુંક ભારમાં રાખજે : બહાર નીકળતા માધવે પણ બેનની વાતમાં સૂર પુરાવ્યો. ઃ કેવું લાગે? ઠીક. સંભાળ્ય તું. હું બેસું ઘડીક : જતાં જતાં બબડી : છોડીનો બાપ લાખેણો પણ બાય... : માધવને કે’વાનું મન તો ઘણું ય થયું : શું તુંય બા, આદુ ખાઈને એની ખેધે પડી ગઈ છો. હજી તો તેં એને જોઈ છે ય પેલ્વેલ્લી...ઃ પણ ચૂપ રહ્યા વગર છૂટકો નો’તો. જમવાનું તૈયાર હતું. આગલી રાતે કહી આવેલો તોય બાએ કહ્યું એટલે અત્યારે પણ માધવ મોટી ડેલીએ જઈને ત્રણે મોટાબાપા ને એના ઘરનાંઓને તાણ્ય કરી આવેલો. પણ કોઈ ફરક્યું જ નંઈ. માધવે જોયું, માને આજે બીજા કોઈની ગેરહાજરી નો’તી ખટકતી. બોલી’તી : એની મરજીના ઈ ધણી : ને અભરાઈએથી ઊતારેલાં વાસણને ગાભો મારવામાં પરોવાઈ ગઈ. માએ મે’માન હાર્યે જ માધવ અને એના ભાઈબંધોને જમવા બેસી જવા કહ્યું; અઢીની એક જ લોકલ મળે એમ છે ને આમે ય થાળી મોડી પડી હતી. એટલે બાયુંને પણ બાવડાં પકડી અંદરના ઓરડામાં બેસાડી દીધી. કહે : હું ને સુમિ છંઈને? રોકાણ કરવાનું ઠેરાવ્યું હોત તો હજીયે મોડું પાલવત ને હાર્યે બેહત. પણ – : માધવની તો ધારણા હતી કે મા એને અને એના ભાયબંધુને પીરસવા રોકશે. ઊલટાની આ તો મા જ..ખરી વેરણ થઈ આજ. સુમિને છાને ખૂણે ખેંચીનેં, બાને કાને વાત પૂગાડવાની એને ચટપટી થાતી’તી, પણ શરમનો માર્યો મૂંગો રહ્યો. નિરાંતે નીરખવાનો અવસર હાથમાંથી ઝૂંટવી લીધો, બાએ. બાએ મે’માનોને મોકળે મને પીરસ્યું. આવેતુ માટે આટલો ભાવ તો એણે ક્યારેય નો’તો દીઠો. એમાંય આદમી તો શું, એના પડછાયાને ય નાડા–વા છેટો રાખનારી બા, હોંશે હોંશે ને વારે વારે પીરસવા નીકળતી’તી. સુમિએ ભાત પીરસી દીધા તે પછી પણ એ લાપસીનો ખુમચો લઈને નીકળી! ક્યાંય નંઈ ને છોકરીના બાપની સામે, ખુમચો ભોંય ઉપર મૂકી, ઉભડક બેસીને બોલીઃ છેલ્લે મારું વેણ રાખવું પડશે... : ઃ અરે હવે ચપટીકે ય હાલતા હશે? ભાતે ખવાઈ ગ્યા : છોકરીના બાપે ગરવાઈથી હસી, અકળામણ ઠાલવી. માએ એનું એક હાથે કાંડું ઝાલી લીધું ને બીજે હાથે લાપસીનો કોળિયો એના મોંમાં ધકેલતાં અત્યન્ત ભીનાશથી બોલી ગઈ : આ છેલ્લો કોળિયો નો લ્યે એને આંખ્ય સામે બળતી ભાળો, કાળી –ઃ પણ એ : રાત્યે : પૂરું ન કરી શકી. એકાએક સભાન થઈ જતાં, લાપસીનો ખુમચો ત્યાં ને ત્યાં પડતો મૂકી, ઓરડામાં ભરાઈ ગઈ. ઓશરીમાં બેઠેલા સૌનાં અંતરમાં સોપો પડી ગયો. બાયું ઓરડામાંથી ઊંબરે આવી ઊભી. એક હરફ સુદ્ધાં કોઈના મોઢામાંથી ન નીકળ્યો. રજા લેવા પૂરતોયે વિવેક મે’માનો ન બતાવી શક્યાં. મા પોતેય ખડકી સુધી વળાવવા ન ગઈ. માધવની જીભને લકવો લાગી ગ્યો’તો, જાણે. સુમિથી એક હળવું ડૂસકું મૂકાઈ ગયું : આ તે મા છે કે – : માધવે નાક પર આંગળી મૂકી, એને ચૂપ રહેવા સૂચવ્યું ને ધીમે પગલે ઓરડામાં ગયો. બાના વાંસામાં ક્યાંય લગી હાથ ફેરવતો રહ્યો. નીચે નમીને બાના ભીંજાયેલા ગાલ ઉપર પોતાની આંખની પાંપણ પસવારતો ધીમેકથી બોલ્યો : બા, બીજાની તો મને ખબર નથી, પણ હું તો તને ઓળખું છુંને? :