મરણોત્તર/૧૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧

સુરેશ જોષી

મરણ સહેજ જંપીને બેઠું હોય એમ લાગે છે. એ ન કળી જાય એવી રીતે હું એને જોયા કરું છું. એ ક્યાંથી પોષણ મેળવે છે તે શોધવાનો પ્રયત્ન કરું છું. કદાચ એવો કોઈ કીમિયો હશે જેના વડે એને એક ઉચ્છ્વાસ સાથે હજી લુપ્ત કરી દઈ શકાય. ઘણા અખતરા મેં કરી જોયા છે. દિવસરાત અવિરત ચાલ્યો છું. કેવળ મારાં ચાલતાં બે ચરણો પૂરતું જ મારું અસ્તિત્વ ટકાવી રાખીને, બાકીનાં બીજાં અંગોનો લોપ કરીને, ચાલ્યો છું. પગલે પગલે મરણ રજરજ થઈને ખરતું જાય એવી આશાએ ચાલ્યો છું. પણ કોઈક વાર ચાલતાં ચાલતાં પાછું વાળીને જોયું હશે. પાછળ રહી ગયેલા વળાંક આગળ કોઈક ઊભું છે એવી ભ્રાન્તિથી ચરણ થંભાવી દીધાં હશે. લુપ્ત કરેલી આંખોને ફરીથી ઊઘડવા દીધી હશે. ચાલતાં ચાલતાં ક્ષણોને ઠોકરે મારવાને બદલે કદાચ કશાક લોભથી સહેજ થંભી જઈને એકાદ ક્ષણને સંઘરી રાખવાના લોભથી નીચો વળ્યો હોઈશ. કદાચ અજાણતાં જ બહાર નીકળતા એકાદ શ્વાસને સહેજ વાર રોકી રાખ્યો હશે. કદાચ ચાલતાં ચાલતાં જ સાથે કોઈ ચાલી રહ્યું છે એવા અણસારની ભ્રાન્તિથી એ બીજાં બે ચરણ જોડે મારાં ચરણ મેળવવાનો પ્રયત્ન કર્યો હશે. પવનની લહરી કશોક સંદેશો લાવી છે એવી ભ્રાન્તિથી કાન સરવા કરીને કદાચ હું ઊભો રહી ગયો હોઈશ. કોઈ વૃક્ષની ઝૂલતી શાખામાં અજાણ્યો તર્જનીસંકેત વરતી લેવાની નાદાની કરી હશે. ચાલતાં ચાલતાં દૂર દેખાતા કોઈ નદીના જળના આભાસથી અણજાણપણે હૃદયમાં કશી આશાનો સંચાર થવા દીધો હશે. ક્ષિતિજના છેડા સુધી દોડી જવાની કશીક આસક્તિએ કદાચ મને ભુલાવામાં નાખ્યો હશે. એકાએક પાંપણ પર ઝમેલા આંસુએ દૃષ્ટિ સામે મૃગજળની માયા સરજી દીધી હશે. કદાચ મારા પડછાયા પર મેં વધુ પડતો વિશ્વાસ રાખ્યો હશે. દૃષ્ટિ ઊંચી કરીને કોઈ ચમકતા તારાને જોઈ દિશાને નિશ્ચિત કરવાનો લોભ રાખ્યો હશે. આગળ દોડી જતા વંટોળનો સાથ મેળવવાના લોભથી હું ચકરાવે ચઢી ગયો હોઈશ. ચાલતાં ચાલતાં અજાણતાં જ કોઈ અજાણ્યા ઘરના દ્વારમાં પ્રવેશી ગયો હોઈશ. આવી બધી ભૂલોએ મરણને પોષ્યું હશે. એના પુષ્ટ થતા દેહને ઓગાળી નાખવા મારી પાસે પૂરતી ગરમી નહીં હોય, એને વહાવી દેવા જેટલાં આંસુ નહીં હોય, તેથી જ તો મરણ ફાલતું ગયું હશે. હવે તો આ ભારને હડસેલવા સહેજ ચાલવું પણ કેવું મુશ્કેલ થઈ પડ્યું છે! ક્યાંક કોઈ ફડાક દઈને બારી ખોલી નાખે છે. બારીમાંથી ઝૂકીને મારા તરફ જોતું દેખાય છે. હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’