મરણોત્તર/૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુરેશ જોષી

નીચેનાં વૃક્ષોની છાયા અને પવન – એમની રમત જોઉં છું. કોઈક વાર આશા બંધાય છે કે આ પવન મારા શરીરના બન્ધનને ખોલી નાખશે. પછી હું બહાર નીકળી જઈશ. મારા મરણને મારા શરીરમાં પૂરી દઈશ. પછી ક્યાંક પગલી પાડ્યા વિના ચાલ્યો જઈશ. આકાશમાં જઈને તારાની જેમ ચમકવું નથી, ઈશ્વરને શોધવો નથી. જળમાં જળ થઈને ભળીને વળી સૂર્યના અત્યાચાર સહન કરવા નથી. પવન થઈને આંધળા બની જ્યાં ત્યાં અથડાવું કૂટાવું નથી. અગ્નિ થઈને લપલપ જીભે અકરાંતિયાવેડા કરવા નથી. અન્ધકાર જો સ્વીકારે તો અન્ધકારમાં ભળી જાઉં. પછી કોઈ અન્ધકારને અન્ધકારથી શી રીતે છૂટો પાડે? કહે છે કે ઈશ્વર અન્ધકારના ગૂંચવાયેલાં તન્તુને ઊકેલતાં ઊકેલતાં આંધળો થઈ ગયો છે. હું પણ ઈશ્વરની આંગળીઓ વચ્ચે સંતાકૂકડી રમું, ઈશ્વરને પજવું. કદાચ ઈશ્વરની આંગળી સાથે ઘસાતાં મારામાંથી તેજના તણખા ઝરે, પણ તેથી કરીને હું તેજ બનીને સળગી જવાના પ્રલોભનમાં ફરીથી નહીં ફસાઈ જાઉં.

મારા આ વિચારોને મરણ એની ખંધી નજરે જોતું બેઠું છે. એ હસે છે. એ હસે છે ત્યારે એના દાંત કડકડી ઊઠે છે. એના હસવાનો આંચકો મારા હૃદયને લાગે છે. મારો હાથ છાતી પર જાય છે. કોઈ ત્રસ્ત પંખીને શાન્ત કરતો હોઉં તેમ હાથ પસવારું છું. મારા ગભરુ વિચારો મરણની નજરથી બચવા નાસભાગ કરી મૂકે છે. હું આંખને ઇશારે એમને સ્વસ્થ કરું છું. કોઈ આવતું હોય એવા ભણકારા વાગે છે. હું એ તરફ નજર કરતો નથી. ત્યાં કોઈ આવીને મારો હાથ પકડી લે છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’