માંડવીની પોળના મોર/તસવીર બનાતા હું....

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તસવીર બનાતા હૂં.....

આપણું મન પણ કેવું છે? માથે કામનો બોજ હોય, સમયની ખેંચમખેંચ હોય ત્યારે પણ મૂળ જગ્યાએથી છટકવા કોઈ ને કોઈ આડમાર્ગ શોધી કાઢે. તમને થશે આ ભાઈ અચાનક જ ટી.વી.માં જોવા-સાંભળવા મળતા કોઈ સાધુ- સંત જેવું કાં બોલવા લાગ્યા? તો વાતમાં વાત એટલી જ છે કે હું મારો એક ફોટોગ્રાફ શોધતો હતો. આમ તો ઘણા દિવસથી એને શોધવાનો સમય શોધતો હતો. રોજ એવું થાય કે આજે તો શોધી જ કાઢું... પણ પછી, કાં તો ફોન આવે, કાં તો ટી.વી. કાર્યક્રમ રોકી રાખે અથવા એ વખતે બૂટ-ચંપલને પોલિશ કરવાનું મન થાય! ટૂંકમાં કાલે... નહીં તો પરમ દિવસે... પરમ દિવસે નહીં તો આ રવિવારે તો નક્કી જ. આ દેશના માણસોય નવરા છે, રવિવારે જ એમને આપણા મહેમાન બનવાનું મન થાય! લાવરીનાં બચ્ચાંવાળી વારતાની માફક દિવસો ઠેલાતા રહે. પણ છેવટની તાકીદ ઊતરી આવી કે માળિયે ચઢવાનો ને ફોટોગ્રાફ્સનું બોક્સ ઉતારવાનો વિકલ્પ ન રહ્યો. બોક્સ ઉતાર્યું તો એમાંથી, પરાણે બહાર આવી પનોતાં થવા મથતાં હોય એમ આલ્બમો, છૂટા ફોટોગ્રાફ્સ, નાની-મોટી કોથળીઓમાં ભરેલા ફોટોગ્રાફ્સ, જેના પરથી હવે ભાગ્યે જ પોઝિટિવ કઢાવવાની છે એવી નેગેટિવ્ઝનો તો પાર જ નહીં! મોટા માણસો કહે છે તેમ નેગેટિવમાંથી છૂટીને હું પોઝિટિવ તરફ વળ્યો. શરૂઆતે તો એમ જ કે હાથ નાંખીશ કે જોઈતો ફોટોગ્રાફ આવી મળશે. પરંતુ એમ કંઈ બધું સામેથી મળી જતું હોત તો પંડિતોએ શબ્દકોશમાંથી ભાગ્ય, નસીબ કે એને લગતા શબ્દો કાઢી નાખ્યા ન હોત? બધું ઊતારીને મેં એક પછી એક આલ્બમો ઉથલાવવાનું શરૂ કર્યું. બધી રંગરંગીન આલ્બમોમાં એક જૂનું કાળા રેક્ઝિનથી મઢેલું આલ્બમ હાથ લાગી ગયું. અત્યારે આવે છે એવાં, આરપાર દેખાય એવાં મફતિયાં આલ્બમોનો એ જમાનો નહોતો. એ વખતે તો રોલ ‘ધોવરાવો’, પ્રિન્ટ કઢાવો પછી જો વેંત રહ્યો હોય તો પૈસા ખરચીને આવાં આલ્બમો લેવાં પડતાં. આ કાળા આલ્બમનો કાગળ, કાગળ નહીં પણ જાડો કેનવાસ. પ્રત્યેક પાને કાગળનાં સુવર્ણખૂણિયાં ચોંટાડયાં હોય. એમાં જાળવીને ફોટોગ્રાફ ભરાવી દેવાનો! કાળજીથી ભરાવવા જતાં ક્યારેક, એકાદ ખૂણિયું ફાટી પણ જાય! જોકે આવા સંજોગોમાં પણ બાકીનાં ત્રણને આધારે મરકાતી છબિ સબ સલામતની આલબેલ પોકારતી રહે. સામાન્ય રીતે એક પાનામાં પાંચથી છ ફોટોગ્રાફસ આવે. પછી તો જેવું જેનું આલ્બમ ને જેવા જેના ફોટા! એ સમયે પણ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોગ્રાફ થતા, પણ બહુ મોંઘા, એટલે સહુને પરવડે નહીં. મોટેભાગે તો આગ્ફા કંપનીના કેમેરાથી પડાયેલા શ્વેતશ્યામ ફોટોગ્રાફ્સ હોય. એમાં ભાગ્યે જ કોઈનો ક્લોઝ-અપ મળે. ફોટોગ્રાફી મોંઘી એટલે, એક વ્યક્તિ દીઠ એક એક ફોટો પાલવે ક્યાંથી? એક ક્લિકમાં ઠાંસીઠાંસીને સગાંવહાલાંઓ ને મિત્રો ભર્યાં-બેસાડ્યાં હોય. આ ઉપરાંત, જે ફોટોગ્રાફર હોય એને આ કોઈ વ્યક્તિમાં રસ ન હોય, એને તો એની કળા દેખાડવી હોય એટલે એવો મોહ પણ ખરો કે આજુબાજુની પ્રકૃતિ કે છોડ-ફૂલ વગેરે તો અવશ્ય આવવાં જ જોઈએ! ઘણાં છાપાંઓમાં, બે હીરો કે હીરોઈનોની તસ્વીરોને ભેગી કરીને એક કરી દેવામાં આવે છે. પછી, વાચકો એને આંખો, કપાળ કે હેરસ્ટાઈલને આધારે ઉકેલી દેતાં હોય છે. આવા જ કંઈક ‘તસવીરઉકેલ’ પરિસંવાદ અમારે પણ થાય. ફેર એટલો જ કે અમારે એક ફોટોગ્રાફમાંની અનેક વ્યક્તિઓને ઓળખવાની! કોઈ કહે, ‘આ અજયભાઈ છે!’ એની આંગળી ખસેડીને બીજો બોલે, ‘ના, એ તો સંજયભાઈ છે! અજયભાઈ તો આ રહ્યા બીજી લાઈનમાં ત્રીજા!’ માંડ માંડ સુલેહ થાય ત્યાં વળી કોઈ ટમકું મૂકે. ‘આ ગુલાબી સાડીવાળાં છે એ રમીલાભાભી!’ તરત બીજું કોઈ બોલ્યું જ હોય, ‘ગપ્પાં ન માર! રમીલાભાભી તો આ અહીં છેડે રહ્યાં! તારી વાત સાચી, એ સાડી ગુલાબી છે પણ, તે દિવસે બકુલાભાભીએ પહેરેલી! એ છે ને તે બકુલાભા..... ભી!’ કોઈ વળી ડાહ્યુંડમરું હોય તે વળી તાત્ત્વિક વાત કરે, ‘રંગ તો તમારી સ્મૃતિમાં સચવાયેલો છે, બાકી આમાં ક્યાં ગુલાબી દેખાય છે? આ તો બધું બ્લેક એન્ડ વ્હાઈટ!’ વાતેય સાચી. તસવીર તો એક આધારમાત્ર છે. બાકી ઉકેલવાનું તો આપણે જ ને? કેટલાય ચહેરાઓ તસ્વીરમાં હોય પણ હૃદયમાં રહ્યા ન હોય! હૃદયમાં હોય એ તસવીરમાં આવી શક્યા ન હોય, અથવા એમ કહીએ કે લાવી શકાયા ન હોય! કેટલાક હયાત હોય પણ તસવીરમાં ડાઘો પડવાને કારણે ભુંસાઈ ગયા હોય, તો કોઈ વળી માત્ર તસવીરમાં જ રહ્યા હોય ને સમયે સમયે આંખ ભીની કરી જતા હોય! આ બધી હસતી-રોતી ફિલમ પણ છેવટે તો તમને રોકી રાખે ને મૂળ તસવીર સુધી પહોંચવા ન દે એટલું તો નક્કી. ક્યારેક તો આપણે ભૂલી પણ જઈએ કે કયો ફોટો શોધતા હતા? આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ માટેનો રોલ પણ ગજબ. રેડ એન્ડ બ્લેક! ગણીને બાર ફોટા આવે. બહારથી ડ્રોઈંગપેપર જેવો જાડો રેડપેપર પણ અંદરથી બ્લેક! એની સમાંતરે ચોંટાડેલી ફિલ્મ. રોલ ધોવાઈ જાય પછી એ રેડ એન્ડ બ્લેક પેપરને સ્ટુડિયોવાળા ફેંકી દે! બાળકો દોડીને એ લઈ આવે. ગોળગોળ વાળીને અંદરનો છેડો પકડીને ધીરે ધીરે ખેંચતા જાય, વળને થોડા ઢીલા કરતા જાય. એક પછી એક વળ બહાર આવે ને થઈ જાય લાકડી! જાદુગરની માફક એ લાઠીને આમતેમ હલાવ્યા કરવાની! અમારા એક ભાઈએ તો આવી રોલલાઠી લઈને ફોટો પણ પડાવેલો! ઘણા લોકો આવા કાળા આલ્બમમાં સચવાયેલા ફોટોગ્રાફ નીચે પોસ્ટર કલરથી જેમનો જેમનો સમાવેશ થયો હોય એમનાં નામ લખે. મને સમજાય નહીં કે જેમની તસવીર જ નામની છે એ લોકોનાં નામ લખીને શું? પછી ખ્યાલ આવ્યો કે ફોટોગ્રાફમાં ફિગર એટલાં બધાં નાનાં હોય કે લખ્યું ન હોય તો કંઈ ખબર જ ન પડે. સમયસર લખી લેવું સારું! જો કે હકીકત તો એ જ કે જેમની સ્મૃતિમાં આપણે છીએ, એમને ફોટાની કે નામની જરૂર નથી ને જેમને નામ વાંચીને ખોળવા પડે એમને સ્મૃતિ સાથે કંઈ લેવાદેવા નથી. ફોટો પાડવા-પડાવવાની ક્ષણ પણ રોમાંચક. સ્ટુડિયોમાં તો આંજણ-પાઉડર, કાંસકો વગેરેની સુવિધા હોય. કાંસકો એવો કે માથામાં ફેરવવાનું મન ન થાય. વચ્ચેના દાંતા તો હોય જ નહીં ને દુનિયાભરનો મેલ વધારામાં! તમે ધોળા કે એવા કોઈ સાદાં-હલકા રંગના કપડાં પહેરીને ગયા હો તો ત્યાંથી ફૂલડાંવાળાં કપડાં ય મળી રહે. આ કપડાં તમારા શરીરના માપે હોય એવું જરૂરી નહીં. ફોટોગ્રાફર તમને સમય આપે અને કહે : ‘તૈયાર થઈ જાવ!’ એક ખૂણામાં પડદા પાછળ રાખેલો અરીસો આપણને સહકાર આપે, પણ આપણું મન કેમેય ન માને. ઘેરથી તૈયાર થઈને નીકળ્યા હોઈએ ત્યારે માથું બરાબર ઓળાયું હોય ને સ્ટુડિયો સુધી પહોંચીએ ત્યાં તો બધું વીંખણશીંખણ! ક્રાંતિ કરીને અવળી બાજુ વળી ગયેલા વાળ કેમેય સરખા ન ગોઠવાય. મથામણ પણ ઠીક સમય ચાલી હોવાથી છેવટે કંટાળીને જેવું થાય એવું સ્વીકારી લઈએ, પણ જીવ તો એમાં જ રહે કે વાળ બરાબર નથી! મનમાં આપણી છબિ ગોઠવી હોય એવી નહીં આવે એવી દહેશત સતત પીડ્યા કરે. આપણે તૈયાર થઈ જઈએ પછી, ફોટોગ્રાફર આવે. આપણને પરસેવો વળી જાય ત્યાં સુધી લાઈટો ગોઠવે. ‘હલશો નહીં’ એવું કહીને પછી ‘સ્માઈલ પ્લિઝ’ બોલે ત્યાં સુધીમાં તો દિલ ધડક ધડક ને કલ્પ્યું પણ ન હોય એ રીતે દાંત બહાર આવી જાય અને ડોળા અકારણ મોટા થઈ જાય! આમાં બહુ મજા ન આવે. ખરી મજા તો ઘેર ફોટોગ્રાફરને બોલાવીએ ને ફેમિલી ફોટોફંક્શન કરીએ એમાં... બધાંને ખબર હોય કે ફોટોગ્રાફમાં આપણી ઓળખાણેય મહાપરાણે થશે છતાં, કેમેરાની ટેકનિકલ મર્યાદાને ઓળંગીને જાણે કોઈ ચમત્કાર થવાનો હોય એમ સહુ સ્ત્રી-પુરુષો તૈયાર થાય. તેલ નાંખેલા માથામાં પટિયાં પાડે, ફૂલ-બુટ્ટા કે ગાઢા રંગોવાળાં કપડાં પહેરે, પાઉડર લગાવે, બંગડી-વીંટી અને મંગળસૂત્ર વગેરેને બરોબર દેખાય એમ ગોઠવે. વાળની એક લટ પણ ધારણા બહાર આઘીપાછી ન રહે એની કાળજી લે. છેલ્લી ઘડી સુધી સતપત કર્યા કરે પણ મારા વાલીડાં એકેયે પગમાં બૂટ કે ચંપલ ન પહેર્યાં હોય! કોઈને છેલ્લી ઘડીએ યાદ આવે એટલે લાંબો હાથ કરીને ફોટોગ્રાફરને અટકાવે. કહે કે ‘અબ ઘડી આવ્યો!’ એ ચંપલ પહેરીને આવે એટલે બાકીનાંઓને પણ યાદ આવે! પળવારમાં બધું વેરણ-છેરણ! દેડકાંની પાંચશેરી ફરી પાછી નવેસરથી ગોઠવવાય ત્યાં કોઈ બુદ્ધિનો ચમકારો કરે : ‘એલા ભાઈ! બીજી-ત્રીજી લાઈનવાળાંઓનાં ચંપલ ક્યાં દેખાવાનાં હતાં? નાહક દોડાદોડી કરી! સમૂહફોટા પૂરા થાય પછી સહુનો વ્યક્તિગત વારો આવે. કોઈને ચંપાના ઝાડ પાસે ફોટો પડાવવો હોય તો વળી કોઈને હીંચકા પર! માંડ માંડ જગ્યા નક્કી થાય ત્યાં ફોટોગ્રાફર પોતાની આવડત પ્રગટ કરે. ત્યાં લાઈટ ઓછું પડશે! વળી કમઠાણ બદલાય. છેવટે તો ધાર્યું ધણીનું થાય એમ ફોટોગ્રાફરની મરજી મુજબ બધું પાર પડે! ચા-પાણી પીને ફોટોગ્રાફર જાય ત્યારથી સહુને ચટપટી લાગે. બધાંથી સારો પોતાનો ફોટો આવશે એવો ખ્યાલ ધીરે ધીરે ઓસરવા માંડે. પણ ફોટા આવે તો નક્કી થાય ને? આજકાલ કરતાં દસ પંદર દિવસ વીતી જાય. આપણે ભૂલી જઈએ કે ફોટા પડાવ્યા હતા તે સમયે વિષ્ણુના કોઈ અવતારની જેમ ફોટોગ્રાફર પ્રગટ થાય! પછી તસવીરદર્શનનો સમૂહકાર્યક્રમ યોજાય. ‘આના કરતાં તો પેલાં કપડાં પહેર્યાં હોત તો!’ તો કોઈ વળી કહે, ‘સરલાભાભી! મોટાભાઈ તો પાછળ ઊભા હતા, જરાક મોઢું દેખાય એમ સાડી રાખી હોત તો?’ જાતભાતની ટિપ્પણીઓ ને મશ્કરી થાય. કેટલાક આળા સ્વભાવનાં તો વળી રડવા માંડે! બીજે દિવસે પેલો પૈસા લેવા આવે ત્યારે ખરી મજા પડે. પૈસા ચૂકવતાં પહેલાં એક હજાર પ્રશ્નો ઊઠાવવામાં આવે! ‘આ રમેસાનો તો ફોટો જરાય સારો નથી આવ્યો! આમાં તો પડછાયો પડે છે! આ ચાર ફોટાના તો સાવ પૈસા જ પડી ગયા!’ આવું બધું સાંભળવા છતાં ફોટોગ્રાફર ભગવાન બુદ્ધની જેમ ધૈર્ય અને શાંતિપૂર્વક ઊભો રહે. છેવટે બિલની રકમ આપીએ ત્યારે જ છૂટકારો થાય! ફોટોગ્રાફર વારેવારે એક જ વાત કરે : ‘ફોટામાં તો આપડે હોઈએ એવાં જ આવીએ. કેમેરો કોઈની શરમ ન રાખે!’ વાતેય સાચી. જેવાં હોઈએ એવાં જ દેખાઈએ! અળવીતરાં છોકરાં આડુંઅવળું ને ઊંચું જોયા કરે એમાં કોનો વાંક? સરલાભાભી કપાળ ઢાંકેલું જ રાખે એમાં મોટાભાઈ શું કરે? ખરી મજા તો વર્ષો પછી આવા ફોટા જોવાની આવે. મારે જે ફોટોગ્રાફ શોધવાનો હતો એ મળ્યો કે નહીં એની વાત ફરી કોઈ વાર...