માણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હૈડિયા વેરાનાં સ્મરણો


દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપુરા જઈને દાંડી-પ્રયાણ કરતા ગાંધીજીને આશીર્વાદ અપ્યા હતા. આ દધીચની ડેલી પર મને બંદૂકની ગોળીનો ઘા દેખાડવામાં આવ્યો. સામે જ આવેલા મંદિરમાંની ખડકી પર પણ બંદૂકની ત્રણ ગોળીના ટોચા હજુ મોજૂદ છે. એ ગોળીઓ દહેવાન-ઠાકોર સ્વ. નારસિંહજીની બંદૂકની છે. એ નિશાનીઓ શોષકના ખુન્નસની છે એથી વિશેષ તો શોષિતોની ઠંડી તાકાતની છે. શોષિતો એટલે ગોળવાના ખેડુતો. ગોળવા, દહેવાણ, કાનપુરા : આખા કાંઠાનાં ગામો આદિકાળ તો આ પ્રજાનાં હતાં. એમાં એક દિવસ આ મહીડાઓની ને કોળી ઠાકોરની તલવાર કોણ જાણે ક્યાંથી ધસી આવીને ફરી વળી હશે, ગામો એ તલવારધારીઓનાં બન્યાં હશે અને તલવાર ફક્ત સાંથ (મહેસૂલ) ઉઘરાવવાનો હક મળી ગયો હશે. પણ તલવારો તો કટાઈ ગઈ. તલવાર ઝાલનારા પંજા પરદેશી રાજનાં ચરણની ધૂળ ઉઠાવતા થયા. એમાં એક પેઢીએ દહેવાણમાં ઠાકોર નારસંગજી થયા. એમણે પોતાના ગોળવા ગામ પર સાંથ વધારવાનો, ખેતરાં ખાલી કરાવવાનો ને ઝાડપાન કાપવાનો અધિકાર ઠોકી બેસાડવાની તક મળી જોઈ. પણ દધીચોએ અને પાટણવાડિયાઓએ સામા મોરચા માંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવકોએ લડતને દોરવવા ગોળવે છાવણી નાખી. છાવણી મંદિરમાં પડી, ને નાથીબા છાવણીના તમામ સ્વયંસેવકોને જ નહીં પણ જે કોઈ આંગણે આવે તેને વિના ભયે જમાડવા લાગ્યાં. એથી ખુન્નસે ભરાઈને એક દિવસ ઠાકોરના ભાઈ ભરી બંદૂકે આવ્યા. ધડ-ધડ-ધડ એ બેઉ આશ્રયસ્થાનો પર બંદૂક છોડી. માણસો તો બચી ગયાં. બંદૂકવાળો ઝંખવાઈને પાછો ગયો. પણ દહેવાણથી ગોળવે આવતા એક સ્વયંસેવકને ઠાકોર નારસંગજીએ માર મારેલો તેની ખબર મહારાજ તે ટાણે બારડોલી હતા ત્યાં પડી. ત્યાંથી મહારાજ ઊપડ્યા, સીધા દહેવાણમાં દરબારને બંગલે ગયા. ઠાકોર કહે : “પધારો." મહારાજ કહે કે, “એને, સ્વયંસેવકને, શા માટે માર્યો? મને મારો ને તમારા હાથ ટાઢા કરો. હું એટલા માટે જ આવ્યો છું." ફોજદાર આવી પહોંચ્યા. વાત ટાઢી પાડી. ઠાકોર ચૂપ બન્યા. ગોળવાના ગોળીબારની વાત પણ સંકેલાઈ, અને લડતમાં છેવટે સમાધાન થયું. કોતરોનાં વર્ષાજળે તોડી,-ખૂંદી જુદા જુદા ટેકરામાં વહેંચી નાખેલું છતાં ગોળવા રૂપાળું લાગ્યું. ચાર દિવસે સરખું ખડકીબંધ ફળીવાળું ઘર જોવા મળ્યું. (મોટે ભાગે આ પ્રદેશમાં વસ્તીનાં ઘર એક જ પછીતે, એક જ ઓસરીએ, પોળ જેવા લાંબા ફળીમાં આવેલાં હોય છે.) ને અમારું ડમણિયું ગાજણે આવી પહોંચ્યું. હૈડિયા વેરાના મામલામાં જેમ દહેવાણ તેમ ગાજણા ઘણું ઐતિહાસિક બન્યું છે, એટલે ગાજણાની એક રાત્રિનો મહારાજનો અનુભવ સાંભળ્યો હતો ત્યારથી ગાજણા જોવાની ઉમેદ હતી. વાત આમ હતી :