માણસાઈના દીવા/૪. ઘંટી તો દીધી સરકારને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. ઘંટી તો દીધી સરકારને


મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઈચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક ‘બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા ‘બોડકા મા'રાજ' કહીને. બોડકા મહારાજ બોલે નહીં ખાવા ટણે કોઈ પણ એક ઘેર જઈને ઊભા રહે. માગે નહીં. જે કંઈ હાથમાં મુકાય તે ખાઈને ગુજારો કરે. એક રાતે કઠાણામાં મહારાજને સૂતેલા જગાડ્યા. “કેમ?” “બોરસદથી માણસ આવ્યો છે.” “શા ખબર છે?” “ખબર માઠા છે. પાલેજમાં કલેક્ટરે મુકામ કર્યો છે!” “શા માટે?” “હૈડિયા વેરા માટે જપ્તીઓ કરવા. ચાંપોલ અથવા બદલપુરની જપ્તીઓ ચલાવાશે.” “બોડકા મહારાજ!” મહારાજે રાતે અગિયાર વાગ્યે સૂચના આપી : “કરો લોને એકઠાં.” બોડકા મા'રાજ એ રાતે ઘેર ઘેર, ખેતરે ખેતરે ફરી વળ્યા. લોકો હાજર થઈ ગયાં. પૂછ્યું : “કેમ અત્યારે?” મહારાજ કહે : “મારી ઈજ્જત જવાનો પ્રશ્ન છે. પાલેજમાં કલેક્ટર પડ્યો છે. એને દહેવાણ ઠાકોર લઈ આવ્યા છે.” “કહો : અમારે શું કરવાનું છે?” “વાત એ છે કે, મારે હિસ્સે બાવીસ ગામો છે. મારી પાસે એક પણ સ્વયંસેવક નથી.” “શું નથી?” ‘સ્વયંસેવક' શબ્દમાં લોકો સમજ્યા નહીં. “કામ કરનારો નથી.” “પણ તમારે કરવું છે શું એ તો કહો ને!” “મારે બાવીસેય ગામમાં લોકોને ખબર પહોંચાડવા છે કે, કોઈએ જપ્તી થવા દેવી નહીં.” “પણ તેમાં સ્વયંસેવકોની શું જરૂઈર છે? અમે ઘરાંને (ઘરને) સવારથી તાળાં મારી દઈને ચાલ્યા જઈએ.” “પણ ભેંસોને?” “ભેંસોને મોરડા-દોરડા વગર છૂટી મૂકી દઈશું. પછી એ હાથ આવી રહી.” “અને, મહારાજ,” બીજાઓએ ટાઢા શબ્દો કહ્યા : “મોટાં મોટાં ગામ તોડી લાયા ને પત્તો લાગવા દીધો, તો ઘરની એક ઘંટીને સંતાડવામાં શી મોટી વાત બળી છે!” પછી તો ઘણાં લલકારી ઊઠ્યાં : “જોજો હાં, મહારાજની આબરૂનો આ સવાલ છે. આપણા ગામમાં મહારાજની આબરૂ નહિ જવા દઈએ.”