મારી લોકયાત્રા/૨૨. સાચો જીવતો ચંદ્રક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૨.

સાચો જીવતો ચંદ્રક

આવા દોહ્યલા આદિવાસી લોકસાહિત્યના સંશોધન અને સંપાદનથી મને શું લાધ્યું? આવો પ્રશ્ન સહેજે ઉદ્ભવે. આવા સમયે એક મહામના માહિતીદાતાનું સ્મરણ ચિત્તમાં ઊભરાય છે. સન ૧૯૮૭ના જાન્યુઆરી માસની આહ્લાદક બપોરે ‘ડુંગરી ભીલોના દેવિયાળાના અરેલા : નવલાખ દેવીઓ અને ક૨મીરો' પુસ્તક પ્રસિદ્ધ થયા પછી મારા માહિતીદાતા રાજાકાકાને આપવા અને ઋણસ્વીકાર કરવા પાંચમહુડા ગામ જઈ રહ્યો હતો. ચિત્ત શિશિરના રમ્ય વાતાવરણમાં ચાલવાના આનંદથી ઊભરાતું હતું. પહાડી પગદંડી વચ્ચે પડતું ‘બિલ્યાવાળું’ વહેળું ઓળંગીને આગળ ચાલ્યો ત્યારે એક પગે લંગડાતો શ્યામ વર્ણનો વૃદ્ધ ભીલ આદિવાસી સામે આવી રહ્યો હતો. મારા માહિતીદાતા ઘેર હોવાની ખાતરી કરવા પ્રશ્ન કર્યો, ‘કાકો રાઝો કેંર હેં?” (રાજાકાકા ઘેર છે?) પછી તેની સામે જોયું. અમે એકબીજાથી ઠગાયા હોઈએ એમ એકબીજાને નીરખતા અવાક્ બની ઊભા રહી ગયા! થોડીક ક્ષણો માટે તો શું બોલવું તેની પણ સૂઝ પડી નહીં. અંતે રાજાકાકા બોલ્યા, “પાઈ પગા થું?” (ભગાભાઈ તું) બંને પગદંડી વચ્ચે જ બેસી પડ્યા. બે વર્ષ પછી આજે ખેડબ્રહ્માથી ૧૫ કિ.મી. દૂર બિલ્યાવાળા વહેળાના કિનારે અમારો અણધાર્યો ભેટો થઈ ગયો હતો. આનંદના અતિરેકથી બંનેની આંખો ઊભરાઈ. અદકેરા વાત્સલ્યથી મારા વાંસે હાથ પસવારી પૂછ્યું, “કેં ઝાતો?” (ક્યાં જતો હતો?) “તનં મિળવા !” (તમને મળવા!) મેં કહ્યું. “અવણ ઉં તો અરેલા નહીં ગાઈ હકતો!” (હવે હું તો અરેલા ગાઈ શકતો નથી..!) આ પછી ચાર માસ પહેલાં તેમણે આવેલા લકવાના હુમલાની વાત કરી. મટોડા ગામના ડૉક્ટરની સારવારથી તેઓ સાજા થયા હતા પણ એક પગે ખોડ રહી ગઈ હતી. મેં તેઓએ ગાયેલા અરેલાનું પ્રસિદ્ધ થયેલું પુસ્તક થેલામાંથી કાઢીને હાથમાં આપ્યું. તેઓના મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યા, “આઈ આ! હા! હા! સૉપરી પર તો નખ્ખા ઉં સ હું ને! (ઓઈ મા...! ચોપડી પર તો અદ્દલ હું જ છું ને!)” રાજાકાકા પુસ્તકના મુખપૃષ્ઠને આશ્ચર્ય અને આનંદથી ફેરવી ફેરવીને જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, “માર સ ખોલરું હેં ને! ઉં સ હું ને! પેલો બેઠો હેં એંણો લખો હેં ને!” (મારું જ ઘર છે ને! હું જ છું ને! પેલો બેઠો છે તે લખો (સહાયક રાગિયો) છે ને!) તેઓ પુસ્તકના આવરણ પરની આકૃતિઓનાં નામ પાડવા લાગ્યા અને મારી આંખો તેઓના મુખ પર વ્યાપેલા અદકેરા આનંદને પીવા લાગી. રાજાકાકા પુસ્તક ખોલીને અક્ષરો જોવા લાગ્યા પણ નિરક્ષરતા નડી. થેલામાંથી બીજું પુસ્તક બહાર કાઢીને તેઓએ ગાયેલી પંક્તિઓ વાંચી સંભળાવી: નવી નવરાતનો દન આવો... બાઈઓ.. નવી નવરાતનો દન એ... ન આયો હેં. તેમણે ગાયેલી જ પંક્તિઓ પુસ્તકમાંથી સાંભળીને વૃદ્ધ ચહેરા પર ચૈતન્ય પ્રગટ્યું ! રાજાભાઈ ઉત્સાહિત થઈને આગળની પંક્તિઓ ગાવા લાગ્યા : સૂંડ નં સરાવટી વાત સોળ હેં... બાઈઓ.... હોનાના પારણે રમણાએ...ન લાગી હેં. હું તેઓના મુખ ઉપર વ્યાપેલા આનંદને માણતો હતો અને મારું ચિત્ત સંતોષથી ભર્યું-ભર્યું બનતું હતું. મને લાગ્યું કે હવે મારે કયા ચંદ્રકની અપેક્ષા રહી હતી! અનેક પેઢીઓની સંચિત કરી રાખેલી જેની મોંઘી મૂડી હતી તેને જ વ્યાજ સાથે પાછી મળી હતી અને મારી મહેનત આજે ફળદાયી બની હતી. થોડા સમયના વિરામ પછી અમે બંને ધીમે-ધીમે ચાલતા વાતો કરતા મટોડા આવ્યા. ડૉક્ટર પાસેથી રાજાકાકા માટે દવા લીધી. વિદાય વેળાએ બીજા મહત્ત્વના રાગિયા માટે સાત નકલો આપી. બે માસ પછી રાજાકાકા બીમાર પડ્યા હતા. થોડા દિવસોની માંદગી પછી તેઓને ફરીને લકવાનો હુમલો આવ્યો હતો અને ‘વેકુટપરી'ના વાસી થયા હતા. લૌકિક ક્રિયાઓ વખતે હું પાંચ-મહુડા ગામ ગયો. કુટુંબીજનોએ તેઓના જીવનનાં મીઠાં સંભારણાં કહ્યાં અને અમે શોકમગ્ન બન્યા. છેલ્લે રાજાભાઈના એક દીકરે મને કહ્યું, “પાઈ પગા (ભગા), થારી સૉપરી તો બા હોરીએ રાખી હદા હૂતો, માર સૈયો ઑંણી સૉપરી વાઁસતો ત્યેંર તો બા માઁદમાહી પૉણ ઊભો થતો નં કેંતો, સૉપરી હૉપળીન આહુય આવેં નં નાસુય આવે !” (“ભગાભાઈ, તારી ચોપડી તો બાપો ઓશીકે રાખીને સદાય સૂતો. મારો દીકરો આ ચોપડી વાંચતો ત્યારે તો બાપો માંદગીમાંથી પણ ઊભો થતો અને કહેતો કે ચોપડી સાંભળીને તો હસવુંયે આવે છે અને નાચવાનું મન પણ થાય છે!”) આ પ્રસંગે મને લાગ્યું કે વનના આ સમૃદ્ધ સાહિત્યનું સંકલન કરવામાં ખર્ચેલાં જીવનનાં થોડાંક વર્ષો સાર્થક થયાં છે.

***