મારી લોકયાત્રા/૨. કિશોર-તરુણકાળના લોકસંસ્કારો
૨.
સાતમું ધોરણ પસાર કરી અમે કિશોરો રજાઓનો આનંદ લૂંટવા ગામની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશનું ભ્રમણ કરતા. ભીખા અને મારા માટે ‘લોકે’ બાવળિયાની શૂળની ઉપમા યોજેલી. બાવિળયાની શૂળની જેમ શરીર જુદાં પણ આત્મા એક સ્થાને જોડાયેલો. કરસન પણ સાથે રહેતો. આથી અમને બીલીપત્રની પણ ઉપમા મળેલી. પાન ત્રણ દિશાએ જુદાં જુદાં પણ ડાંખળી એક. ડાહ્યો (ડાહ્યા ભગા પટેલ) પણ અમારો પરમ મિત્ર. વનભોજન કરતા ત્યારે ઘેરથી લોટો ભરીને ઘી ચોરી લાવતો. કાળીમા, ઘોડાલિયો અને ઊંડો કૂવો૨ જેવા ડુંગરો અમારે મન વત્સલ પિતા સમા. ૨જાના દિવસોમાં અમે એમના ચરણોમાં પહોંચી જતા. આ ડુંગરો અમને રાયણ, કરમદાં અને ટીમરુનાં ફળ ખાવા આપતા. કલકલ નિનાદ કરતાં ઝરણાંનું સંગીતભર્યું જળ પાતા. ગામના ગાંદરે આવેલા વડલે (અત્યારે આ વડલાનું નામનિશાન નથી) બધા ભેરુ વાતો કરતા બેઠા હોઈએ અને મધરાતે આ ડુંગરોની તળેટીમાં કલ્યાણસાગર તળાવ(ઈડરના રાજા કલ્યાણમલે આ તળાવ બંધાયેલું)ની રજત (રૂપા જેવી) રેતીમાં ‘હતુતુ' રમવાની અભિલાષા જાગે. કલ્યાણસાગરની જમીનના માલિક મૂલસિંહજી ઠાકોર સાહેબ. આ જમીનના રાત-દિવસના રખેવાળ ભાથીજી ઠાકરડા. પોલીસ જેવો પહેરવેશ. હાથમાં બંદૂક રાખે. અચૂક નિશાનબાજ. દશેરાના દિવસે મૂલસિંહજીએ ગોઠવેલા નિશાનબાજીના પર્વમાં તેમનું નિશાન વિજય પ્રાપ્ત કરે અને સન્માનમાં ઠાકોર સાહેબના હાથે રાઠોડી પાઘ પહેરે. એક મધરાતે ચાંદનીમાં કલ્યાણસાગ૨ની ૨જતરેત ૫૨ અમે મિત્રો ચડ્ડીભેર હતુતુ રમતા હતા. ડુંગરો અમારા આનંદના પડઘા પાડી પ્રત્યુત્તર પાઠવતા હતા. માંચડે સૂતેલા ભાથીજી અમારી કિલકારીઓથી એકાએક જાગી ગયા. ઊંઘમાંથી જાગેલું એમનું ચિત્ત વિચારવા લાગ્યું, “રાતના બારના સુમારે તો ભૂત જ રમત માંડે. માનવી ન હોય!” અને અમારી તરફ ઊડતાં ચકલાં પાડતી બંદૂક તાકવાને બદલે ભયના માર્યા બંદૂક છોડીને કાળીમાના ડુંગર તરફ ભાગવા લાગ્યા. “ભાથીકાકા અમે છીએ” કહી અમે એમની પાછળ અને તેઓ અમારી આગળ. એમ અમે અડધો કિલોમીટર દોડાવેલા. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી કરસન માધ્યમિક શિક્ષણ લઈ શકેલો નહીં. આર્થિક સ્થિતિ આડે આવેલી. કરસન ગામની સહકારી મંડળીનો કર્મચારી બનેલો. પરગજુ સ્વભાવને લીધે ગામમાં નામના મેળવેલી. ડાહ્યો થોડો સમય માધ્યમિક શાળાનાં દર્શન કરી ખેતીમાં જોતરાયેલો. કાળી મજૂરીને લીધે તેને ક્ષય થયેલો. ઘ૨માં જુવાન-જોધ પત્ની(હીરા)ને મૂકીને તેનો આત્મા જીવનના મધ્યાહ્ને જ ઊડી ગયેલો. કાળે ભીખા સિવાય મારા બધા જ ભેરુને અંકે કર્યા છે. (અત્યારે ભીખો પણ સ્વર્ગસ્થ) વચ્ચે હૃદયરોગના હુમલા(તા. ૧૮-૯-૨૦૦૫)ના લીધે મારા આત્માએ દેહમાંથી બહાર નીકળી પ્રકાશપુંજનાં દર્શન કર્યાં હતાં. અકથ્ય આનંદની વિરલ ક્ષણો હતી એ. આ દિવ્ય આનંદની અનુભૂતિ લિખિત શબ્દો કે વાણી વ્યક્ત કરવા અસમર્થ છે. આત્મા-રૂપી પ્રકાશે અસીમ પ્રકાશમાં ભળવાની ક્ષણોમાં જ પાછા ફરી પુનઃ દેહમાં પ્રવેશ કર્યો. અને હું પુનઃ ખારા સંસાર-સાગરમાં ગોથાં ખાવા લાગ્યો. બાપાને માધ્યમિક શાળામાં ભણાવવાની ભારે હોંશ હતી. મારા માટે બે જોડી નવાં કપડાં સિલાવ્યાં હતાં અને નવી પાટી-પેન લઈ આવ્યા હતા. આ સમયે બંનેને ખબર નહોતી કે હાઈસ્કૂલમાં પાટી-પેનથી નહીં પણ કાગળની નોટોમાં શાહીની પેનથી લખવાનો વ્યવહાર ચાલે છે. ભીખાને આર્થિક સગવડ થઈ શકી નહોતી. આથી એક અઠવાડિયું મોડો દાખલ થવાનો હતો. મારી અને ડાહ્યા જોઈતાની માધ્યમિક શાળામાં જવાની તૈયારીઓ ચાલતી હતી. માધ્યમિક શાળામાં દાખલ થવાના દિવસે બાએ અમને વહેલી સવારે ઉઠાડ્યા હતા. નાહી-ધોઈને નવાં વસ્ત્રો પહેરતાં અંગે-અંગમાં આનંદનો રોમાંચ થઈ આવ્યો હતો. બાએ ગૃહદેવતાનો દીવો કરી, કપાળમાં તિલક કર્યું હતું. અમી ઝરતી આંખે ગૉળ ખવડાવ્યો હતો. બાપા સાથે હિંમતનગર શહેર જોવાના આનંદમાં એક-બીજાંથી અલગ થવાની મારી કે બાની વેદનાને હું પામી શક્યો નહોતો. હિંમતનગર જવા માટે બસ મેળવવા બે કિલોમીટર ચાલવાનું હોઈ, ભાણપા તળાવે આવતાં જ બા અને પ્રકૃતિના અંકમાંથી વિચ્છેદ થઈ રહ્યાની તીવ્ર અનુભૂતિ થઈ આવી હતી. રજાના દિવસે આ તળાવે ઢોર ચારવા આવતાં અને બાળ સખા-સખી તળાવની પાળેથી પાણીમાં ભૂસકા મારી ભેગાં ‘અબૂલો-ઢબૂલો'ની રમત રમતાં. ઝાડ-ઝાંખરાંમાંથી ચીલુડા (ચોમાસામાં થતો ખાટો-મીઠો કંદ) શોધી એક-બીજાને ખવડાવતાં. ભેંસો ૫૨ બેસીને વર-વહુનો વરઘોડો કાઢતાં. ખેતરોમાંથી ચોરી લાવીને સમૂહમાં મગફળીનો ઓળો શેકી ખાતાં. આકાશના તારા જેવાં પોયણાં પાણીમાં ખીલતાં. પોયણાંની સ્મૃતિ સાથે પૂરા ચોમાસાનો પ્રાકૃતિક વૈભવ ચિત્તમાં મહેકવા લાગ્યો હતો. માતાની છત્રછાયામાંથી નીકળતાં થયું નહોતું તે દુ:ખ પ્રકૃતિથી વિખૂટા પડતાં થયું હતું અને પોયણી જેવી આંખોમાંથી પ્રકૃતિના સાંનિધ્યની સ્મૃતિ આંસુ બનીને વહેવા લાગી હતી. બીજા સોમવારે ભીખો પણ માધ્યમિક શાળામાં દાખલ થયો હતો. અમે પટેલ બૉર્ડિંગમાં રહેતા અને હિંમત હાઈસ્કૂલમાં ભણવા જતા. હિંમતનગરનું મૂળ નામ અમનગર હતું. અમદાવાદના અહમદશાહ બાદશાહે, પાણપુરના પથ્થરોની લાલચે વસાવેલું. પછી આ વિસ્તારમાં ઈડરના રાજપૂત રાજાનો પ્રભાવ પ્રસરેલો. છેલ્લા રાજા હિંમતસિંહે આ નગરને નવું નામ, હિંમતનગર આપેલું. હાઈસ્કૂલ પણ એમના નામે બંધાવેલી. દર શનિવારે ગાયને મળવા આતુર ભૂખ્યા વાછરડાની જેમ વતનની પ્રકૃતિને મળવા વછૂટતા. હાઈસ્કૂલ છૂટયા પછી બસ મળે નહીં તો ૧૨ કિલોમીટર ચાલીને વતનને મળતા. રવિવારની વહેલી સવારે તો કલ્યાણસાગરની પાળે પહોંચી જતા. કાળીમા, ઘોડાલિયો અને ઊંડા કૂવો૨નાં દર્શન કરતા ત્યારે શાતા થતી. મન ઝરણાની જેમ આનંદથી કલકલ કરી ઊઠતું! પ્રાથમિક શાળાનું બાળ-કિશોર મન ધીમે-ધીમે તરુણ-યુવાન બની રહ્યું હતું. જિજ્ઞાસા-સાહસ-સંશોધનવૃત્તિએ જોર પકડ્યું હતું. વડીલોની વાતોથી ભૂત જોવાની લાલસા જાગતી. અમારા એક કુટુંબી કાકા (વેણાકાકા) કહેતા કે પીઠી ચડેલી ગલબી પરણવાની અધૂરી વાસના લઈ સ્મશાન પાસે આવેલા જોઈતાભાઈ(મારી સાથે ભણતા ડાહ્યાના બાપા)ના કૂવામાં પડી હતી. તે ચુડેલ થઈ છે. બાર વાગ્યા પછી તે કૂવાના થાળામાં બેસે છે. માથું ધડ પરથી ઉતારી ખોળામાં મૂકે છે, અને વાળ સોનાના કાંસકે હોળે છે. પાછળ પોલા વાંસામાં આગ ભડભડ બળે છે. એમની વાતોથી અમને ચુડેલ જોવાની ઇચ્છા જાગેલી. અમારા પુરાણા મિત્રો કરસન અને ડાહ્યો ભયના માર્યા સાથે ન આવેલા. હું અને ભીખો રાતે એક વાગ્યા સુધી જોઈતાકાકાના કૂવા પાસે આવેલા લીમડા નીચે હાથમાં ધારિયું ને દાતરડું લઈને બેસી રહેલા. પાસે લોઢાનું હથિયાર હોય તો ભૂત-પલીત દર્શન દે પણ આપણા દેહમાં પ્રવેશે નહીં એવું પરંપરામાંથી લોકજ્ઞાન પ્રાપ્ત થયેલું. એક વાગ્યા સુધી ચુડેલ પ્રગટી નહીં. આથી બીજાં ભૂત જોવાની લાલચે અમે સ્મશાનમાં ગયેલા. સ્મશાન પાસે આવેલી ભાણપા તળાવની પાળે ચાર વાગ્યા સુધી બગધ્યાને બેઠેલા. અહીં પણ કોઈ ભૂતે દર્શન દીધાં નહીં. આથી ભૂતોની વાતો જૂઠી છે એવું તારણ કાઢી, ઘરવાળાં જાગે એ પહેલાં ખાટલે આવી સૂતેલા. મનમાં કેળવાયેલી આ નીડરતા અને સંશોધનવૃત્તિ આગળ જતાં આદિવાસી વિસ્તારમાં ફરવામાં ખૂબ કામ આવેલી. અનેક ભોપા(ભૂવા) ને મળીને મંત્ર-તંત્ર, ભૂત-પ્રેતની પુરાકથાઓ ઉપર ‘અરવલ્લી પહાડની આસ્થા’ અને ‘અરવલ્લીલોકની વહી-વાતો' પુસ્તકો સંપાદિત કરેલાં. કાળીમાનો ડુંગર વાઘનું રહેઠાણ હતું. નવરાત્રિના દિવસોમાં કાળીમા વિશે એક લોકવાયકા વહેતી થતી. કાળીમા ડુંગ૨ ૫૨થી નીચે ઊતરી વાઘની સવારીએ રમવા નીકળતાં. એક હાથમાં આગ પ્રગટતી અને બીજા હાથથી ખાંડું ખેલાવતાં. આંખમાંથી આગ ઝરતી અને મુખમાં લાલ જીભ લબકારા મારતી. વચ્ચે આવતાં પ્રાણીઓને ખાંડાથી કાપી ભોગ લેતાં. કલ્યાણસાગરની પાળે આવી જળમાં હાથ અને આંખ ઠારી સૌમ્ય બનતાં. આ સમયે કોઈ એમનાં દર્શન કરે તો બેડો પાર થાય. નવરાત્રિએ અમે દર્શન કરવા મોડી રાત સુધી અનુષ્ઠાન આદરેલું પણ એમનાં દર્શન થયેલાં નહીં અને અમારો બેડો-પાર પણ થયેલો નહીં. કાળીમાનાં તો નહીં પણ એક વાર એમની સવારી, વાઘનાં દર્શન થયેલાં. હિંમતનગરના મહારાજા દલજિતસિંહજી અને એમના પિતા હિંમતસિંહજીને વાઘ મારવાનો ભારે શોખ. રાજમહેલમાં મારેલા વાઘનું સંગ્રહાલય ઊભું કરેલું. પરાક્રમના પ્રતીકરૂપે મૂછે તાવ દેતી તસવીરો મૂકેલી. કાળીમાના ડુંગરમાં વાઘ મારવા આવે ત્યારે અમારા ગામના ઠાકોર સાહેબ મૂલસિંહજી અને પાસવાનો પણ જોતરાય. દિવસે એમના માણસો કાળીમાના ડુંગરની તળેટીમાં બકરો બાંધી માંચડો તૈયાર કરે. અજવાળી રાતે જીપ ભરેલા નિશાનબાજો સાથે મહારાજાની સવારી આવે. ગામ તરફથી નિશાનબાજ ભાથીજી અચૂક હાજર હોય. બંગલામાં શાહીં ભોજન લીધા પછી વાઘના ‘પરખંદા-મારંદા' પહાડોની તળેટીમાં બંદૂક લઈને સ્થળે-સ્થળે ગોઠવાઈ જાય. આવા એક પ્રસંગે મને અને ભીખાને વાઘ જોવાની મહેચ્છા જાગેલી. લપાતા-છુપાતા તેમની પાછળ ગયા અને તેમની દૃષ્ટિ ન પડે એવી એક ટેકરી પર આસન જમાવ્યું. વાઘ તો નિશાનબાજોની સહાયથી જ મરાય પણ મહારાજાના નામે ચડે! બકરા તરફ ત્રણ કલાકના ત્રાટકતપ પછી વાઘ ગુફાની બહાર આવી એક મોટી શિલા ૫૨ બેઠો. દીવા બળતી આંખે બકરાને જોવા લાગ્યો. આજુબાજુની હિલચાલને પણ નીરખવા લાગ્યો. ઊભો થઈ આળસ મરડી બકરા તરફ ત્રાટક્યો. ચારે બાજુથી ગોળીઓ વછૂટી. માંચડા પરથી નીચે પટકાતા ઘાયલ વાઘે ગગનભેદી દહાડ નાખી. અમારા દેહમાં નખ-શિખ ભય વ્યાપી ગયો. ભયાતુર ઊભા થઈ ભાગવા જતાં પગ લથડ્યા. ગોઠીમડાં ખાતા, વૃક્ષોની ડાળીઓ સહાતા, પડતા-આખડતા ઘર ભણી દોડવા લાગ્યા. ઢીંચણ-ખભા છોલાઈ ગયા હતા અને લોહી-લુહાણ હાલતે ઘેર પહોંચ્યા હતા. બીજા દિવસે મરેલા વાઘનું ફુલેકું જામળા ગામની શેરીમાં નીકળ્યું. મૂછે તાવ દેતા ભાથીકાકા જીપની સાથે ચાલતા હતા. મૂછો તો પૂરેપૂરી ઊગી નહોતી પણ મિત્રોને છોલાયેલા ઘૂંટણ બતાવતા વાઘ માર્યાના ગર્વનો આનંદ લૂંટતા અમેય ફુલેકામાં ફરતા હતા! આગળ જતાં મારી આ જિજ્ઞાસા-સાહસવૃત્તિ નક્કર સંશોધનમાં પરિણમેલી. સ્થાનિક ઇતિહાસ-સંસ્કૃતિમાં રસ જાગેલો. પીએચ.ડી.માં પુરાવસ્તુવિદ્યા વિષય પર આધારિત “ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ' ૫૨ સંશોધન મહાનિબંધ લખેલો. આ સમયે પ્રત્યક્ષ સ્થળ-તપાસ કરતાં દંતકથા અને ભૌતિક વસ્તુ આધારિત મારા વતનનો ઇતિહાસ પ્રાપ્ત થયેલો : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ૧૨ કિલોમીટ૨ દૂર ઈશાનકોણ ૫૨ અરવલ્લીની શિખરાવલીઓની તળેટીમાં જામળા ગામ વસેલું છે. પ્રાચીન કાળમાં આ ગામ જાંબુગઢ નામે પ્રખ્યાત હતું. ગામના ઉત્તર-ઈશાન ખૂણા પર કાળીમાતાની ડુંગરી આવેલી છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક છે. અહીંથી આ સંશોધકને ૭ હજા૨ વર્ષ પૂર્વકાલીન આદિમાનવનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ગામની દક્ષિણે જોગેશ્વર મહાદેવ અને પીઠઈ માતાનું સ્થાનક છે, જ્યાંથી ૪ હજાર વર્ષ પ્રાચીન લોહયુગના કિટ્ટા પ્રાપ્ત થયા છે. ગામની સીમમાંથી ગુપ્તયુગથી આરંભી સોલંકીયુગની મૂર્તિઓ, ૯ વાવો અને ૧૩ તળાવોના અવશેષો મળે છે. ગામની પૂર્વે નીલકંઠ મહાદેવ અને જૈન મંદિર આવેલાં છે. જૈન મંદિરમાં સોલંકી યુગના રાજા કુમારપાળના સમયની જૈન શૈલીની ચિત્રાવલી પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાએ સાપેશ્વર મહાદેવ અને ગાંદરે શયતાનસિંહજી ઠાકોરની પ્રતિમા આવેલી છે. ઈડરના રાજા દોલતસિંહજી વાઘના શિકારે ગયેલા. નિશાન ચૂકતાં વાઘે તેમના પર હુમલો કરેલો; પરંતુ શયતાનસિંહજીએ મોઢામાં પછેડી વીંટેલો હાથ નાખી તલવારના એક જ ઝાટકે વાઘનું માથું કાપીને રાણીજીના ચૂડાને અખંડ રાખેલો. રાજાના પ્રાણ બચતાં રાણીજીએ ખુશ થઈને પાંચ ગામ પુરસ્કારમાં આપેલાં. તેમાં જામળા ગામ પણ હતું. ગામની મધ્યમાં રામજી મંદિર આવેલું છે. ગામની દક્ષિણે શયતાનસિંહજીએ વસાવેલા શયતાનપુરા ગામની ડુંગરી પરથી આ સંશોધકને પાંચ હજાર વર્ષ પૂર્વકાલીન લઘુ પાષાણયુગનાં પ્રાગૈતિહાસિક ઓજારો પ્રાપ્ત થયાં છે. અરવલ્લીની શિખરાવલીઓની તળેટીમાં વસેલા આ ગામની પ્રાકૃતિક શોભા અનેરી હતી. ડુંગરો ઝરખ, વાઘ, નીલ ગાય, રોઝ જેવાં વન્ય પ્રાણીઓનાં આશ્રયસ્થાન અને વનૌષધીઓના ભંડાર હતા. અત્યારે તો શહેરની સડકો બનાવવાની લાયમાં પથ્થર કાઢવાના વિકસેલા વ્યવસાયે ડુંગરોને ખવાયેલા હાડપિંજર જેવા બનાવી દીધા છે. ગામમાં મારવાડના ઠાકોરની આણ પ્રવર્તે. જમીન-મહેસૂલ લેવાની એમની સત્તા. એમના સારા-માઠા પ્રસંગોએ ગામજનોને સાત કામ છોડીને વેઠ કરવા જવું પડે. છેલ્લા ઠાકોર મૂલસિંહજીને શિક્ષણમાં ૨સ. પ્રાથમિક શાળા બનાવવા જમીન ભેટ આપેલી. મારવાડી ઠાકોર એટલે ગામમાં હોળીના ઉત્સવની ભારે જાહોજલાલી. લોકો સોળે કળાએ ખીલી મન ભરીને આનંદ લૂંટે. બાજુમાં લીખી અને કઠવાડિયા ભાયતોનાં ગામ. અઠવાડિયા પહેલાં દારૂ પાડવા આવે. બંગલામાં દારૂની ભઠ્ઠીઓ ધમધમે. દારૂના હૉજ ભરાય. રાતે ઠાકોર આજુબાજુનાં ગામોને દાંડિયે હોળી રમવા આમંત્રે. રસિકજનો દર્શકોનું ધ્યાન આકર્ષવા વેલથી ભાત પાડીને આગમાં પકવેલા દાંડિયા લઈને આવે. ભોજનથી પ૨વારી રાતે નવ વાગે નગારે ડંકા પડે. કિશોરસિંહ પઢિયાર ગીત ઉપાડેઃ ગીગાના માથે ટોપી, ગીગો બઉ શ્યારો રે! પૂજાભાઈ પટેલ ગીતના લય પ્રમાણે જુદા-જુદા તાલે સવાર સુધી નગારું વગાડે. દારૂની છોળો ઊડે. આખી રાત ડાંડિયે રાસ ખેલાય. હિરણ્યકશિપુનો વેશ ભજવાય. ગામના ઠાકોરને જ હિરણ્યકશિપુને મારવાનો અધિકાર. મધ્યરાતે ઠાકોર નૃસિંહનું રૂપ લઈ હિરણ્યકશિપુને મારી લથડતા ચરણે રાણીવાસમાં પ્રવેશે. સવારમાં પાડા-યુદ્ધ ચાલે. બે પાડાને ‘ભુરેટા’ (ક્રોધિત) કરવામાં આવે. કાળાભાઈ પટેલ (અમારા કુટુંબીજન) પાડા લડાવી જાણે. ગાડાના આડે અલગ પાડી છોડી મૂકે. છીંકોટા મારતા પાડા બમણા વેગે ધસે અને સામસામે માથાં પછાડી શિંગડાં ભરાવે. કિકિયારીઓ પાડતા લોકો યુદ્ધખોર પ્રકૃતિને પોષે. સાંજના સમયે નવવધૂઓ દરબારમાં ગોઠ માગવા જાય. કુંવરો કેસૂડાંના જળે નવડાવે અને ગોઠમાં ગૉળ આપે. દસમા ધોરણથી અમારા ૫૨ ભણતરનો ભા૨ વધવા માંડ્યો હતો. હોળીનું પર્વ ચાલતું હતું. દાંડિયે રમવા ન જવાનો નિર્ણય મેં અને ભીખાએ કર્યો હતો. નિયમનો ભંગ કરે એણે રૂપિયો રોકડો દંડ પેટે ભરવાનો. મારા ઘરના પાછલા ખંડમાં નાખેલા રૂના ઢગલા પર અમે વાંચી રહ્યા હતા. રાતે નવ વાગે નગારે ડંકા પડવા લાગ્યા. દાંડિયાના ખેલંદાઓની આનંદની કિકિઆરીઓ માણતા ભીખાના મને બંડ પોકાર્યું. લઘુશંકાના બહાને સમી સાંજે ધૂળમાં સંતાડેલા દાંડિયા લઈને હોળીના સ્થાને ભાગ્યો. બીજા દિવસે વટ સાથે રૂપિયો દંડ ભર્યો. ગઈ રાતની દાંડિયા રમવાની મારી અધૂરી રહેલી વાસના, રૂપિયાનાં ધાણી-ખજૂર ખાતાં-ખાતાં ભીખા પાસેથી વાત સાંભળીને સંતોષી. બાપા સત્યના આગ્રહી. ગામમાં કોઈ સામાજિક સમસ્યા ઊભી થાય અને પંચોથી નિવેડો ન આવે તો સત્ય વદવા બાપાને બોલાવે. તેમનો ન્યાય સૌને સ્વીકાર્ય. નીડર પણ ખરા. ગામના ઠાકોરે ગૌચરની જમીન કબજે કરી, ખેડાવેલી. એમણે ગામ વતી ઠાકોર સામે કોર્ટમાં કેસ દાખલ કરેલો. ઠાકોર સામે જીતેલા. આ પછી ઠાકોર પણ કોઈ રાજકીય-સામાજિક સમસ્યા જાગે ત્યારે તેમની સલાહ લેવા બંગલે બોલાવે. દાદા મોતીભાઈ અને બાપા નિર્વ્યસની. આ પરંપરા અમારી ચાર પેઢી - મારા દીકરા અમિત સુધી અકબંધ રહી છે. નિર્વ્યસન બાબતે મારા બાપાનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. ખાતર નાખવા જતાં ગાડે જોડેલા અમારા શામળિયા બળદને ટ્રકથી અકસ્માત નડેલો મારા કાકાના દીકરા દવાભાઈએ માલિશ કરીને બળદને થોડોક દારૂ પાયો. બાપાને બીજા દિવસે સમાચાર મળ્યા. એમને ભારે આઘાત લાગ્યો. મુખ પર પુણ્ય પ્રકોપ પ્રગટ્યો, “આંગણે દારૂ પીધેલો બળદ ન જોઈએ!” એમને મન શામળિયો શામળા (શ્રીકૃષ્ણ) જેટલો વહાલો હતો પણ ત્યારથી બાપાએ હાથ સુધ્ધાં અડાડ્યો નહીં. એને વેચી માર્યો ત્યારે મનને શાતા મળી. બાપાના જીવનના આ પ્રસંગે મને નિર્વ્યસની રહેવામાં ભારે મદદ કરી છે. બે વાર વિદેશયાત્રા કરી છે. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સ્પેન, બેલ્જિયમ, નેધરલૅન્ડ ફર્યો છું. ભોજનમાં ઊંચી જાતનો દારૂ પીરસાય. મોટા ભાગના મારા સાથીઓએ ‘ટેસ્ટ’ કર્યો છે પણ બાપાના આ પ્રસંગે મને દારૂ પીતાં બચાવ્યો છે. આગળ જતાં લોકસાહિત્યનું સંશોધન કરવા આદિવાસી વિસ્તારોમાં ફર્યો છું. અનેક રાત્રિરોકાણ કર્યાં છે. દારૂના પીઠ પાસે બેસીને સંશોધનો કર્યાં છે. પીવાનું તો ઠીક પણ નાહવું હોય તો દારૂનાં પીપનાં પીપ મળે એવી સગવડ હોવા છતાં દારૂ પીવાની ક્યારેય ઇચ્છા થઈ નથી. આ સંસ્કારો મારા ચિત્તમાં કાયમ માટે રૂઢ થયા છે. અમારી બાજુનું ગામ કઠવાડિયા ભાયાતોનું. નશાબાજોનું પિયર. દારૂનો મોટો ઉદ્યોગ ચાલે. ગામનું જીવન દારૂ પર નભે. આ ગામમાં ખખડધજ સૂકો બાળવિયો વેચાતો રાખેલો. ગાડે ચડાવવા માટે ગામવાળા દારૂ પીવાના પૈસા માગે. અમારા ગામની કોઈ વ્યક્તિને એમની સીમામાં પ્રવેશવા માટે મનાઈ હુકમ. બાવિળયો ઊધઈનું ભોજન બન્યો. પણ મેં દારૂના પૈસા ન આપ્યા તે ન જ આપ્યા! ગામમાં જૈન વાણિયાનાં બે ઘર. એક દિગંબર, બીજું શ્વેતાંબર. ગામમાં દિગંબર સાધુ આવે ત્યારે પૂરું ગામ એમને ગાળો દે. બેસતા વર્ષના દિવસે એ જ ગામજનો ડુંગરોની મધ્યમાં આવેલા જૈન દેરાસરમાં ધજા ચડાવવા જાય. આ પછી રામજી મંદિરમાં ધજા-મહોત્સવ ચાલે. એક પણ જૈન વાણિયો ફરકે નહીં. રાજકીય ક્ષેત્રે ઠાકોરની તો આર્થિક ક્ષેત્રે બે વાણિયાની આણ ફરકે. આખું ગામ એમનું દેવાદાર, નવા વરસે દરબારમાં જતાં પહેલાં એમને મળવા જવું પડે. બાપામાં પરંપરાના પિતૃસત્તાક સંસ્કારો નખ-શિખ. ઘરમાં એમની સત્તા. અન્યાય સામે રૌદ્ર રૂપ ધારણ કરે. પણ વાણિયાના ઘેર વ્યાજવા પૈસા લેવા જાય ત્યારે ઓશિયાળા બની જાય. બા-બાપા અતિથિસત્કાર માટે શૂરાં-પૂરાં. વર્ષના મોટા ભાગના દિવસોમાં ઓસરી-આંગણું મહેમાનોથી શોભી ઊઠે. ગામ-પરગામની વાતો વચ્ચે મહેમાનોની સેવાચાકરી ચાલે. બાનું હંમેશનું જીવનદર્શન, “ઘરમાં બીજાને ખવડાવેલો રોટલો બહાર મળે.” ચાર ચોપડી ભણેલા બાપા શ્રાવણ માસમાં ‘ઓખાહરણ’, ‘શિવપુરાણ’, ‘રામાયણ' જેવા ધાર્મિક ગ્રંથો વાંચે-વંચાવે. ઘર લોકસમુદાયથી ભર્યું રહે અને મારો વારતા-૨સ પોષાય. બાપા સ્વભાવે પરગજુ. દૂરના કુટુંબમાં પણ કોઈ સભ્ય બીમાર પડે તો શહે૨માં લઈ જવા બાપાને આમંત્રણ પાઠવે. કહે, “અમે તો અભણ. અભણ ને આંધળું બરોબર. તમે ભણેલા, દેખતા. તમે લઈને જાઓ.” બાપા સ્વખર્ચે બીમાર વ્યક્તિની સેવામાં જોતરાય. બાપાને ફૂલો નીરખવાનો ભારે શોખ. એક ખેતરમાં સાત ધાન્ય સાથે વવડાવે. જુદા-જુદા પ્રકારનાં ફૂલ આવે ત્યારે ટીંબે ચડી કલાકો સુધી નીરખ્યા કરે. પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવાનો આ ગુણ મને વારસામાં મળેલો. અમારા ખેતરમાં ફૂલો પાકે પણ અનાજ ખાસ પાકે નહીં. બધા જ પ્રકારનું થોડું થોડું હોય. એટલે ખાઈ શકીએ પણ વેચી શકીએ એટલા પ્રમાણમાં એક પણ અનાજ પાકે નહીં. જુદું-જુદું અનાજ લેવામાં પણ ભારે ઝંઝટ ઊભી થાય. આથી અમારા ઘેર પગારદાર ખેડુ રહે પણ ખેતીનો ભાગિયો (ભાગીદાર) રહે નહીં. ૨હે તો ફૂલોની શોભા અને સુગંધ સિવાય ખાસ કંઈ મળે નહીં. બા-બાપાના આવા માનવોચિત ગુણો ખેતીના કામ માટે બાધક નીવડ્યા હતા. ગામના પટેલોની સરખામણીમાં સૌથી વધુ જમીન (૪૫ વીઘાં) હોવા છતાં અમારી આર્થિક સ્થિતિ કથળતી ચાલી હતી. હાઈસ્કૂલમાં હોંશે-હોંશે ભણવા મૂકવા આવેલા બાપા મારું માધ્યમિક શિક્ષણ પૂરું થતાંમાં તો આર્થિક રીતે થાકી ગયા હતા. આવા સંજોગોમાં હવે મને કૉલેજમાં ભણવાના કોડ જાગવા માંડ્યા હતા. મારા સાળા(એ પણ નામે ભગવાનદાસ)ને કૉલેજમાં ભણાવવાની વાતો ચાલતી હતી. આથી મને કૉલેજમાં ભણવાની બમણા વેગે ચાનક ચડી હતી. ઘરમાં તો ‘ખીસામાં કોડી અને ઊભા બજારે દોડી!’ જેવી આર્થિક સ્થિતિ હતી. કૉલેજની ફી ભરવાની ત્રેવડ ન હોવાથી બાપા મને સમજાવતા હતા, “મૅટ્રિક (જૂની એસ.એસ.સી.) ભણ્યો એ તો ઘણું ભણ્યો. આખા ગામમાં તું અને જોઈતાનો ડાહ્યો મૅટ્રિક પાસ છો. ઘરમાં તો તું એકલો છે. બહેન તો પરણીને સાસરે જશે. જમીન ઘણી છે. ખેતી કરાવવામાં ધ્યાન આપ.” બાપાની સલાહ ગળે ઊતરી નહોતી. હું કૉલેજની ફી ભરવાનો માર્ગ કાઢવા ગઢોડા ગામે મારા બાપાની ફોઈના ભત્રીજા લખાભાઈના ઘેર ગયો હતો. પાંચ ચોપડી ભણીને એમણે દુકાન માંડી હતી. બે દિવસ એમના ઘેર રોકાયો પણ ફીના રૂપિયા ઉછીના માગવા જીભ ઊપડી નહીં. ત્રીજા દિવસે સવારે એમની સાથે દુકાને ગયો ત્યારે એમને મારા આટલા દિવસના રોકાણ માટે સંશય જાગ્યો. પૂછ્યું, “બાબુ, તું આટલા દિવસ રોકાય નહીં. બાપા વઢ્યા છે? ઘેરથી રિસાઈને આવ્યો છે?” એ સમયે કંઈ વાંકના કારણે માર પડે તો રિસાઈને સગા-વહાલે ચાલી જવાનો ચાલ. બા-બાપાના વાત્સલ્યભર્યા સ્વભાવને લીધે મારી નાની બહેન ચંચી કે મારે આવો પ્રસંગ ક્યારેય બન્યો નથી. આ પરંપરા મેં મારાં ત્રણ સંતાનો જિજ્ઞાસા, જાગૃતિ અને અમિત માટે પણ સાચવી છે. અને મારા પુત્ર અમિતે તેનાં બે સંતાનો મહર્ષ અને માનુ (પુત્રી) માટે આગળ ચલાવી છે. મેં રિસાઈને આવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી થોથવાતી જીભે આવવાનું પ્રયોજન કહ્યું. એમણે ઠપકો આપતાં કહ્યું, “વહેલા ના બોલીએ? આ તારી નજર આગળ તો ખેડુને પૈસા ગણી આપ્યા. ઘેર દીકરીનું લગ્ન છે અને કાલનો મારો જીવ ખાતો હતો. હવે આજનો દિવસ રોકાઈ જા. સાંજે જે વકરો આવશે એ તને આપીશ.” સાંજે લખાભાઈએ વકરામાંથી સો રૂપિયા આપ્યા. એ સમયે અમારા ઘર માટે સો રૂપિયા એ મોટી રકમ હતી. લખાભાઈએ ઉછીના આપેલા સો રૂપિયાએ મારું જીવન બનાવ્યું. શિક્ષકની મારી સર્વિસમાં ફી વિનાના વિદ્યાર્થીની ફી ભરવા માટે મન સદા ઉત્સુક રહ્યું છે અને લખાભાઈનું ચડેલું ઋણ ફેડ્યું છે.