મારી લોકયાત્રા/૪. બળદની શોધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪.

બળદની શોધ


બાળપણનું પહાડો-પ્રકૃતિનું આકર્ષણ ઢળતા આયખા સુધી ટકી રહ્યું છે. ૧૯૭૦માં શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે પ્રાતઃકાળે પહાડનાં દર્શન થાય એવા સ્થાને ભાડાનું ઘર રાખેલું. વેતન મળતું હતું. પગભર થયો હતો. આથી ઘરની આર્થિક જવાબદારી ધીમેધીમે શિરે લેવા લાગ્યો હતો. ચૈત્ર માસમાં ખેડબ્રહ્મા–અંબાજીના મેળામાં કટિ નીચે પહેરેલા ચણિયા પર એક બાજુ ખોસેલું ટીલડીઓવાળું ઓઢણું ઓઢેલી અને ગોઠિયાનાં ગીતો ગાતી ઠાકરડા કોમની સ્ત્રીઓને અમે બહારથી આવેલા શિક્ષકો આદિવાસી તરીકે ઓળખતા હતા. આ પછી વર્ષા ટાણે ખુલ્લા ડિલે ફક્ત ધોતિયું પહેરેલા, ઋષિકુમાર જેવા લાગતા તલવારધારી વર અને પીઠી ચડેલી, પાનેતર પહેરી ખુલ્લા સ્તને સહજ ભાવે ખેડબ્રહ્માના બજારમાં ફરતી ભીલ-કન્યાને કૌતુકવશ જોતા અમે એમને આદિવાસી તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયે મારા ચિત્તમાં આદિવાસી વિશેનો કોઈ સાચો સંદર્ભ સ્પષ્ટ નહોતો. આદિવાસી પ્રદેશ કે આદિવાસી સાથે કોઈ સંબંધ નહીં પણ ખેડૂતનું સંતાન હોવાથી ૧૯૭૫માં અરવલ્લી પહાડી પ્રદેશમાં બળદ ખરીદવા ગયેલો. ખેડબ્રહ્માથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ખેડવા ગામે મને મૂકીને બસ ચાલી ગઈ ત્યારે વનમાં અવાચક એકલો ઊભેલો જોઈને એક અજાણ્યો આદિવાસી મારી વેદના પામી ગયેલો. ગ્રીષ્મના ધખતા ધોમમાં તેના ઘેર લઈ ગયેલો. પીપળની છાયામાં જૂની ખાટલી ૫૨ નવી-નકોર રજાઈ પાથરી મને બેસાડીને કોરી માટલીના શીતળ જળથી તૃષા શાંત કરી, નયનોમાં નરદમ નીતરતા નેહ સાથે સૂંડલો ભરીને મીઠાં ટીમરુ ખાવા આપેલાં ત્યારે મને શબરીની યાદ આવેલી અને મારા ચિત્તમાં રામે ૧૪ વર્ષ વનવાસ કેમ વેઠેલો તેનું રહસ્ય ખૂલેલું. પહાડમાં વસતા આદિવાસી સાથેનો મારો આ પ્રથમ પરિચય. બળદ ખેડવા ગામે મળ્યો નહોતો. ત્યારે બીજા રવિવારે મારા શેઠ કે.ટી. હાઈસ્કૂલના સહકાર્યકર અને મારા પરમ મિત્ર ગણપત પરમાર સાથે પોશીના પાસેના ચંદ્રાણા ગામમાં બળદ નક્કી કરી રાતવાસો ગામમાં જ પસાર કરવો પડેલો. ઘરમાલિક ઝાલાની બાયડી(પત્ની) આખી રાત બળદ પાસે બેસીને ઘાસ નીરતી રહી અને અબોલ પ્રાણી સાથે વાતો કરતી રહી. આ સમયે ભીલી બોલીથી અજાણ હોવા છતાં જે થોડુંક સમજ્યો હતો તે શબ્દો કંઈક આવા હતા, “આજે તો અહીં છે પણ કાલે ક્યાં હોઈશ? તું મરે તોપણ તારાં હાડકાંયે જોઈ શકીશ નહીં એટલો દૂર જતો રહેવાનો મારા ધોળા ધોરી! જ્યાં જાય ત્યાં સુખી થજે અને કુશળ રહેજે!” સવારે ઘરમાલિકે ખીલેથી બળદ છોડ્યો ત્યારે અગમ્ય દિશા તરફ જતા જીવન-આધાર સમા બળદને જોતું આખું ખોલરું ચૂતું'તું! (ઘરનો દરેક સભ્ય રડતો હતો!) અમને લાગ્યું કે બળદ ખરીદીને જતા નહોતા પણ તેના આંગણાની શોભા લઈને જતા હતા! કહો કે તેનો જીવન-અંશ ઉત૨ડીને જતા હતા!

***