મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/રોહિણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રોહિણી
[૧]

આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો. તે છતાં રણજિતે હજુ પ્લૅટફૉર્મ છોડ્યું નહોતું. કદાચ રસ્તામાં કંઈક ભાંગતૂટ થાય, ને ગાડી પાછી ધકેલાતી સ્ટેશનમાં આવે: એવી અશક્ય આશા એને પોતાને પણ અગોચર રહી એના મનના ઊંડાણમાં લહેરાતી હશે. સ્ટેશનના ફેરીવાળા અને પહેરાવાળાઓએ નવરા પડી, હથેળીમાં જરદાની ચપટી જોડે ચૂનો ચોળી જ્યારે તાળોટા માર્યા, ત્યારે જ રણજિત ધ્યાનભંગ થયો. પેલાઓના તાળોટા તો જરદામાંથી વધારાનો ચૂનો ઉડાડી નાખવા પૂરતા જ હતા, પણ રણજિતને લાગ્યું કે કોઈક પોતાની ઠેકડી કરી રહેલ છે, નક્કી કોઈકે એની અને રોહિણીની પ્રેમચેષષ્ટાઓ નિહાળી લીધી છે. “સા... તમામ માણસો મવાલી જ બની ગયા!” એવી એક ટીકાનું તીર દુનિયા પર ફેંકતો એ પ્લૅટફૉર્મ બહાર નીકળ્યો. તારના રેઇલિંગ ઉપર એક મજૂર છોકરી અને તેના જ જેવો મેલોઘેલો જુવાન ઊભાંઊભાં ફક્ત હાથનાં આંગળાં જ ચોરીછૂપીથી અડકાવીને હસીહસી વાતો કરતાં હતાં, તે તરફ રણજિત તીરછી નજરે તાકી રહ્યો. જતાંજતાં એણે બે-ચાર વાર પાછળ નજર નાખી એક ક્ષણ એને યાદ આવ્યું કે આખી દુનિયાને મવાલી કહેનાર હું પોતે શું કરું છું! મનથી ને મનથી પોતે જવાબ મેળવ્યો: ‘હું તો જગતનું નિરીક્ષણ કરું છું. મારે તો એમાંથી મજૂર-જીવનની એકાદ કરુણ સ્નેહકથા દોરવી છે. બાકી તો, આવાં કંગાળ કદરૂપોની ચેષ્ટામાં શું બળ્યું છે કે મારા જેવાને રસ પડી શકે! મારે તો હવે શી કમીના રહી છે...’ પાછો તાંતણો પેલી ચાલી ગયેલી આગગાડી જોડે સંધાઈ ગયો. એક જ દિવસની ઓચિંતી મુલાકાતમાં, એક કલાકની ટૂંકી ટ્રેઇન-યાત્રામાં, પોતે એક ખૂબસૂરત અને સંસ્કારી સ્ત્રીનું હૃદય જીતી લાવ્યો છે એ વિષે તો હવે તેને કશી જ શંકા રહી નહોતી. જીવનમાં પહેલી જ વાર એને વિજયનો અવસર સાંપડ્યો; એકધારી અને વિશિષ્ટતા વિનાની એ ફિક્કીફસ સંસારલીલામાં પોતાને ગર્વ કરવા જેવું, નવીનતાનો આઘાત આપનારું ને ફિક્કાશમાં ગુલાબની લાલી ભરનારું એક સ્વપ્ન લાધ્યું: એણે એક સ્ત્રી-હૃદયને જીત્યું હતું. રોજ પગપાળો ચાલતો હતો તેને બદલે આજે એણે ઘોડાગાડી ભાડે કરી. રસ્તામાં એક હાટડી પરથી મસાલેદાર પાન કરાવતાં કરાવતાં એણે પાનવાળાના મોટા અરીસામાં પોતાનું મોં એક મુગ્ધ માનવીની છટાથી ધારીધારીને નિહાળ્યું. તે દિવસે પહેલી જ વાર એને ભાન થયું કે પોતે બબ્બે દા’ડે હજામત કરે છે! આજે પોતાની અણબોડી રહેલી દાઢીની એને શરમ ઊપજી. દાઢી ઉપરથી એને પોતાની પરણેલી પત્ની તારા યાદ આવી... તારાને મેં કેટલી વાર કહ્યું છે કે મારે માટે ગરમ પાણીની વાટકી અને હજામતનો સામાન હંમેશાં તૈયાર જ રાખવો! પણ એનો સ્વભાવ ભૂલકણો છે; એ તો સવારથી જ ચંચીને કડવાણી પાવામાં ને ભૂપલાનાં ફાટેલાં ચડ્ડી-પહેરણ સાંધવામાં પડી જાય છે. તારાને શી પડી છે મારી! એને મારો ચહેરો સારો હોય કે નરસો તેની શી ખેવના હોય! પટ-પટ-પટ અવાજ કરતા ઘોડાના ડાબલા રણજિતની આ વિચારસરણીને જાણે કે થાબડી રહ્યા હતા. પોતે ઘેર પહોંચ્યો તેટલા વખતમાં તો રણજિતને એક તારતમ્ય જડી ગયું હતું કે: મારી પત્ની તારા મને ચાહતી નથી, મારા મન જોડે તારાના મનને કશો જ મેળ નથી; એણે તો એનાં છોકરાં અને એના રસોડાની જ નિરાળી સૃષ્ટિ વસાવી લીધી છે, એ સૃષ્ટિમાં જ એ મસ્ત છે; રઝળી પડ્યો છું ફક્ત હું જ. છેલ્લાં પાંચ વર્ષોના જીવનપટ ઘૂમી વળેલા એના હૃદયને પ્રત્યેક વિચાર માર્ગેથી એક જ મુકામ મળી આવ્યું કે તારા મને ચાહતી નથી, મને એ સમજતી નથી, અમારે કશો જીવન-મેળ નથી. જીવનના એક વિરાટ પ્રશ્ન ઉપર આવો સ્વચ્છ વિચાર કરવાની શાંતિભરી અનુકૂળતા આપનાર ગાડીવાનને એણે એક આનો વધારાનો ચૂકવ્યો.

[૨]

“વેણી લો... વેણી!” એક બાઈનો અવાજ સંભળાયો. રણજિત એ ફૂલવાળીના કરંડિયા પર નમ્યો. એણે એક બેવડ ગુચ્છની ફૂલવેણી લીધી. વેણીની કળીએ પોતાના મનની એક દલીલ પોતે લખતો હતો: તારા છો મને ન ચાહતી, હું તો એને ચાહું જ છું; તેથી તો આ વેણી લઈ જાઉં છું. પણ અરેરે! તારાને વેણી પહેરવા જેવડો ઘાટો અંબોડો જ ક્યાં છે? દરેક સુવાવડ પછી એના ઢગલાબંધ વાળ ખરી જાય છે; ને એને તો વાળ સાચવવાની તમા જ ક્યાં છે! વેણીને શોભાવે તેવો અંબોડો તો ત્યાં રહ્યો રેલગાડીના ડબ્બામાં. સંધ્યાના દીવા ઘરઘરની બારીમાંથી અંધારાને ધકાવતા હતા. ખીજે બળતો પવન આંકડી વિનાનાં બારીબારણાંને અફળાવી દીવાલોનાં ચૂનો-કાંકરી ખેરતો હતો. રસ્તો ભૂલેલું એક ચકલું ઘરમાં અટવાઈ જઈ તેજમાં અંજાયેલી આંખે બારીના સળિયા જોડે પાંખો પટકતું હતું. બારણું ઉઘાડતાં જ રણજિતે જોયું તો તારાની બગલમાં કમર પર, ગરમ પાણીની કોથળી દબાયેલી હતી ને એના વાળ વણઓળેલા, વીંખાયેલા પંખી-માળાનાં તણખલાં જેવા, જાણે લમણાંની જોડે ચોંટી રહ્યા હતા. અંદર જઈને રણજિતે ટેબલ પર વેણીનું લીલું પડીકું પછાડ્યું. એ દેખીતા સંતાપમાંથી એક દલીલે આકાર ધારણ કર્યો: કુદરતી સ્નેહ જ નથી; એટલે જ મારાં ફૂલોની આ વલે થાય છે ને! એમાં એનો બાપડીનો દોષ શો કાઢું! અમારો યોગ જ કુયોગ છે. જેવું તેવું વાળુ જમીને રણજિતે પથારીઓ પાથરી. તારાને એણે ફરીવાર સ્ટવ પેટાવી શેકની કોથળીમાં ગરમ પાણી ભરી દીધું. ને પછી પોતે ભૂપલાને ઉંઘાડવા મંડ્યો. ઉઘાડા બરડા પર પિતાના હાથની મીઠી ખૂજલી માણતો ભૂપલો ઝોલે જતો જતો બોલતો હતો કે — “બાપુ! આજે અમાલે લઝા પલી’ટી.” “કેમ, આજે મંગળવારે શાની રજા?” “અમાલા એક માસ્તલ ગુજલી ગયા. કેવી મઝા! લોજ લોજ એક એક માસ્તલ ગુજલી જાય તો લોજ લોજ લજા પલે ખલું, બાપુ!” “અરે, ગાંડિયા! માસ્તરો તે કેટલાક છે? એમ થાય તોય થોડાક જ દિવસમાં રજાઓ ખૂટી જશે!” “પન પછી પછી માસ્તલની બા (અર્થાત્ બૈરી) લોજ લોજ મલે તો લજા ન પલે, હેં બાપુ, ન પલે, હેં બાપુ!” અનંત રજાઓનાં એવાં ગુલાબી સ્વપ્નમાં ભૂપલો ઢળી પડ્યો. પછી રણજિતે તારાને ગોદમાં ચાંપી પણ એમાં સ્વાદ નહોતો. તારાના શરીર પર હાથ પસવારતાં ઘણીઘણી પ્રેમકવિતાઓ એણે સંભારી જોઈ; ચિત્રપટોમાં નીરખેલાં અનેક મદીલાં, ભિન્નભિન્ન મરોડવાળાં સ્નેહાલિંગનોને એણે યાદ કરી જોયા; પણ તારાના ખોળિયામાંથી કશો જ તનમનાટ પ્રજ્જ્વલ્યો નહિ. ઘડીભર રણજિતને એવો ભ્રમ થયો કે પોતે કોઈ શબને ઝાલ્યું હતું. તારાને છોડી દઈને એકલા પડ્યાં પડ્યાં રણજિતે એ દિવસની ઘટનાના મણકા ફેરવવા માંડ્યા... શું બન્યું હતું? કોણ હતી એ? વિધાતા એના ને મારા જીવનના વાણાતાણા વડે શી નવી ચાદર વણી રહ્યો હશે! સતાંસૂતાં એનાં અંત:ચક્ષુનો કૅમેરા ભૂતકાળ તરફ ખેંચાતો ગયો.... ‘કડડ...ધબ!’ ભૂતકાળની પહેલી જ સ્મૃતિમાંથી એક અવાજ ઊઠ્યો; પાંચેક વર્ષ પહેલાંનો પડદો ઊઘડ્યો... એ અવાજ હતો એક બાઈસિકલના પછડાટનો અને સાઇકલ પર બેઠેલ આદમીના લઠ્ઠ કલેવરની પ્રચંડ જમીનદોસ્તીનો. રોહિણીને રણજિતે તે દિવસ પહેલી જ વાર એના અવિજેય, દુર્દામ ચંડીરૂપે દીઠેલી. કૉલેજમાંથી મોડી સાંજે પરવારીને રોહિણી સાઈકલ પર ઘેર જતી હતી. ‘સરદાર બાગ’ના ખૂણા પર વળાંક લેતી વેળા એક બીજી સાઇકલ એની બાજુએ લગોલગ આવી ગઈ; સંધ્યાના ભૂખરા ઉજાસનો અને એકાંતનો લાભ લઈ સાઇકલના અસવારે રોહિણીના ગળા પર હાથ નાખ્યો... રોહિણીએ એને ધક્કો મારી સડકની ફરસબંધી પર ચત્તોપાટ પટક્યો ને પછી એ ગંભીર ઈજા પામેલા મૂર્ચ્છિત માણસને ગાડી કરી ઇસ્પિતાલે પણ રોહિણીએ જ પહોંચાડ્યો. રણજિત વગેરે બે-ત્રણ જણાં ત્યાં ફરતા હતા. સહુએ કહ્યું કે આ બાબત રોહિણી ફરિયાદ કરે તો અમે એના સાક્ષીઓ થશું. રોહિણીએ જવાબ આપેલો કે “ફરિયાદ તો એને માર પડ્યો છે માટે એ કરશે. ને હું ઇચ્છું છું કે તમે, એના જાતભાઈઓ તરીકે, એને જ પક્ષે સાક્ષી પૂરજો. તમે બધા કંઈ એનાથી જુદા નથી — તમારી પોતપોતાની સ્ત્રીઓને પૂછી જોજો.” એમ કહીને એ કડવું હાસ્ય કરતી પોતાની સાઇકલ દોડાવી ગઈ હતી. ભૂતકાળની સ્મૃતિનું બીજું પડ ભેદાયું... કૉલેજના વર્ગો શરૂ થયા છે, પણ એક આળસુ અધ્યાપક હજુ આવેલ નથી. બસો છોકરાના ગણગણાટ થંભી ગયા; ચારસો આંખોએ જોયું કે રોહિણી પ્રોફેસરની બેઠક ઉપર જઈ ઊભી છે, ને એક ચિઠ્ઠી હવામાં ફરકાવતી ફરકાવતી આખા વર્ગને સંબોધી રહી છે: “આજે સવારે મને આ ચિઠ્ઠી મળી છે. એમાં મારા પર લખાઈ આવેલ છે કે — હું તારી જોડે ફરવા આવવા આતુર છું: મને તારો સાથ નહિ આપે? મારા દિલમાં બીજું કંઈ નથી — એક વાર તારી જોડે ફરવાની ઝંખના છે. લિ. તારા સ્નેહનો તરસ્યો...” ચિઠ્ઠી વાંચીને પછી એણે એ નિ:શબ્દ વિદ્યાર્થી-સમુદાય તરફ મોં મલકાવ્યું, ને કહ્યું: “લખનારને હું અહીં જ જવાબ આપું છું કે જરૂર, હું તારી જોડે ફરવા આવું. તમે સૌ યુવાનો છો. હું પણ યુવતી છું. તમને કોઈને મારી જોડે ફરવા મન થાય એમાં પાપ નથી. શરમ નથી. તમે માગણી કરો તો હું સુખેથી તમારી માગણીનો વિચાર કરું; હા કહું કે ના કહું. પણ આ નામ છુપાવવાની નામર્દાઈ શા માટે? નનામી માગણી કરનાર કાયર પોતાની જાતે જ પોતાનો તિરસ્કાર કરાવે છે. મારી જોડે ફરવા આવનારને જો પ્રગટ થવું નથી, તો એનો જવાબ એક જ હોઈ શકે ને તે આ રહ્યો...” એમ કહીને એણે એ નનામી ચિઠ્ઠીના ઝીણા ઝીણા ચૂરા કર્યા હતા, ને એ પાછી શાંત દર્પ સમેત પોતાને સ્થાને જઈ બેઠી હતી. અધ્યાપકને આવતાં પા કલાકનું વધુ મોડું થયું. પણ એ પંદર મિનિટો સુધી જાણે વર્ગમાં બેન્ચો તેમ જ દીવાલો સિવાય કોઈ જીવતા જીવની હાજરી જ નહોતી. પછી તો રોહિણીના નામના ભણકારા ઠેર ઠેર અથડાતા. ‘રોહિણી’ શબ્દમાંથી અગ્નિચક્રની પેઠે તણખા છૂટતા. એ એક સ્ત્રી હતી તેથી એના તેજપુંજનો દ્વેષ કરતા પુરુષ વિદ્યાર્થીઓ કૉલેજના વ્યાખ્યાનખંડની સભાઓ દરમિયાન બેશક, ગૅલેરીની અંદર અંદર બેઠા બેઠા ઇંડું કે ભજિયું રોહિણીના શરીર પર તાકીને પોતાની નિર્વીર્યતાને વ્યક્ત કરતા. પણ પ્રત્યક્ષપણે રોહિણીની આડે ઊતરવાની, એની છાયાનેય કાપવાની, કોઈ જુવાનની મજાલ નહોતી. રણજિત એ અરસામાં કૉલેજનો નરમ અને ભદ્રિક ગણાતો વિદ્યાર્થી હતો. નારી સન્માનનો એનો ભાવ આ મવાલી છોકરાઓની હીન ચેષ્ટાને કારણે ક્ષણે ક્ષણે ઘાયલ બનતો. અને એક દિવસ એણે રોહિણીને કૉલેજના દરવાજા કને જ આંબી જઈને કહેલું કે “મને મારા બંધુ વિદ્યાર્થીઓનાં આવાં અપકૃત્યથી શરમ આવે છે. એક પુરુષ તરીકે હું આપની ક્ષમા ચાહું છું.” રોહિણીનો જવાબ પણ એને યાદ હતો. વક્ર હાસ્ય કરીને રોહિણીએ સંભળાવેલું કે ‘શીવલ્રી’નો દંભ ન કરો. તમારામાં રોષની લાગણી હોત તો તમે ત્યાં ને ત્યાં એ મવાલી છોકરાની સામે તમારી મર્દાઈનો મુકાબલો કરાવ્યો હોત. તે સિવાય તો હું તમારા જેવા દુર્બલોના નારી-સન્માન કરતાં એ મવાલીઓના નારી-ધિક્કારને ચડિયાતો ગણું છું.” વિદ્યુત-શી ન ઝલાતી, વાતવાતમાં છટકી જતી, ચપલા રોહિણી તે પછી તો પોતાના પડઘા મૂકીને સંસારમાં ચાલી ગઈ હતી. ને સાંભળવા પ્રમાણે, એણે એના પિતાના ઘરનો પરિત્યાગ કરેલો. કારણ એમ બોલાતું હતું કે પિતાએ રોહિણીની માતાના મૃત્યુ પછી ઘણાં બાળકોને કારણે રીતસર લગ્ન ન કરતાં એક આધેડ ઉમ્મરની ઉપ-પત્ની રાખી લીધી હતી, અને ઘરની રખેવાળ તરીકેનો એને દરજ્જો આપ્યો હતો. પરંતુ એનું સાચું સ્થાન તો નવી ગૃહરાજ્ઞીનું જ હોવાથી એ વારંવાર પોતાનાં સાવકાં છોકરાં ઉપર સત્તા ચલાવ્યા કરતી, એની આજ્ઞાને વશ બની રહેનાર બાળકોમાં અપવાદરૂપ એક રોહિણી જ નીકળી. એણે પિતાજીને સંભળાવી દીધું કે — “આપ એને રીતસર પરણી લો તો હું એને ‘બા’ શબ્દે બોલાવી એની આજ્ઞાઓ ઉઠાવવા તૈયાર છું; પણ રખાત પ્રત્યે તો માતાનો ભાવ બતાવવાનું મારે માટે અશક્ય છે.” આ અશક્યતાના મુદ્દા પર રોહિણીને બાપનું ભર્યું ઘર છોડવું પડેલું. ટ્યુશનો રાખી એ જુદો એકલ સંસાર ચલાવતી. લોકો વાતો કરતાં કે એકવાર રાત્રીએ રોહિણીએ એક ગૃહપ્રવેશ કરવા આવનાર પુરુષને રિવૉલ્વર વતી જખમી કરેલો. લોકોની આવી અત્યુક્તિ પછવાડે સત્ય ફક્ત એટલું જ હતું કે રોહિણી હંમેશા એક છૂરી પોતાની બાજુમાં દબાવીને જ નિદ્રા લેતી. તે પછી તો ધરતીનાં પડોને પલાળી ચાર-પાંચ ચોમાસાં ચાલ્યાં ગયાં. દુનિયા ઘડીક નવી તો ઘડીક જૂની ને ઘડીક બુઢ્ઢી તો ઘડીક બાળા બનતી બનતી ઘણી ઘણી ફેરફૂદડીઓ ફરી વળી. ને જગત જેને ચમત્કાર ગણી વંદે છે તેવા કોઈ વિધિયોગનું ટાંકણું આવતાં આજે આ બીજા જ નગરમાં ઓચિંતા એક ટ્રેઇનમાં બેઉ જણાનો મેળાપ થયો. ગાડીમાં ગિરદી ઘણી હતી. એક બાઈને ઊભેલી દેખી કેટલાક જુવાનો બેઠક ખાલી કરી ખડા થયા. પણ એ તમામને તિરસ્કારયુક્ત ના પાડતી રોહિણીએ રણજિતની જોડે દૃષ્ટિ મળતાં મોં ઉપર હાસ્યના ફૂલદડા રમાડ્યા; સાભાર એણે રણજિતનું આસન સ્વીકારી લીધું. બીજે સ્ટેશને તો ગાડી ખાલી થતાં બેઉએ સામસામી બેઠક લીધી. અને પછી કૉલેજની જૂની ઓળખાણના એક પછી એક પડદા ઊપડતા ચાલ્યા. રોહિણી ત્યારે વિદ્યુતના અગ્નિ-ચમકારા છોડીને શ્યામલ વાદળી-શી સ્નેહવર્ષણ બની ગઈ. “તમે ક્યાં છો?” “તમે શું કરો છો?”... “કૉલેજમાં હું એક તમારા મોંને જ નથી ભૂલી શકી...” એવા એવા ઉદ્ગારો એના મોંમાંથી વહ્યા. “શા માટે નથી ભૂલી શક્યા?” “કોણ જાણે. કોઈક અકળ દૈવોદેશ.” એણે નિશ્વાસ નાખ્યો. “હમણાં અહીં રહેશો?” રણજિતે પૂછી લીધું. “તમને વાંધો ન હોય તો...!” રોહિણીએ રમૂજ કરી. “મને શાનો વાંધો હોય?” “ક્યારેક આ રીતે ટ્રેઇન-ટ્રામમાં ભટકાઈ જવાનો ભય તો ખરો જ ને!” “ભય! ભય શાનો?” “તમને નહિ — બીજાં કોઈને.” “બીજાં કોને?” “અમારી જાત બહુ ઇર્ષાળુ છે, રણજિતભાઈ!” રણજિત સમજ્યો, ને એને પોતાને ઊતરવાનું સ્ટેશન આવતાં એ ઊઠ્યો. કેટલીક આગગાડીઓ થોભે છે ત્યારે થડકાર કરે છે. એનો થડકારો હજારો ઉતારુઓને થડકાવે છે. એ હજારોમાંથી કોઈક કોઈકને નસીબે એ થડકાર મીઠો અને ઉપકારક બની જાય છે. આગગાડીએ બાકીની ફરજ બજાવી... ઢળતા રણજિતને રોહિણીએ હાથ ટેકવીને સ્થિર કરી લીધો... ક્યાં એ હાથનો સ્પર્શ! ક્યાં બાજુમાં પડેલ નિ:સ્નેહ માનવ-કલેવર! ને સ્વપ્નમાં રણજિત પેલી ચાલી જતી ટ્રેઇનનો પછવાડેનો ડાંડો ઝાલીને જાણે કે ઘસડાયે જાય છે...

[૩]

તે રાત્રિએ રોહિણીના હૃદયમાં પણ ઉત્પાત મચ્યો. જીવનમાં પહેલી પ્રથમ વારનો જ એ ખળભળાટ હતો. પ્રથમ તો એ હસી: કેવો બેવકૂફ બનાવ્યો એ પામરને! પણ પોતાનું હસવું પોતે ન જોઈ શકી. ઊઠીને અરીસામાં જોયું. અટ્ટહાસ્ય કર્યું. પણ પ્રતિબિંબનો પ્રતિહાસ એને ગમ્યો નહિ. એને લાગ્યું કે જાણે રાંડ પ્રતિછાયા મને ઠઠ્ઠે ઉડાવી રહી છે! બંદૂક ફોડતી વેળા બરકંદાજના હાથ જો ઢીલા પડે તો બંદૂકનો કુંદો પોતાનું જોર એ ખુદ વછોડનારની જ છાતીને જફા કરે છે. પુરુષોનો દ્રોહ કરનારી રોહિણીના કલેજામાં આજ પહેલી જ વાર એ રોષનો પ્રત્યાઘાત પછડાયો. પણ પાછું એણે યાદ કરી જોયું: મેં તો ભલભલા યુવાનોનો તેજોવધ કરીને વિજય મેળવ્યો છે; મારાથી સવાયા પુરુષોનાં સ્નેહ-વલખાં ઉપર હું ખડ ખડ હસી ચૂકી છું. ને આજે રણજિત જેવો અદનો યુવાન મારા હૃદય બંધોને કાં તોડી વછોડી રહ્યો છે? બંડખોરીનો શું અતિરેક થયો? સૂતા સૂતા અનુભવનાં, અવલોકનનાં તેમ જ વાચનનાં પાનાં ફરી ફરી સ્મરણમાં ઉથલાવી ગઈ. પણ એનો જૂનો જાતિવિદ્રોહ તે સમય પોતાની ફેણ માંડી શક્યો નહિ. મનને રોહિણીએ પટાવ્યું: કદાચ આ મારી અનુકમ્પા જ છે માત્ર — એથી વધુ કશું જ નહિ. અનુકમ્પા — માત્ર અનુકમ્પા — વધુ કશું નહિ... એવું રટણ કરતી રોહિણી સૂતી. થોડા દિવસો ગયા. મનને થયું: શહેર સારું છે. મારે જરા સ્થળફેરની જરૂર છે. અહીં મારા કામકાજને માટે પણ બહોળું ક્ષેત્ર છે, અહીં જ રહી જાઉં તો કેમ?... રહી ગઈ. ટ્યુશનો પણ મળ્યાં.

[૪]

“તારા!” રણજિતે એક રાત્રીએ શિક્ષણનો બહોળો વિષય છેડ્યો: “તું ઘેર થોડો અભ્યાસ ન કરે?” “તમે ભણાવો તો કરું.” “ધણી કદી માસ્તર બની જ ન શકે.” “જોઈએ.” જોયું, એક અઠવાડિયામાં રણજિતે તારાને થકાવી દીધી; પૂછ્યું: “હવે?” “પુરુષ-શિક્ષકની કને તો નહિ ભણું.” “કેમ, ખાઈ જાય?” “કોણ જાણે. ગમે નહિ.” “મને કશો વાંધો નથી, હો! ખરું કહું છું — મારા પેટમાં જરીકે શંકા કે ઇર્ષા નથી.” પણ તારાએ ન માન્યું... ને શિક્ષિકા આવી — રોહિણી. વારંવાર મળવાનું એ નિમિત્ત ખડું થયું. રોહિણીએ રણજિતને એક સ્નેહભર્યો ને ગૃહપ્રેમી સ્વામી દીઠો: તારા ભણે ત્યારે રણજિત બન્ને બાળકોને લઈ બહાર નીકળીજાય. તારાની આંખો ન દુખે તે માટે રણજિત વહેલો ઊઠી રસોઈ માંડી દે. કામવાળો ન આવ્યો હોય ત્યારે રણજિત તારા કનેથી ઝૂંટવીને તમામ કપડાં લઈ ધોઈ નાખે. “ના, તારા; તારો અભ્યાસ બગડે!” સાચા હૃદયથી રણજિત તારા પર વહાલ ઠેરવવા મથતો હતો. પણ એની દશા સામા પૂરે નદી પાર કરનારા જેવી હતી; પગ નીચે લપસણા પથ્થરો હતા. ‘ઓહોહો!” પલેપલ રણજિત એ જ વાત ગોખતો: ‘તારાને મારા દિલ સાથે ભીડી રાખવા હું કેટલા પ્રયત્નો કરું છું! હટો, રોહિણીના વાળની સુંવાળી શ્યામલ લટો! — મારા મોં પરથી ભલી થઈને હટી જાઓ!’ પણ પોતાનું મોં લૂછતો લૂછતો એ વારંવાર થંભી જતો. એ કેશ-લટો ઊડી ઊડીને એની કલ્પના પર પથરાતી.

[૫]

તારા પિયર ચાલી. રોહિણી સ્ટેશને વળાવવા આવી હતી. બંને છોકરાં રોહિણીને બાઝી પડતાં હતાં. એક બાળક રોહિણીને ‘ફઈબા’ કહી સંબોધતું, ને બીજું એને ‘માસીબા’ કહેતું. તારાને તો બેવડી સગાઈનો લહાવ લેવાની મઝા પડતી. રોહિણીથી છૂટી પડતાં તારાનેય વસમું લાગ્યું. રોહિણીબહેન તો તારાને નવી સંજીવની આપનારાં હતાં. પોતાના જીવનમાં આટલો ઊંડો રસ લેનાર પહેલું જ માનવી રોહિણી હતી. રણજિતને જાણે કે રોહિણીબહેને જ પત્નીમાં ને બાળકોમાં વધુ રસ લેતો કર્યોહતો. ગાડી ઊપડી ત્યારે જ બરોબર રોહિણીએ બેઉ છોકરાંને માટે રેશમી કપડાંની અક્કેક જોડ ડબ્બાની અંદર ફેંકી. ને તારાએ બેઉ બાળકોના નાના હાથ ઝાલી બારીની બહાર છેક ક્યાં સુધી ‘માશી-ફઈબા’ના લહેરાતા રૂમાલની સામે વિદાય-નિશાની કીધા કરી! ગાડી ચાલતી હતી. તેનાં પૈડાંના અવાજ જોડે મોટું બાળક તાલ મેળવતું હતું: માશી-ફઈબા: ખડ-ખડ-ખડ-ખડ! માશી-ફઈબા: ધબ-ધબ-ધબ-ધબ! માશી-ફઈબા: ધડબડ-ધડબડ! નાનું બાળક ‘માશી’ની આપેલી બિસ્કિટનો અરધો રહેલો ટુકડો બે હોઠ વચ્ચે લબડાવતું ઊંઘતું હતું.

[૬]

વાદળીઓ ચંદ્રને ગળતી અને પાછો બહાર કાઢતી આકાશને માર્ગે ગેલતી જતી હતી. નીચે દરિયો, થાકી લથબથ પડેલો, સુખવિરામ-શ્વાસ લેતો હતો. દરિયાની તમામ જીવલેણ તરંગાવળ જાણે કે સામટી મળીને વરાળ બની એક તરતા મછવામાં સંઘરાઈ ગઈ હતી. બે માનવીઓનાં હૃદય વચ્ચે એ વહેંચાઈ ગઈ હતી. રોહિણી રણજિતના ખોળામાં રડતી રડતી પડી હતી. મછવો એ રુદનનો બોજો જાણે માંડમાંડ વહેતો હતો. માછીઓ હળવાં હલેસાં નાખતા માછી-ગાનના તાન મારતા હતા. “આપણે એમ કરીએ:” રણજિતના સૂરમાં સ્વસ્થતા આણવાનો પ્રયત્ન હતો: “હું જગતને જાહેર કરીશ કે મારે અને તારાને પ્રથમથી જ હૃદયમેળ નહોતો; મેં બધા પ્રયત્નો કરી જોયા, પણ...” રોહિણી એક બાજુ ફરી ગઈ. રણજિતે ઉમેર્યું: “ને તમે એમ જાહેર કરો કે મેં તો સમાજના રૂઢિ-દુર્ગને આઘાત દેવાના હેતુથી જ બંડ કર્યું છે. પછી આપણે ક્યાંઈક નીકળી જઈશું.” “હં — પછી?” રોહિણીએ પડખાભેર મોં રાખીને જ પૂછ્યું. “ને હું સમાજને કહીશ કે તારાને એની ખુશી પડે ત્યાં પોતાનું દિલ જોડવાની છૂટ છે.” રોહિણીએ પાસું બદલ્યું. એની આંખોની જ્વાલાઓ રણજિતની આંખોને સળગાવી રહી. એણે એક પણ શબ્દ ન કહ્યો. નિર્મોહી ને નિર્વિકાર કો યોગી જેવો મછવો આવડા બધા જ્વાલામુખીને પોતાના હૈયામાં સંઘરતો કિનારે પાછો આવ્યો. બેઉ જણાં જુદાં પડ્યાં.

[૭]

ત્રીજે દિવસે તારાને લેવા સ્ટેશન ઉપર રોહિણી જ ગઈ હતી. રણજિતને ખબર જ નહોતી. છોકરાં ‘ફઈબા-માશી’ને બાઝી પડ્યાં, પેલું ‘ફઈબા-માશી ધડબડ’નું જોડકણું સંભળાવ્યું. તારાએ પણ રોહિણીને ગળે હાથ વીંટીને વહાલ કર્યું; પૂછ્યું: “તાર કેમ તમારા નામનો હતો?” “કેમ કે મેં જ તમને તેડાવ્યાં છે.” રોહિણીના મોં પરથી આપત્તિના અક્ષરો વાંચી શકાતા હતા. તારાના દિલમાં ફફડાટ મચ્યો. ઘેર જઈને રોહિણી તારાના ખોળામાં ઢગલો થઈ પડી. તારાએ રોહિણીના શરીર પર અકથ્ય કરુણ કહાણી ઉકેલી લીધી, ને પછી તો રોહિણીએ પોતાનું તમામ હૈયું ખોલી નાખી પોતાનો સંકલ્પ ધરી દીધો. તારાને બેમાંથી એક પસંદગી કરી લેવાની હતી: કાં તો ઘરની અંદરથી રણજિત–રોહિણીની સદાકાળની હિજરત; અથવા તો રોહિણીનો સદાકાળનો ઘરમાં ઉમેરો. હિજરત કરશે તો આ બેઉ જણાં જગતના ચક્રમાં પછડાઈ છૂંદો બની જશે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. ને જો રોહિણી ઘરમાં પ્રવેશ કરશે તો કદાચ પોતાને પિયરવાસ સ્વીકારવો પડશે, એવી ખાસ ધાસ્તી હતી. તારાએ પોતાનું જ અમંગળ પસંદ કરી લીધું. પોતાની જ સાક્ષીએ એણે બેઉ જણાંનો હસ્તમેળાપ કરાવ્યો: પોતે જ રોહિણીના હાથમાં પાણીભર્યું શ્રીફળ રોપ્યું: પોતે જ કંકુનો ચાંદલો કર્યો. પ્રભાતનાં છાપાંમાં હાહાકાર સૂચવતાં મથાળાં હેઠે આ એક સામાજિક ઉલ્કાપાત ઉપર આગ-ઝરતાં લખાણો આવ્યાં. સર્વ છાપાંનો સૂર એ હતો કે એક પુરુષે અધમ રીતે એક કોમળ હૃદયની સન્નારીને ફસાવી ને બીજી એક સ્ત્રીનો ભવ સળગાવ્યો. રોહિણીએ છાપાવાળાને બીજે દિવસે એક નિવેદન લખ્યું: ફસાવનાર પુરુષ નથી; મેં જ પુરુષને પહેલું પ્રલોભન આપી લપસાવ્યો છે. મારી પ્રતિષ્ઠાને રક્ષવા માટે પુરુષ તો ધરતી ભાર ન ઝીલી શકે એવું સ્વરૂપ અમારા લગ્નને પહેરાવવા તૈયાર હતો; પરંતુ એટલો વધારે પાપભાર મારાથી સહેવાય તેમ નહોતું. તમે પૂછશો કે રોહિણી જેવી બંડખોર નારી શી રીતે આટલી સહેલાઈથી ભુક્કો થઈ ગઈ? જવાબ એ છે કે મારી બંડખોરી પોતાનું આખરી લક્ષ્ય ચૂકી જઈને પછી તો પોતાના વિજયગર્વની જોડે જ એકાકાર બની હતી. શક્તિ જ્યારે નિરુદ્દેશ બની કેવળ વિજયના મદને બહલાવવા જ બહાર નીકળી પડે છે, ત્યારે એ પોતે પોતાને જ ખાઈ જાય છે. કૃપા કરીને કોઈ મારા આચરણની જોડે મહાન ઉદ્દેશને જોડશો નહિ.”

[૮]

પાંચ મહિના સુધી રોહિણીએ તારાના આશરામાં એકલવ્રત પાળ્યું; રણજિતનું મોં સુધ્ધાં ન જોયું. પછી એક દિવસ રોહિણીના પુત્ર-પ્રસવની કિકિયારીઓએ સુવાવડખાનાને જાહેર ઉપહાસનું સ્થાન બનાવી મૂક્યું. કૅમેરાની ચાંપો ત્યાં દિન બધો ચીંકાર કરી ઊઠી. એ બધા લોક-હલ્લાને ઠેલી પાછા વાળનાર તારા ત્યાં હાજર ને હાજર હતી. છાપાવાળાઓ તારાને પૂછતા હતા: “તમારે આ બાબત કાંઈ કહેવું છે, બહેન?” “હા, ભાઈ; કહેવાનું આટલું કે ભલા થઈને મારી દયા ખાવી છોડી દો, ને મને આ બે જીવતા જીવોનું જતન કરવા દો.” નિંદા, તિરસ્કાર ને ઠઠ્ઠાના આ ગરમ વાતાવરણ વચ્ચે રોહિણી માંડ માંડ સુવાવડમાંથી ઊભી થઈ. તારા એને ઘેર લઈ આવી; બાળકને રમાડતી નાક ખેંચતી બોલી ઊઠી: “ચીબલા, તારા બાપ જેવો જ ચીબલો કે! ને નમણો તો બા જેવો, કેમ!” રોહિણીની આંખોમાં આંસુ ન માયાં. એના મોંમાં તારાએ ઠાંસીઠાંસીને દિવસરાત હાસ્ય ભરી દીધું. બે મહિને રોહિણીએ તારાના પગને આંસુએ પખાળી પખાળી માંડ રજા મેળવી; બાળકને લઈ જુદું ઘર વસાવ્યું. ફરી પાછાં એનાં ટ્યુશનો બંધાયાં. જગતની યાદદાસ્ત અતિ ઉદાર, અતિ ભૂલકણી છે એટલે જ જગત જીવતું રહ્યું છે. તારાએ રણજિતની પથારીનો ઓરડો સદાને માટે સમજણ કરી લઈને ત્યજ્યો હતો; અને રોહિણીને ઘેર પણ તારાને સાથે લીધા સિવાય રણજિતે ન જવું, એવો રોહિણી રણજિત વચ્ચેનો હંમેશાંનો કરાર હતો.